'લાજવાને બદલે ગાજવુ અને ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે', આ કહેવત પોરબંદરના ડોક્ટરોએ સાર્થક કરી, એવી વાત સામે આવી કે...
રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભૂતકાળમાં હોસ્પિટલોમાં આગની ભીષણ ઘટનાઓ બની છે જેમાં આગ લાગી હતી ત્યારે ફાયર સેફ્ટીના અભાવે મોટી જાનહાની પણ થઈ ચુકી છે.
Trending Photos
અજય શીલુ/પોરબંદર: રાજ્યમાં ભૂતકાળમાં હોસ્પિટલમાં આગની ઘટનામાં ફાયર સેફ્ટીના અભાવે અનેક વખત મોટી જાનહાની થઇ ચુકી છે. રાજ્ય સરકાર તથા હાઇકોર્ટ દ્વારા અવારનવાર ફાયર સેફ્ટી મામલે કડક સુચનાઓ આપવા છતાં પોરબંદર જિલ્લામાં હજુ હોસ્પિટલોમાં લોલમલોલની પરિસ્થિતિ જોવા મળી રહી છે.
રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભૂતકાળમાં હોસ્પિટલોમાં આગની ભીષણ ઘટનાઓ બની છે જેમાં આગ લાગી હતી ત્યારે ફાયર સેફ્ટીના અભાવે મોટી જાનહાની પણ થઈ ચુકી છે.ફાયર સેફ્ટી મામલે હાઇકોર્ટ દ્વારા પણ કડક વલણ દાખવવામાં આવ્યું છે આમછતાં હોસ્પિટલોને હાઇકોર્ટ તથા સરકારના સુચનોને જાણે ઘોળીને પી જતી હોય તેમ કાંઇ પડી જ ન હોય તેવી પરિસ્થિતિ પોરબંદરમાં જોવા મળી. હોસ્પિટલમા સારવાર માટે આવતા દર્દીઓની સુરક્ષાને ધ્યાને લઈ ફાયર સેફ્ટીની પરિસ્થિતિની અંગે ચેકીંગ હાથ ધર્યુ હતુ.
ફાયર ઓફિસર સહિતના સ્ટાફે સૌ પ્રથમ પોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી અંગે ચેકીંગ હાથ ધરતાં મેડિકલ કોલેજમાં જ ફાયર સેફ્ટી મામલે મોટી બેદરકારી સામે આવી હતી.મેડિકલ કોલેજમાં લગાવવામાં આવેલ 44 જેટલા ફાયર એક્સ્ટીંગ્યુશર સિલિન્ડર એક્સપાયરી ડેટ વાળા હોવાનું સામે આવતા તમામ ફાયર એક્સ્ટીંગ્યુશર સિલિન્ડરને તત્કાળ બદલવા કડક સુચના આપી હતી.
ફાયર બ્રિગેડ દ્વારા શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ ફાયર સેફ્ટી દ્વારા ચેકીંગ હાથ ધરતાં સૌથી મોટી બેદરકારી સામે આવી હતી શહેરની મોટી હોસ્પિટલો ગણાતી જ્યાં એમડી કક્ષાના ડોક્ટર દર્દીઓની સારવાર કરે છે તે હોસ્પિટલોને જાણે દર્દીઓના જીવની તેમની સુરક્ષાની કાંઇ પડી જ ન હોય તેમ ફાયર સેફ્ટી મામલે લોલમલોલ જોવા મળી હતી.
શહેરની મલ્ટી સ્પેશાયાલીસ્ટ ગણાતી ગ્લોબલ હોસ્પિટલ તથા શ્રેય,રિધ્ધિ,આસ્થા અને ન્યુ લાઇફ તથા સંભવ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ખામીઓ સામે આવતા ફાયર ઓફિસર દ્વારા કડક સુચના આપી વહેલી તકે ફાયર સેફ્ટીની જરુરી તમામ કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી અને જો આમછતાં સુચનોને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો હોસ્પિટલને સીલ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતુ.
લાજવાને બદલે ગાજવુ અને ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તે કહેવતોને પોરબંદરના ડોક્ટરોએ સાર્થક કરી હતી.પોરબંદર ફાયર બ્રિગેડ દ્વારા ચેકીંગ સમયે ફાયર સેફ્ટીના સાધનો કામ નહીં કરતા હોવા છતાં શ્રેય હોસ્પિટલના ડોક્ટરે ફાયર સેફ્ટી મામલે પોતાની ચેમ્બરમાંથી બહાર આવવાની તસ્દી પણ લીધી ન હતી તો મલ્ટી સ્પેશાયાલીસ્ટ ગણાતી ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટર તો ફાયર ઓફિસર સાથે જ રકઝક કરતા જોવા મળ્યા હતા.ગ્લોબલ હોસ્પિટલ કે જ્યાં ત્રણ માળ આવેલ છે જ્યાં અનેક દર્દીઓ સારવાર માટે દાખલ થાય છે તો અનેક દર્દીઓ ઓપીડી માટે આવે છે આમ છતાં અહીં મોટી બેદરકારી સામે આવી હતી.
ફાયર એક્સ્ટીંગ્યુશર સિલિન્ડરને લઈને તો અહીં મોટી ગોલમાલ જોવા મળી હતી કારણ કે અહીં ફાયર એક્સ્ટીંગ્યુશર સિલિન્ડરમા એક્સપાયરી ડેટનો સમયગાળો બે વર્ષનો હોવાના સ્ટીકર જોવા મળતા ફાયર સેફ્ટી ઓફિસર પણ ચોંકી ગયા હતા કારણ કે ફાયર એક્સ્ટીંગ્યુશર સિલિન્ડરની અવધી એક વર્ષની જ હોય છે ત્યારબાદ ફરીથી રિફિલ કરવાનો હોય છે પરંતુ અહીં તો આ પ્રકારના પરિસ્થિતિ જોવા મળતા ફાયર ઓફિસર દ્વારા જ્યારે ફાયર એક્સ્ટીંગ્યુશર સિલિન્ડરમા જે કંપનીનુ નામ અને નંબર હતા તેમાં ફોન કરતાં તેઓએ પ્રથમ આ મામલે નનૈયો ભણતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ ફાયર ઓફિસરને વ્હોટસએપ કરી તેઓના કર્મચારીઓએ ભુલથી ખોટી તારીખ લખી દીધી હોવાનો લુલો બચાવ કર્યો હતો.
સૌથી મોટુ આશ્ચર્ય તો ત્યારે સામે આવ્યું જ્યારે આ હોસ્પિટલના ડોક્ટર પોતાની હોસ્પિટલની ભુલ સ્વીકારી ભુલ સુધારવા પ્રયાસ કરશે તેવું કહેવાને બદલે પોરબંદરમા તમામ હોસ્પિટલોમાં આવી જ પરિસ્થિતિ છે તો શું બધી હોસ્પિટલ સીલ કરશો અને બીજે બધે પણ ચેકીંગ કરશો તેવી દલીલ ફાયર ઓફિસર સામે કરી રોફ જાડતા જોવા મળ્યા હતા.
ફાયર સેફ્ટી અંગે વારંવાર સુચનાઓ આપવા છતાં પોરબંદરમાં હોસ્પિટલો જાણે નિયમો અને સુચનાઓનો ઉલાળીયો કરી જતા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી.હોસ્પિટલની બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં આ તમામ હોસ્પિટલો ફાયર સેફ્ટી બાબતે તમામ જરૂરી નિયમોનું પાલન કરી ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ પોતાની હોસ્પિટલોમાં રાખે તે હોસ્પિટલ અને ત્યાં આવતા તમામ દર્દીઓ માટે જરૂરી છે ત્યારે આટ આટલી સુચનાઓ બાદ પણ બેદરકાર આ હોસ્પિટલો ક્યારે ફાયર સેફ્ટી મામલે સમજે છે તે જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે