ફરવાના શોખીનો....ગુજરાતના આ સ્થળે ગયા છો તમે? પ્રકૃતિએ ખોબલે ખોબલે વેરી છે સુંદરતા, જુઓ Pics
ગુજરાતીઓ સામાન્ય રીતે ફરવાના શોખીન હોય છે. દેશના અનેક ઠેકાણે તો ફરતા જ હોય છે પરંતુ સાથે સાથે વિદેશમાં પણ જતા હોય છે. શું તમને ખબર છે કે આપણા ગુજરાતમાં જ ફરવા માટે એટલા બધા સ્થળો છે કે તમને કદાચ એ બધા વિશે જાણકારી ન પણ હોય.
Trending Photos
ગુજરાતીઓ સામાન્ય રીતે ફરવાના શોખીન હોય છે. દેશના અનેક ઠેકાણે તો ફરતા જ હોય છે પરંતુ સાથે સાથે વિદેશમાં પણ જતા હોય છે. શું તમને ખબર છે કે આપણા ગુજરાતમાં જ ફરવા માટે એટલા બધા સ્થળો છે કે તમને કદાચ એ બધા વિશે જાણકારી ન પણ હોય. આજે અમે તમને એવા જ એક પર્યટન સ્થળ વિશે જણાવીશું જેના વિશે જાણીને તમને મજા પડી જશે.
પંચમહાલ જિલ્લામાં આવેલું પર્યટન સ્થળ
અહીં અમે જે જગ્યાની વાત કરી રહ્યા છે તે છે જાંબુઘોડા અભ્યારણ્ય. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં જાંબુઘોડા તાલુકામાં આવેલું જાંબુઘોડા અભ્યારણ્ય પ્રકૃતિના ખોળે રમવાની ઈચ્છા ધરાવનારાઓ માટે ઉત્તમ સ્થળ છે. અહીંથી ચાંપાનેર 20 કિલોમીટર અને વડોદરા 90 કિલોમીટરના અંતરે આવેલું છે. મે 1990માં તેને અભ્યારણ્ય તરીકે જાહેર કરાયું હતું. જાંબુઘોડા વાંસ,મહુડા, સાગ તેમજ અન્ય વનસ્પતિસભર અભ્યારણ્ય છે અને સાથે સાથે વન્ય પ્રાણી ઉપરાંત ઝેરી અને બિનઝેરી સરિસૃપોનું આશ્રય સ્થાન પણ છે.
જાંબુઘોડા અભ્યારણ્યની લાક્ષણિકતા
જાંબુઘોડા અભ્યારણ્યની એક લાક્ષણિકતા એ છે કે તે પર્વતીય વિસ્તારમાં આવેલું જૂજ માનવ વસ્તી ધરાવતું અભ્યારણ્ય છે જેના કારણે તેના પ્રાકૃતિ સૌંદર્યમાં અનેકગણો વધારો થયો છે. જાંબુઘોડા વિશે વાત કરીએ તો આ વિસ્તારની ગાઢ જંગલની ટેકરીઓમાં તેમ જ ખીણોમાં ઘણા આદિવાસી વસાહતો વસવાટ કર છે. આ ઉપરાંત અહીં ફરવા માટે ઘણા સ્થળો છે. ટ્રેકિંગ માટે સાઈટ છે. બે જળાશયો પણ છે.
જાંબુઘોડા અભ્યારણ્યનું મુખ્ય શિકારી પ્રાણી દિપડો છે. આ ઉપરાંત શિયાળ, વરુ, ઘોરખોદિયું, રીંછ વગેરે પ્રાણીઓ પણ અહીં જોવા મળે છે. હરણ, નીલગાય, ચોશિંગા હરણ, વગેરે માટે પણ જાંબુઘોડા અભ્યારણ્ય આશ્રય સ્થાન છે. અહીં બનાવવામાં આવેલા બે બંધ કડા ડેમ અને ટારગોલ ડેમ પાણીની જરૂરિયાત પૂરી કરે છે. આ બંધો કડાઅને ટારગોલ ગામ પાસે બાંધવામાં આવેલા છે.
રોકાણની વ્યવસ્થા
ચોમાસામાં અહીં ફરવાની ખુબ મજા આવે છે. પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલે છે. અહીં કડા બંધ અને ટારગોલ બંધ પાસે સરકારી આરામ ગૃહ છે. તથા વનાંચલ નામનો એક નવો રિસોર્ટ પણ શરૂ થયો છે.
જોવાલાયક સ્થળો
જાંબુઘોડા નજીક ચાંપાનેર કે જે વિશ્વ ધરોહર સ્થળ છે તે, યાત્રા સ્થળ પાવાગઢ, ધાર્મિક તેમજ ફરવાનું સ્થળ ઝંડ હનુમાન, સુખી બંધ અને કડા બંધ આવેલા છે.
કેવી રીતે જવાય
જાંબુઘોડા અભ્યારણ્ય જવું હોય તો બસ માટે નજીકનું બસમથક શિવરાજપુર છે જ્યાંથી અભ્યારણ્ય માત્ર એક કિલોમીટરના અંતરે છે. ટ્રેન દ્વારા પણ શિવરાજપુરથી જઈ શકાય. છે. જે દસ કિલોમીટરના અંતરે છે. નજીકનું એરપોર્ટ વડોદરા છે. વડોદરાથી જાંબુઘોડા 90 કિલોમીટરના અંતરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે