દ્વારકાના ખંભાળિયામાં બારે મેઘ ખાંગા! 10 ઈંચ વરસાદની જળબંબાકાર, અનેક વિસ્તારો જળમગ્ન
Gujarat Rains: ખંભાળિયામાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં કુલ પોણા 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભાણવડ તાલુકામાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.ચોમાસાના પ્રારંભે જ મેઘ મહેર વરસી હતી.
Trending Photos
Gujarat Rains: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા છે. રવિવારે સાડા નવ ઈંચ વરસાદથી ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ કરી મૂકી છે. ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ પડી ગયો હતો. ખંભાળિયામાં ભારે વરસાદનાં પગલે ઠરે ઠરે પાણી ભરાઇ ગયા હતાં. રસ્તા ઉપર ગોઠણ સમા પાણી ભરાયા હતાં. આજે રાજ્યના 20 તાલુકામાં વરસાદ પડ્યો છે. હજુ 3 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે.
ખંભાળિયામાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં કુલ પોણા 10 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભાણવડ તાલુકામાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.ચોમાસાના પ્રારંભે જ મેઘ મહેર વરસી હતી. ખંભાળિયા તાલુકામાં આજે (રવિવાર) બપોરે એકાદ વાગ્યાથી શરૂ થયેલો ધોધમાર વરસાદ બપોરે પાંચેક વાગ્યા સુધી અવિરત રીતે વરસ્યો હતો.
બપોરે 2 થી 4 દરમિયાન મુશળધાર 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ખંભાળિયા - દ્વારકા માર્ગ પરના બારા, વડત્રા વિગેરે ગામોમાં ભારે વરસાદ વરસતા અનેક નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા હતા. આ ઉપરાંત વિરમદળ, ઝાકસીયા, સામોર સહિતના ગામોમાં પણ પાંચથી છ ઈંચ સુધી વરસાદ વરસતા નદીઓ વહેતી થઈ ગઈ હતી.
ખંભાળિયા પંથકમાં બપોરે 11 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં બે કલાકમાં અઢીથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના માર્ગો પાણી પાણી થયા હતા અને વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. જ્યારે દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ સવારે 6:00 વાગ્યા આસપાસ ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, સાથે જ ખેતરોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા.
આગાહી દરમિયાન પોરબંદરમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે.પોરબંદરમાં પહેલા વરસાદે જ પાલિકની પ્રિમોનસૂન પ્લાનની પોલ ખોલી દીધી છે. અહીં છાયા ચોકી રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો બોખીરા, કમલાબાગ, નરસંગ ટેકરીમાં વરસાદના કારણે રસ્તા જળમગ્ન બન્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે