કચ્છના ખેડૂત ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યા, વચેટિયાઓને હટાવીને જાતે પાક વેચવાનું શરૂ કર્યું
Positive Story : કચ્છના પ્રગતિશીલ ખેડૂતે ભુજ-અંજાર હાઇવે પર વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જે કચ્છના લોકો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, અહીં એકદમ ફ્રેશ શાકભાજી અને ફળો ખેતરમાંથી સીધા જ વેચાણમાં મૂકાય છે
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ભૂજ :કચ્છમાં ભૂકંપ બાદ પ્રગતિશીલ ખેડૂતોએ કાઠું કાઢયું હોય તેમ ઠંડા અને પર્વતીય વિસ્તારોમાં થતા ફળો પણ હવે કચ્છમાં ઉત્પાદિત થઈ રહ્યા છે. ઉપરાંત રાજ્યમાં કચ્છ બાગાયતી પાકોમાં પણ પ્રથમ ક્રમાંકે છે. તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત ખેડૂતોને વધુને વધુ વળતર મળે તેવા પ્રયત્નો યોજના સ્વરૂપે લાવતા હોય છે. ઉત્પાદનમાં સીધો ખેડૂતોને ફાયદો થાય એવા વિચાર સાથે કચ્છમાં સૌપ્રથમ વખત રેલડીના ખેડૂત દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
કચ્છના પ્રગતિશીલ ખેડૂત આશાપુરા ફાર્મના હરેશભાઈ ઠક્કરે કચ્છ જેવા રણ પ્રદેશમાં સ્ટ્રોબેરીની, કમલમ, સફરજન, એક્સોટીક વેજીટેબલ, સિમલા મીર્ચી ઉપરાંત અનેક ફળ અને શાકભાજીનું વાવેતર અને સફળ ઉત્પાદન કરી બતાવ્યું છે. તો આ વર્ષે હરેશ ઠકકર દ્વારા ખેડૂતોને ફાયદો અને ગ્રાહકોની બચત થાય તેવા હેતુથી નવો પ્રયોગ કર્યો છે. તેમણે ભુજ-અંજાર હાઇવે પર વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જે કચ્છના લોકો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ભૂજ તાલુકાના રેલડી ગામ ખાતેના આશાપુરા ફાર્મની નજીક જ આ કન્ટેનર શરૂ કરવામાં આવ્યું છે. આ કન્ટેનરમાં દરરોજ તાજા શાકભાજી અને ફળ સીધા ગ્રાહક સુધી પહોંચે છે. ફળ અને શાકભાજી ખેડૂત પાસેથી સીધા ગ્રાહકને મળતાં પડતર નીચી આવતા ગ્રાહકને પણ ઓછા ભાવે મળે છે. ફ્રેશ ફ્રોમ ફાર્મ ટુ ફોર્ક અંગે વાતચીત કરતા ખેડૂત હરેશ ઠક્કર જણાવ્યું હતું કે, ખરેખર આ રીતે ખેડૂતો વેચાણ કરે તો જથ્થાબંધ વેપારી, છુટક વેપારી અને ટ્રાન્સપોર્ટ ખર્ચ બચી જાય છે. જેને કારણે તેને સીધા ગ્રાહકના ભાવ મળે છે. જે વ્યાજબી રાખી શકે અને ખરીદનારને પણ શાકભાજી અને ફળફળાદી સસ્તા ભાવે મળી રહે અને ખેડૂતની આવક પણ બમણી થાય છે.
(ખેતરની બાજુમાં જ વેચાણ માટે ઉભું કરાયેલું કન્ટેનર)
આ વિચાર અંગે ઉદાહરણ આપી વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ દૂધીના એક કિલોનો છૂટક ભાવ 60 રૂપિયા છે, પરંતુ ખેડૂતને જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 10 રૂપિયા મળે છે, જે ખૂબ જ ઓછા છે. એવીજ રીતે કેળાનું પણ એવું જ છે જો વાડીની બહાર કે પછી ગામમાં આવી રીતે કન્ટેનર મારફતે ખેડૂતો તાજા ફળ અને શાકભાજીનું સીધું વેચાણ ગ્રાહકોને કરે તો ખેડૂતો તરફથી કાયમી ફરિયાદ હોય છે કે તેમને યોગ્ય વળતર મળતું નથી તે દૂર થાય છે. કારણ કે ખેડૂતોને પણ આમાં બમણી આવક થઈ શકે છે. આવા વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવે તો ખેડૂતોને પણ સારો નફો મળી શકે છે. જેમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત પ્રયત્નો કરતા હોય છે.
આ ઉપરાંત હરેશ ઠક્કરે સરકાર સમક્ષ અપીલ કરતા જણાવ્યું હતું કે, જો સરકાર આ પ્રકારે ખેડૂતોને કોઈ નિશ્ચિત સ્થળ આપીને આવા વેચાણ કેન્દ્ર મારફતે ખેડૂતોને વેપાર કરવા માટે સહકાર આપે અને આ વિચારનો પ્રસાર થાય અને વધુને વધુ ખેડૂતો જોડાય તો ખેડૂતોને બમણી આવકનો તો ફાયદો થશે જ સાથે ગ્રાહકની બચત પણ થશે અને સાથે જ તાજા ફળ અને શાકભાજી મળી રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે