22,516 કરોડનું રોકાણ, 20 હજાર લોકોને રોજગારી, જાણો સાણંદમાં સ્થપાનાર સેમિકન્ડક્ટર પ્લાન્ટની ખાસ વાતો

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય આઇ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર અને અમેરિકન સેમિકન્ડક્ટર જાયન્ટ માઇક્રોન કંપની વચ્ચે ગુજરાતના સાણંદમાં  સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે MOU સંપન્ન થયા હતા.  
 

22,516 કરોડનું રોકાણ, 20 હજાર લોકોને રોજગારી, જાણો સાણંદમાં સ્થપાનાર સેમિકન્ડક્ટર પ્લાન્ટની ખાસ વાતો

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે MOU પ્રસંગે જણાવ્યું હતું કે  જ્યારે માઇક્રોન કંપનીનો પ્લાન્ટ કાર્યરત થઇ જશે ત્યારે ગુજરાત મેમરી ચીપનું ઉત્પાદન કરતું ભારતનું પહેલું રાજ્ય બનશે. ગુજરાતને જ્યારે દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ સ્ટેટનું ગૌરવ પ્રાપ્ત છે ત્યારે દેશમાં સેમિકન્ડકરના ઉત્પાદનની શરૂઆત ગુજરાતથી થાય તે આપણા સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. માઇક્રોન દ્વારા સ્થાપવામાં આવનાર આ પ્રોજેક્ટથી આવનાર દિવસોમાં 5 હજારથી વધુ પ્રત્યક્ષ અને 15 હજારથી વધુ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે તેમજ રાજ્યના કૌશલ્ય વિકાસને વધુ વેગ મળશે તેમ જણાવી મુખ્યમંત્રીએ માઇક્રોન કંપનીનું ગુજરાતમાં સ્વાગત કરીને રાજ્ય સરકાર દ્વારા તેમને જરૂરી તમામ સહયોગ મળી રહેશે તેમ ઉમેર્યું હતું.  

કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે ભારતને સેમિકન્ડક્ટર પ્રોડક્શનનું હબ બનાવવાની નેમ રાખી છે.  ગુજરાત પણ એમાં પોતાની આગવી અને દેશની પ્રથમ સેમિકન્ડક્ટર પોલિસી દ્વારા પોતાનું અગ્રીમ યોગદાન આપવા સજ્જ છે. પીએમ નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા યાત્રાની સફળતાને સાકાર કરતો ગુજરાતનો આજનો આ સેમિકન્ડક્ટર પ્રોડક્શન માટેનો MOU કાર્યક્રમ છે. ગુજરાતમાં સેમિકન્ડર ક્ષેત્રમાં નવું રોકાણ, નવા ઉદ્યોગો આવે તે માટે રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ રાજ્ય ઇલેક્ટ્રોનિક્સ મિશનની શરૂઆત કરી છે તેમ તેમણે કહ્યું હતું. 

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દેશનું ફિનટેક હબ તો બન્યું જ છે હવે આ પોલીસીના પરિણામે રાજ્યમાં વધુને વધુ ઉદ્યોગો આવશે અને ગુજરાતમાં વિપુલ રોજગારીનું સર્જન થશે. પ્રધાનમંત્રી તાજેતરના અમેરિકાના પ્રવાસમાં સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત દેશમાં રૂ. 22,516 કરોડ સેમિકંડકટર મેન્યુફેક્ચરીંગ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. તેના પરિણામે સેમિકન્ડક્ટર જાયન્ટ માઇક્રોને ભારત દેશમાં ઉત્પાદન માટે ગુજરાતને પસંદ કર્યું છે. ગુજરાતમાં હવે મેમરી ચીપનું ઉત્પાદન થશે અને જેનો ઉપયોગ મોબાઇલ, કોમ્પ્યુટર, ઓટોમોટીવ અને અન્ય ઇલેક્ટ્રોનિક્સમાં થશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

ગુજરાત સરકાર અને માઇક્રોન કંપની વચ્ચે એમઓયુને ઐતિહાસિક દિવસ ગણાવતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 40 વર્ષથી ભારતને સેમી કંડકટર હબ બનાવવા માટેના જે પ્રયાસો ચાલુ હતા તે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સફળ થઈ થવા જઈ રહ્યા છે. આ એમઓયુ ભારતને મેમરી ચીપ્સના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા માટેનું સૌથી મોટું પગલું સાબિત થશે

અશ્વિની વૈષ્ણવે ભારતમાં ઉપલબ્ધ કૌશલ્ય, ગ્રીન ઉર્જા અને સસ્તા શ્રમ આ ત્રણ કારણોસર ભારત સેમિકન્ડક્ટર હબ બનશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આગામી છ સાત વર્ષમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં એક મિલિયન કૌશલ્ય ધારક વ્યક્તિઓની જરૂર પડશે. આ માટે 80,000 જેટલા એન્જિનિયર્સ તૈયાર કરવા માટે દેશની 104 યુનિવર્સિટી સાથે સમજૂતી કરવામાં આવી છે. તેમજ તે માટે યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એ જ રીતે ભારતમાં ગ્રીન ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. ભારતમાં ઉપલબ્ધ સસ્તા શ્રમ વિશે જણાવતા અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ભારતમાં અન્ય સમૃદ્ધ દેશોની સરખામણીમાં લગભગ અડધી કિંમતે સેમિકન્ડક્ટરની ચિપ્સ તૈયાર થાય છે જેનો ફાયદો ભારતને મળશે. 

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નેહરા એ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે,ગુજરાતે ગુજરાત સ્ટેટ ઈલેકટ્રોનીક મિશનની સ્થાપના કરી છે જેના થકી ગુજરાતની વિશ્વભરમાં વિશ્વસનીયતા ઉભી થઈ છે એને અમે વધુને વધુ આગળ વધારશું. રાજયમાં સાણંદ ખાતે સ્થપાનાર આ ચીપ પ્લાન્ટ ઝડપથી કાર્યરત થાય અને દેશનો સર્વશ્રેષ્ઠ પ્લાન્ટ બને તે માટે ટીમ ગુજરાત સંનિષ્ઠ પ્રયાસો કરશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે આ ક્ષણને માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ગણાવીને કહ્યું કે, પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૩થી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરી હતી. આજે વર્ષ ૨૦૨૩માં એટલે કે ૨૦ વર્ષમાં ગુજરાતે દરેક ક્ષેત્રોમાં અનેકગણી પ્રગતિ કરી છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વર્ષ-૨૦૨૪ માં યોજાશે. જેમાં ગુજરાતે સ્ટ્રેટેજી બદલીને હવે આઇકોનિક ઇન્વેસ્ટમેન્ટ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. આજે થયેલા એમ.ઓ.યુ તે દિશામાં પ્રથમ કદમ છે.

માઈક્રોન કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ગુરશરણ સિંઘે ગુજરાતની વેપાર કરવાની સરળતાની નીતિની પ્રશંસા કરતા કહ્યું કે, ઉદ્યોગ માટે જરૂરી એવા એડવાન્સ પેમેન્ટ એગ્રીમેન્ટ (એપીઆઈ)ને સામાન્ય સંજોગોમાં વર્ષો થઈ જતા હોય છે તે ગુજરાતમાં માત્ર પાંચ મહિનામાં શક્ય બન્યું છે. ૧૧ દેશોમાં સ્થપાયેલા પ્લાન્ટ પૈકી અમદાવાદના સાણંદ ખાતે સ્થપાનાર પ્લાન્ટ સૌથી વિશાળ અને મોર્ડન હશે. આ પગલું સેમીકન્ડક્ટર ઉત્પાદન થકી આવનાર વર્ષોમાં ગેમ ચેન્જર સાબિત થશે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નેહરા એ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે,ગુજરાતે ગુજરાત સ્ટેટ ઈલેકટ્રોનીક મિશનની સ્થાપના કરી છે જેના થકી ગુજરાતની વિશ્વભરમાં વિશ્વસનીયતા ઉભી થઈ છે એને અમે વધુને વધુ આગળ વધારશું. રાજય માં સાણંદ ખાતે સ્થપાનાર આ ચીપ પ્લાન્ટ ઝડપથી કાર્યરત થાય અને દેશનો સર્વશ્રેષ્ઠ પ્લાન્ટ બને તે માટે ટીમ ગુજરાત સંનિષ્ઠ પ્રયાસો કરશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news