Pavagadh માં આ હનુમાનજીના દર્શન કરવા માત્રથી પનોતી, આધીવ્યાધી ઉપાધીનો થાય છે નાશ
Trending Photos
જયેન્દ્ર ભોઇ/જાંબુઘોડા : હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસને લઈ જાંબુઘોડા પાસે આવેલા ઝંડ હનુમાન ખાતે શનિવારને લઈ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ભક્તો આવી પહોંચ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનને અનુસરી દર્શન કર્યા હતા. મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા પાર્કિગ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અહીં જાંબુઘોડા અભયારણ્ય આવેલું છે. આ ઉપરાંત 13 હજાર હેકટરમાં જંગલ પથરાયેલું છે. જેના કારણે સમગ્ર વિસ્તાર જાણે ધરતીએ લીલીછમ ચાદર ઓઢી છે.
પંચમહાલના જાંબુઘોડા નજીક આવેલા ઝંડ હનુમાનજી મંદિર સાથે મહાભારત કાળની દંતકથા સાથે જોડાયેલી છે. અહીં બિરાજીત બજરંગ બલીની પ્રતિમા ગુજરાત રાજ્યભરમાં 18 ફૂટની ઉંચાઈ ધરાવતી અને એક પથ્થરમાં સ્વંયભુ કંડારાયેલી એકમાત્ર આ પ્રતિમા હોવાનું કહેવાય છે. અહીં દર્શન કરવાથી પનોતીની વ્યાધિમાંથી મુક્તિ મળતી હોવાની ભક્તોની આસ્થા છે. જેની પાછળ પણ એક દંતકથા જોડાયેલી છે. કહેવાય છે કે, હનુમાનજી અને શનિદેવ વચ્ચેના મિલન બાદ થયેલા યુદ્ધમાં એક બીજાની શક્તિના પરચા બાદ શનિદેવને થયેલી પીડા દૂર કરવા તેલની માંગણી કરવામાં આવી હતી.
આજ વાયકા સાથે અહીં સૌ યથાશક્તિ મુજબ તેલ અર્પણ કરે છે. પોતાની વ્યાધિમાંથી મુક્તિ મેળવે છે. અહીં તેલના આખા આખા ડબ્બા પણ આસ્થાળુઓ અભિષેક કરતાં જોવા મળે છે. આ સ્થળે ભીમની ઘંટી, વનવાસ કાળ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણ મારી પાણીનો સ્ત્રોત ઉભો કર્યો હતો. જેના પુરાવા જોવા મળે છે. આ કુવામાંથી બારેમાસ અવિરત ઝરણું પણ વહેતુ રહે છે. આ વિસ્તારને હિડીમ્બાવન તરીકે પણ ઓળખવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે