લોકસભા મતદાન: CMથી લઈને ગૃહમંત્રી સુધીના મંત્રીઓ પાસ કે ફેલ, ભાજપનો છે મુખ્ય ચહેરો

Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 60 ટકા મતદાન થયું છે. રાજ્યમાં 1.91 કરોડ લોકોએ મતદાન કર્યું નથી. માત્ર 2.88 કરોડ લોકો મતદાન મથક સુધી પહોંચ્યા છે. ભાજપે સંગઠનની તાકાતને આધારે 2.32 કરોડ મતદારો ભાજપ તરફી મતદાન કરશે તેવો દાવો પણ કર્યો હતો પણ આ દાવો ફેલ જશે કે પાસ એ તો આગામી સમય બતાવશે પણ મતદાનની આ પરીક્ષામાં કયા મંત્રી ફેલ થયા કે કયા પાસ, જોઈ લો આ રિપોર્ટ....

લોકસભા મતદાન: CMથી લઈને ગૃહમંત્રી સુધીના મંત્રીઓ પાસ કે ફેલ, ભાજપનો છે મુખ્ય ચહેરો

Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 60 ટકા મતદાન છતાં ભાજપને 4 ટકા ઓછા મતદાનનો મલાલ છે. રાજ્યમાં 5 લાખની લીડથી 25 સીટો જીતવાના સપનાં જોતાં પ્રદેશ પ્રમુખ અને સંગઠન સામે પણ સીધા સવાલો ઉભા થયા છે. રાજ્યમાં સૌથી મોટા સંગઠન ધરાવતું ભાજપે એડવાન્સમાં મતદાનનો આંક 70 ટકાની આસપાસ પહોંચાડવા માટે તૈયારીઓ કરી હતી પણ તેઓ મતદારોને મતદાન મથક સુધી ખેંચી લાવવામાં અસફળ રહ્યાં છે. 

રાજ્યમાં 1.91 કરોડ લોકોએ મતદાન કર્યું નથી. માત્ર 2.88 કરોડ લોકો મતદાન મથક સુધી પહોંચ્યા છે. ભાજપે સંગઠનની તાકાતને આધારે 2.32 કરોડ મતદારો ભાજપ તરફી મતદાન કરશે તેવો દાવો પણ કર્યો હતો પણ આ દાવો પાસ થશે કે ફેલ એ તો આગામી સમય જ બતાવશે. 2022ની વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ગઠબંધનને 1.20 કરોડ લોકોએ મત આપ્યા હતા. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પણ આટલું જ મતદાન થયું છે. હવે આ લોકસભાના મતદાનનું વિષ્લેશણ કરીએ કો ગુજરાત સરકારના મુખ્યમંત્રીથી લઈને કેબિનેટ મંત્રીઓના મતવિસ્તારમાં કેટલું મતદાન થયું એ સૌથી અગત્યનો પ્રશ્ન છે. આ નેતાઓ ભાજપનો મુખ્ય ચહેરો છે. તમે જ જાણી લો કે ભાજપના કયા મંત્રીના મતવિસ્તારમાં કેટલા ટકા મતદાન થયું છે. આ રિપોર્ટ ઘણો અગત્યનો છે. મતદાન કરાવવામાં કુંવરજી બાવળિયા અને પ્રફૂલ પાનસેરિયા પાછા રહ્યાં છે. જેઓ પોતાના મતવિસ્તારમાં મતદાન કરાવી શક્યા નથી. 

ગુજરાતના સીએમનો મતવિસ્તાર
ગાંધીનગર લોકસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડિયામાં 61.20 ટકા મતદાન થયું છે. ગાંધીનગર લોકસભામાં સૌથી વધારે મતદાન કલોલમાં થયું છે. જ્યાં 65 ટકા મતદાન નોંધાયું છે. સાણંદમાં પણ 64 ટકા મતદાન નોંધાયું છે. આમ ગાંધીનગર લોકસભામાં રૂરલ એરિયાનો દબદબો રહ્યો છે. આ લોકસભા પર ભાજપના ઉમેદવાર અમિત ભાઈ શાહ છે. અમિત ભાઈએ અહીં સૌથી વધારે લીડથી જીતવા માટે પહેલાંથી તૈયારીઓ કરી હતી પણ મતદાનનો આંક નીચો રહ્યો છે.  

ભોજન બની રહ્યું છે બીમારીઓનું મોટું કારણ, જાણો થાળીમાં કેટલી હોવી જોઈએ રોટલી, શાક
 
પારડીમાં 65.59 ટકા મતદાન

વલસાડ લોકસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના મત વિસ્તાર પારડી આવે છે. જ્યાં 65.59 ટકા મતદાન નોંધાયું છે.  વલસાડમાં સૌથી વધારે મતદાન ધરમપુર વિધાનસભા બેઠકમાં થયું છે. જયાં 78.32 ટકા મતદાન નોંધાયું છે. આ સિવાય વાંસદા અને ડાંગમાં પણ 75 ટકાની આસપાસ મતદાન થતાં વલસાડ લોકસભા બેઠક આખા ગુજરાતમાં નંબર વનના સ્થાને છે. કનુભાઈ દેસાઈના મત વિસ્તારમાં મતદાનની ટકાવારી ફક્ત ઉમરગામ કરતાં જ વધારે છે. જ્યાં 65.12 ટકા મતદાન થયું છે. 

મહેસાણા લોકસભામાં ઋષિકેશ પટેલના મત વિસ્તાર વિસનગરમાં 59.70 ટકા મતદાન થયું છે. મહેસાણા લોકસભામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ ઉભા રહ્યાં હતા. અહીં સૌથી વધારે મતદાન વિજાપુર બેઠક પર થયું છે. મહેસાણામાં વિજાપુર બેઠક પર સી. જે ચાવડા પેટા ચૂંટણી પણ લડી રહ્યાં છે. મહેસાણા જિલ્લામાં આ બેઠક પર સૌથી વધારે મતદાન નોંધાતાં ભાજપ માટે આ સારો સંકેત છે. કડીમાં 64 ટકા તો માણસામાં 57 ટકા મતદાન રહ્યું હતું. ઋષિકેશ પટેલે અહીં મતદાન વધારવા માટે કરેલા પ્રયાસો કંઈક અંશે સફળ રહ્યાં છે. 

જામનગર લોકસભામાં રાઘવજી પટેલનો મત વિસ્તાર જામનગર રૂરલ આવે છે. જ્યાં 60.78 ટકા મતદાન થયું છે. જામનગર લોકસભામાં આવતી 7 લોકસભામાં સૌથી વધારે મતદાન રાઘવજી પટેલના મતવિસ્તારમાં થયું છે. રાઘવજીના મતવિસ્તારમાં ભાજપે કરેલી મહેનતને પગલે મતદાનમાં વધારો થયો છે. જામનગરમાં પૂનમ માડમે આ વર્ષે હેટ્રીક ફટકારવા માટે તૈયારી કરી હતી. જામનગર લોકસભામાં દરેક વિધાનસભામાં 55 ટકાથી વધારે મતદાન થયું છે. જામનગર નોર્થમાં 59.34 ટકા તો જામનગર સાઉથમાં 58.50 ટકા મતદાન થયું છે. 

ગુજરાતમાં નવસારી બેઠક પરથી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉમેદવાર છે. આ બેઠક પર મતદાન ઓછું રહ્યું છે. આ લોકસભા બેઠકમાં હર્ષ સંઘવીની મજૂરા બેઠક પણ આવે છે. હર્ષ સંઘવીએ આખા ગુજરાતમાં દોડાદોડી કરી છે પણ સંઘવીના મત વિસ્તારમાં 55.13 ટકા મતદાન થયું છે. આ લોકસભા બેઠક પર ગણદેવીમાં સૌથી વધારે 71.74 ટકા ટકા મતદાન થયું છે.  નવસારીમાં 66 ટકા તો જલાલપોરમાં 66 ટકા મતદાન થયું છે. ચોર્યાસી, મજૂરા અને લિંબાયતમાં મતદાનની ટકાવારી 55 ટકાની આસપાસ રહી છે. આ બેઠક પરથી પાટીલ સૌથી વધારે લીડથી જીતે છે પણ આ વખતે એમની સીધી ટક્કર અમિત ભાઈ સાથે થવાની છે. પાટીલે આ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે લીડથી જીતવાની કમર કસી છે પણ આગામી સમય જ બતાવશે કે પાટીલ પાસ થાય છે કે નાપાસ...

ગુજરાતમાં પાટણ લોકસભામાં રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતનો મતવિસ્તાર આવે છે. આ જ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર પણ ઉભા રહ્યાં છે. અહીં ભાજપે ભરતસિંહ ડાભીને રીપિટ કર્યા હતા. પાટણ લોકસભા બેઠક પર મતદાનની વાત કરીએ તો સિદ્ધપુરમાં 61.61 ટકા મતદાન થયું છે. ખેરાલુમાં મતદાનનો આંક 59.34 ટકા છે. જિજ્ઞેશ મેવાણીના મત વિસ્તાર વડગામમાં 63.52 ટકા મતદાન નોંધાયું છે. ચાણસ્મામાં 56 ટકા તો પાટણ સીટીમાં મતદાનનો આંક 58 ટકાએ પહોંચ્યો છે. કાંકરેજમાં 54 ટકા તો રાઘનપુરમાં મતદાન 53 ટકા રહ્યું છે. આમ બળવંતસિંહ અને ચંદનજી ઠાકોર પોતાના મતવિસ્તારમાં મતદાન વધારવામાં કંઈક અંશે સફળ રહ્યાં છે.  

આ લોકસભામાં સૌથી વધારે વિવાદ રાજકોટ બેઠક પર રહ્યો હતો.  ગુજરાતમાં સરેરાશ 60.13 ટકા મતદાન નોંધાયુ છે. જેમાં રાજકોટ બેઠક પર 59.69 ટકા મતદાન થયું છે. રાજકોટમાં કુલ મતદારો 21,12,273 છે જેમાંથી 12,60,768 મતદારો મતાધિકારનો ઉપયોગ કર્યો છે. રાજકોટ લોકસભા બેઠક હેઠળ જે વિધાનસભા બેઠકો આવે છે તેમાં સૌથી વધુ મતદાન ટંકારા વિસ્તારમાં 65.88 ટકા જ્યારે સૌથી ઓછું જસદણમાં 55.69 ટકા મતદાન થયું. 

આ ઉપરાંત રાજકોટ ઈસ્ટ વિધાનસભા મતવિસ્તારમાં 57.88 ટકા, રાજકોટ ગ્રામ્યમાં 58.58 ટકા, રાજકોટ દક્ષિણમાં 57.80 ટકા, રાજકોટ પશ્ચિમમાં 57.84 ટકા, અને વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં 64.67 ટકા મતદાન નોંધાયુ છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના મતવિસ્તારમાં સૌથી ઓછું મતદાન 55.69 ટકા નોંધાયું. એટલે કે તેઓ પણ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા માટે જંગી મતદાન કરાવવામાં સફળ રહ્યા નહીં. 

ગુજરાત સરકારના મંત્રી જગદીશ પંચાલનો મતવિસ્તાર એ નિકોલ છે જે અમદાવાદ ઈસ્ટ લોકસભામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદની બંને બેઠકો પર મતદાન ઓછું થયું છે. અમદાવાદ ઈસ્ટમાં નિકોલમાં 54.50 ટકા મતદાન નોંધાયું છે. અમદાવાદ ઈસ્ટ લોકસભામાં સૌથી વધારે મતદાન એલિસબ્રિજ વિધાનસભા વિસ્તારમાં થયું છે. જ્યાં 55.20 ટકા મતદાન નોંધાયું છે. પ્રદિપસિંહ જાડેજાના ગઢ વટવામાં પણ 54.80 ટકા મતદાન થયું છે. ગાંધીનગર સાઉથમાં 57 ટકા તો દહેગામમાં 54 ટકા મતદાન રહ્યું છે. આમ સરેરાશ ઓછા મતદાન વચ્ચે પંચાલે પોતાના મતવિસ્તારમાં મતદાન વધારવાનો પ્રયાસ કર્યો છે. 

બારડોલી લોકસભામાં સૌથી ઓછું મતદાન મંત્રી પ્રફુલ પાનસેરિયાના મત વિસ્તાર કામરેજમાં થયું છે. કામરેજમાં 46.39 ટકા મતદાન નોંધાયું છે. કામરેજના મતદારોએ નિરસ મતદાન કર્યું છે. બારડોલી લોકસભાની વાત કરીએ તો અહીં નિઝરમાં 79.66 ટકા, વ્યારામાં 73.69 ટકા માંડવીમાં 73.16 ટકા તો માંગરોલમાં 68.88 ટકા મતદાન નોંધાયું છે. કામરેજમાં મંત્રીજી પોતાના મતવિસ્તારમાં મતદાન કરાવી શક્યા નથી. બારડોલીમાં પરભુ વસાવા ભાજપના ઉમેદવાર છે. બારડોલીમાં મહુવામાં 68.37 ટકા મતદાન થયું છે. ગુજરાતમાં તમામ કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં પ્રફુલ પાનસેરિયા પોતાના મતવિસ્તારમાં મતદાન કરાવી શક્યા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news