જેતપુરના અગ્રાવત પરિવાર પર મોતનું તાંડવ, કોરોનાથી 4ના મોત, હવે એક જ સદસ્ય બચ્યો

જેતપુરના અગ્રાવત પરિવાર પર મોતનું તાંડવ, કોરોનાથી 4ના મોત, હવે એક જ સદસ્ય બચ્યો
  • કોરોનાએ જેતપુરના અગ્રાવત પરીવારનો આખો માળો વિંખી નાખ્યો હતો. સાસુ સસરા,પતિ અને પુત્રના મોતથી ભાંગી પડેલ રમાબેન પણ હાલ સારવાર હેઠળ છે

નરેશ ભાલિયા/જેતપુર :કોરોનાએ આખેઆખો પરિવારો નષ્ટ કરી દીધા હોય તેવા અનેક કિસ્સાઓ છે. ત્યારે જેતપુરના જેતલસર ગામે બાવાજી પરિવારના ઘરના મોભી, માતા-પિતા અને પુત્ર એમ ચાર સભ્યોનું માત્ર ત્રણ દિવસના અંતરમાં કોરોનાથી મોત થયા છે. ઘરનો આખો માળો વેરવિખેર થઈ ગયો હતો. પાંચ સભ્યોના પરિવારમાં બાકી રહેલ મહિલા સભ્ય પણ હાલ સારવાર હેઠળ છે.

જેતલસર ગામે રહેતા રાજેશભાઇ પરસોત્તમભાઈ અગ્રાવત (ઉંમર 49 વર્ષ) ને ચારેક દિવસ પૂર્વે તબિયત નરમ લાગતા તેઓએ જેતલસર આરોગ્ય કેન્દ્ર ખાતે પોતાનો અને પુત્રનો આરટીપીઆર રિપોર્ટ કરાવ્યો હતો. બંનેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમ છતાંય તબિયત નરમ હોવાથી ઘરે દવા ચાલુ રાખી હતી. તેમાં 19 એપ્રિલના રોજ રાજેશભાઈની તબિયત લથડતા તેઓને સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા. ત્યાં માત્ર ત્રણથી ચાર કલાકની વેન્ટીલેટર પર સારવાર બાદ હોસ્પિટલ તંત્રએ તેમને મૃત જાહેર કર્યા હતા.

માસ પ્રમોશનની જાહેરાત વચ્ચે આ રીતે તૈયાર થશે વિદ્યાર્થીઓનું પરિણામ 

બીજી બાજુ ઘરના બીજા સભ્યોની તબિયત પણ ધીરે ધીરે બગડતી જઈ રહી હતી. રાજેશભાઇની પરિણીત પુત્રી પોરબંદરમાં રહે છે. તેણે દાદા પરસોત્તમભાઈ, દાદી મંગળાબેન, માતા રમાબેન અને ભાઈ ઓમને પોરબંદર લઈ જઈ ત્યાં (હોમ આઇસોલોટ) ઘરે સારવાર ચાલુ કરી હતી. તેમાં 21 એપ્રિલના રોજ ઓમની તબિયત લથડતા તેને તરત જ હોસ્પિટલે લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત થયું હતું. 

ગુજરાતની કંપનીએ એવી દવા શોધી, જે 7 દિવસમાં કોરોના દર્દીને સાજો કરીને RT-PCR નેગેટિવ લાવશે

આ સમાચાર સાંભળતા જ બાકીના પરિવારજનો પર આભ ફાટી પડ્યું. પુત્ર અને પૌત્રના એકાએક મોતથી ભાંગી પડેલ પરસોતમભાઈ અને મંગળાબેનની પણ ગતરોજ તબિયત લથડી હતી. અગ્રાવત પરિવારને ત્યાં યમરાજે ધામા નાખ્યાં હોય તેમ મંગળાબેનની તબિયત લથડી અને હજુ સારવાર મળે તે પેલા જ તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું અને ત્યાર બાદ દોઢ કલાકના અંતરમાં જ પરસોત્તમભાઈનું પણ મોત થયું હતું. 

આમ, કોરોનાએ જેતપુરના અગ્રાવત પરીવારનો આખો માળો વિંખી નાખ્યો હતો. સાસુ સસરા,પતિ અને પુત્રના મોતથી ભાંગી પડેલ રમાબેન પણ હાલ સારવાર હેઠળ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news