ગિરનાર રોપ-વેને માય કેર ઈન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ મળ્યું
Trending Photos
- ગિરનાર રોપવેને મળ્યું માય કેર ઈન્ફેક્શન રીસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ
- ઉષા બ્રેકો કંપની નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા સર્ટીફીકેટ મેળવનારી ભારતની પ્રથમ રોપવે કંપની બની
સાગર ઠાકર/જૂનાગઢ :જૂનાગઢમાં ગિરનાર રોપ-વેની સફર માટે આવતા પ્રવાસીઓની હવે સુરક્ષા સાથે આરોગ્યની પણ સલામતી જળવાશે. કારણ કે ગિરનાર રોપ-વેને માય કેર ઈન્ફેક્શન રિસ્ક મેનેજમેન્ટ સર્ટિફિકેટ મળ્યું છે. ગિરનાર રોપવે તૈયાર કરનાર ઉષા બ્રેકો કંપની નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા સર્ટિફિકેટ મેળવનારી ભારતની પ્રથમ રોપવે કંપની બની છે. ઉષા બ્રેકો કંપનીને મળેલા પ્રમાણપત્રનું પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ અનાવરણ કર્યુ હતું. આ પ્રમાણપત્ર મળતાં કંપનીની સાથે ગુજરાત અને જૂનાગઢનું પણ ગૌરવ વધ્યું છે. પ્રવાસીઓની સુરક્ષા અને આરોગ્યની સલામતી સુનિશ્ચીત થતાં પ્રવાસનને પણ ફાયદો થશે.
રાજ્યનો સૌથી ઉંચો પર્વત એટલે ગિરનાર અને ગિરનાર પર્વત પર આઠ માસથી રોપવે કાર્યાન્વિત થયો છે ત્યારથી લઈએ અત્યાર સુધીમાં અંદાજે 4 લાખ પ્રવાસીઓ રોપવેની સફર માણી ચુક્યા છે. ગિરનાર રોપવે પ્રોજેક્ટ ઉષા બ્રેકો કંપનીએ તૈયાર કર્યો છે અને આ રોપવે એશિયાનો સૌથી મોટો રોપવે છે. તેથી સ્વાભાવિક રીતે તેની ઉંચાઈને લઈને જોખમ પણ રહેલું છે. તેથી જ આ રોપવેમાં વિશ્વની સૌથી અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં સફળતા પણ હાંસલ થઈ છે. પ્રવાસીઓ સુરક્ષિત રીતે રોપવેની સફર માણી રહ્યા છે. ત્યારે હવે રોપવે સફરની સુરક્ષા સાથે પ્રવાસીઓ અહીં આરોગ્યની દ્રષ્ટિએ પણ સુરક્ષિત છે તેવું ઉષા બ્રેકો કંપનીને પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.
નેધરલેન્ડની ડીએનવી કંપની દ્વારા વૈશ્વિક સ્તરે નિષ્ણાંતોની ટીમ દ્વારા ઈન્ફેક્શન રીસ્ક મેનેજમેન્ટ પ્રોગ્રામ વિકસિત કરાયો છે, કોરોના સમયમાં રોપવે પરિસરમાં સંક્રમણનું જોખમ ઘટાડવા ઉષા બ્રેકો કંપનીએ ડીએનવી કંપની પાસે ઓડીટ કરાવ્યુ અને તેની એસઓપી લાગુ કરી જેને લઈને ઉષા બ્રેકો કંપનીને રોપવે પરિસરમાં સોશ્યલ ડિસ્ટન્સ, કર્મચારીઓની તાલીમ, સ્વચ્છતા, આરોગ્યની સલામતી સહીતની બાબતોનું પાલન થતું હોવાનું પ્રમાણિત થતાં કંપનીને સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે, જે પ્રવાસીઓની આરોગ્યની સલામતી સુનિશ્ચીત કરે છે.
કંપનીને મળેલ આ પ્રમાણપત્રનું રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું. જેમાં અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ, કંપનીના રીજીયોનલ હેડ દીપક કપલીશ, મેનેજર ઘનશ્યામ પટેલ હાજર રહ્યા હતા. ગિરનાર રોપવે પ્રોજેક્ટનું 24 ઓક્ટોબર 2020 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું અને અત્યાર સુધીમાં 4 લાખ પ્રવાસીઓ રોપવેની સફર કરી ચુક્યા છે. કંપનીને અનેક માપદંડોમાંથી પસાર થયા બાદ મળેલા આ પ્રમાણપત્રથી યાત્રીકોને એક સુરક્ષિત અને આરામદાયક સફરનો વિશ્વાસ સંપાદીત થશે અને પ્રવાસનને પણ ફાયદો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે