લોકરક્ષક પેપર લીક કૌભાંડનો આખો ઘટનાક્રમ, જુઓ 10 પોઈન્ટ્સમાં

પરીક્ષાર્થીઓની રીસિપ્ટ જોઈને સખત તપાસ સાથે પ્રવેશ આપવાનું શરૂ કરાયું. ત્યારે પરીક્ષા બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે 12 વાગીને 45 મીનિટે પ્રેસ કોન્ફરન્સ યોજી અને એવું નિવેદન આપ્યું કે LRDની પરીક્ષાનું પેપર લીક થયું છે. જેથી પરીક્ષા રદ કરવામાં આવે છે. 

લોકરક્ષક પેપર લીક કૌભાંડનો આખો ઘટનાક્રમ, જુઓ 10 પોઈન્ટ્સમાં

અમદાવાદ/ગુજરાત : છેલ્લા 2, 3 દિવસથી રાજ્યભરમાં LRDની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ કેસમાં અત્યાર સુધી 6 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી ત્રણ ભાજપના નેતાઓ છે. હજી પણ કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે આ જ મામલે એક નજર કરીએ પેપર લીકના આખા ઘટનાક્રમ પર નજર. 

1. રવિવારે LRDની ભરતીની પરીક્ષા લેવાવાની હતી. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો હોંશ હોંશે પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. 12 વાગ્યે પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવાનું શરૂ કરાયું. પરીક્ષાર્થીઓની રીસિપ્ટ જોઈને સખત તપાસ સાથે પ્રવેશ આપવાનું શરૂ કરાયું. ત્યારે પરીક્ષા બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે 12 વાગીને 45 મીનિટે પ્રેસ કોન્ફરન્સ યોજી અને એવું નિવેદન આપ્યું કે LRDની પરીક્ષાનું પેપર લીક થયું છે. જેથી પરીક્ષા રદ કરવામાં આવે છે. 

2. આ ઘટનાને પગલે રાજ્યભરમાં લોકોમાં સરકાર પર રોષ ફાટી નીકળ્યો. પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો. બીજી તરફ પેપરલીક કેવી રીતે થયું તેની તપાસના આદેશ થયા. રાજ્યભરમાં સઘન પેટ્રોલિંગનો આદેશ રાજ્ય પોલીસ વડાએ આપ્યો. આવામાં મુખ્યમંત્રીએ પરીક્ષાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી કે, હવે જ્યારે આ રદ થયેલી પરીક્ષા લેવામાં આવશે ત્યારે પરીક્ષાર્થીઓનું ભાડુ વસૂલવામાં નહીં આવે. તો બીજી તરફ, વિરોધ પક્ષ તરફથી સરકાર પર આકરા પ્રહારો શરૂ થયા. 

3. પેપર લીક થવાના મામલે પાલનપુરના જગાણા ગામના હેમરાજ કુણીયાએ LCBમાં અરજી કરી અને નામ લીક કરનાર લોકો સામે તપાસ કરવાની માગ કરી છે. તેમણે એમ પણ જણાવ્યું કે તેને પરીક્ષા સાથે કોઈ લેવાદેવા નથી.

4. આ સમગ્ર પેપર લીકમાં તપાસનો ધમધમાટ શરૂ થતા રવિવારે રાત્રે 9 વાગ્યા બાદ પેપર લીક મામલે 6 શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવ્યાના અહેવાલો આવ્યા.

5. સોમવારે સવારે પાંચ કૌભાંડીઓને ઓળખ સામે આવી હતી. જેમાંથી મનહર પટેલ, મુકેશ ચૌધરી, પીએસઆઈ પી.વી.પટેલ અને રુપલ શર્મા હતી. આમાંનો વડોદરાનો યશપાલસિંહ સોલંકી નામનો યુવક ફરાર હતો. તો બીજી તરફ, પાલનપુરના જગાણાના હેમરાજ કુણીયાનુ પણ નામ સોશિયલ મીડિયામાં વાઈરલ થયું હતું, પરંતુ પોતાનું નામ ખોટી રીતે બદનામ થઈ રહ્યું હોવા અંગે હેમરાજે પોલીસ સામે અરજી કરી હતી.

6. લોક રક્ષકદળ પરીક્ષાનું પેપર લીક થવાના મામલે ગાંધીનગરના સેક્ટર 7 ના પો.સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. સીઆઇડી ક્રાઇમના વિરેન્દ્ર યાદવ બન્યા ફરીયાદી. બીજી તરફ પોલીસે પ્રિન્ટીંગ પ્રેસના માલિક અને સ્ટાફની પૂછપરછ કરી. 

7. પોલીસ તપાસમાં ખૂલ્યું કે, આરોપી રૂપલ શર્મા શ્રીરામ હોસ્ટેલનું સંચાલન કરતી હતી અને પરીક્ષાની તૈયારીઓ માટે આવતા વિદ્યાર્થીઓને પરીક્ષાનું પેપર લાખો રૂપિયામાં વેચવાનુ પણ કામ કર્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શ્રીરામ હોસ્ટેલમાં રેડ પાડવામાં આવી. આ પેપર 5 લાખ રૂપિયામાં વેચાયુ હોવાનું સામે આવ્યું, ત્યારે આ પેપર કોણે કોણે ખરીદ્યા તે વિશે પોલીસ તપાસનો દોર શરૂ થયો. 

8. આ મામલે તપાસ કરી રહેલા ગાંધીનગરના SP મયૂરસિંહ ચાવડાએ ખુલાસો કર્યો કે, આ પેપરકાંડની સૌથી પહેલી માહિતી અધ્યક્ષ વિકાસ સહાયને મળી હતી. મનહર પટેલ, મુકેશ ચૌધરી, રૂપલ શર્માએ ઉત્તરવહી તૈયાર કરી હતી. જેમાં રૂપલ, મુકેશ પોતે ઉમેદવાર છે. જ્યારે જયેશ મનહરનો માણસ છે. મનહરે તેને ગાંધીનગર બોલાવ્યો અને યશપાલ સોલંકી લુણાવાડાનો છે, તે 29 ઓક્ટોબરે દિલ્હી ગયો હતો. આ પેપર દિલ્હીથી જ લીક થયાનું સામે આવ્યુ છે. સાથે જ દિલ્હીના એક ગુજરાતની મૂળના વ્યક્તિની સંડોવણી પણ સામે આવી. જેની પૂછપરછ શરૂ કરાઈ. 

9. ક્રાઈમ બ્રાન્ચે મંગળવારે આ કેસ સાથે સંકળાયેલ અન્ય એક બાયડ ભાજપી નેતા જયેન્દ્ર રાવલની ધરપકડ કરી. જયેન્દ્ર રાવલ મનહરના ખાસ મિત્ર છે અને ભાજપના પૂર્વ મહામંત્રી હતાં. બપોર બાદ આ પેપર ખરીદનાર બાયડ તાલુકા રમોસ ગામના  20 વર્ષીય યુવાન પ્રિતેશ પટેલની અટકાયત કરવામાં આવી. ગુજરાત લોકરક્ષક દળના પરીક્ષાના કૌભાંડમાં પકડાયેલા ચારેય આરોપીઓને સોમવારે જજના બંગલે રજૂ કરી તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે તમામ આરોપીઓની 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા ઓર્ડર કરાયો હતો. 

10. મંગળવારે આ કેસમાં અનેક મોટો ખુલાસા થયા. જેમાં ગાંધીનગરમાં આવેલી હોટલ અંજલિ ઈનનું પણ નામ આવ્યું, જ્યા આ સમગ્ર કૌભાંડનું ષડયંત્ર રચાયું હતું. હોટલમાં યોજાયેલી આ મિટિંગમાં 50 જેટલા લોકો સામેલ હતા. ચારેય આરોપીઓનું ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ મેડિકલ તપાસ કરાયું હતું. જે લોકોની પૂછપરછ કરાઈ રહી છે, તેમાં સામે આવ્યું છે કે, પેપર લીક કરવાનો પ્લાન ત્ર્યંબકેશ્વર મંદિરમાં ઘડાયો હતો. જ્યારે કે દક્ષિણ ભારતના એક શહેરમાં તેનું પ્રિન્ટીંગ થયું હતું. આ કામમાં વોટ્સએપ પર 20 લોકોનું ગ્રૂપ બનાવાયું હતં, જેમાં પીવી પટેલે રૂપલને પણ ગ્રૂપમાં એડ કરી હતી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news