International Kite Festival 2023: ગુજરાતમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, દેશ-વિદેશના પતંગબાજો લેશે ભાગ
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવનારા લોકો ‘વન અર્થ, વન ફેમિલિ, વન ફ્યુચર’ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય) ની થીમ સાથે જી-20 લોગોવાળા એક વિશેષ જી-20 ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકશે.
Trending Photos
ગાંધીનગર: કોરોના મહામારીને કારણે 2 વર્ષના અંતરાલ પછી ફરી એક વખત અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં ભવ્ય રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થવા જઇ રહ્યો છે. ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આગામી 8થી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન જી20 ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આયોજિત કરવામાં આવશે. દેશ-વિદેશના અનેક પતંગબાજો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હિસ્સો લેવા માટે અમદાવાદ આવશે, જેમાં જી-20 દેશોના પતંગબાજો પણ સામેલ થશે.
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા. 8 જાન્યુઆરી, 2023 ના રોજ સવારે 8.00 વાગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન ઉપસ્થિત રહેશે.
ઉત્તરી ગોળાર્ધમાં સૂર્યના ગમનનું સ્વાગત કરવા માટે સૂર્યનમસ્કારનું પ્રદર્શન કરવામાં આવશે, સાથે જ કાર્યક્રમના પહેલા દિવસે ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન તમામ પતંગબાજો જી20નો લોગો પ્રિન્ટ કરેલું ટી-શર્ટ અને ટોપી પહેરીને એક પરેડનું પ્રદર્શન કરશે.
આ વર્ષે ગુજરાતના આકાશમાં જી-20નો લોગો છાપેલી પતંગો આકાશમાં ઉડતી જોવા મળશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવનારા લોકો ‘વન અર્થ, વન ફેમિલિ, વન ફ્યુચર’ (એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય) ની થીમ સાથે જી-20 લોગોવાળા એક વિશેષ જી-20 ફોટોબૂથ પર ફોટો અને સેલ્ફી લઇ શકશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગનો ભાતીગળ ઇતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન ઊભું કરવામાં આવશે, તેમજ પતંગો બનાવવા અને ઉડાડવા માટેની એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન મુલાકાતીઓ માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2022માં ભારતો જી20ની અધ્યક્ષતા સંભાળી. જી20ને એક સહભાગી કાર્યક્રમ બનાવવાના માનનીય પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને અનુરૂપ ભારતના લોકો માટે જી20નો અર્થ શું છે, તેની સમજણ વધારવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. ધ ગ્રુપ ઓફ 20 (જી20) આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોહ માટેનું મુખ્ય મંચ છે. તે તમામ મુખ્ય આંતરરાષ્ટ્રીય આર્થિક મુદ્દાઓ પર ગ્લોબલ આર્કિટેક્ચર અને શાસનને આકાર આપવા અને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ભારત 1 ડિસેમ્બર, 2022થી 30 નવેમ્બર, 2023 સુધી જી20ની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન સમગ્ર ભારતમાં 200થી વધુ બેઠકો અને કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે, જેમાંથી ગુજરાતમાં આગામી મહિનાઓમાં આવી 15 બેઠકોનું આયોજન કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે