દેશમાં એક માત્ર ગુજરાતની આ જગ્યાએ હોળીના દિવસે યોજાય છે હોલિકાના લગ્ન

મોરબીની બાજુમાં આવેલા વાડી વિસ્તારોમાં વર્ષોથી સતવારા સમાજ દ્વારા હોળીના દિવસે માટીમાંથી હોલિકા કે જેને વેણી માંનું નામ દેવામાં આવે છે તેની પ્રતિમા બનાવવામાં આવે છે. તેના વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે

દેશમાં એક માત્ર ગુજરાતની આ જગ્યાએ હોળીના દિવસે યોજાય છે હોલિકાના લગ્ન

હિમાશું ભટ્ટ, મોરબી: લગ્ન તો તમે ઘણા જોયા હશે પરંતુ હોલિકાના લગ્ન નહિ જ જોય હોય. ગુજરાત જ નહીં દેશનું એક માત્ર જગ્યા જ્યાં હોલિકાના લગ્ન જોવા મળે છે. મોરબીની બાજુમાં આવેલા વાડી વિસ્તારોમાં વર્ષોથી સતવારા સમાજ દ્વારા હોળીના દિવસે માટીમાંથી હોલિકા કે જેને વેણી માંનું નામ દેવામાં આવે છે તેની પ્રતિમા બનાવવામાં આવે છે. તેના વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે અને ત્યારે બોલે છે રાસગરબા અને દેશી ફટાણાની રમઝટ.

કહેવાય છે ને ‘વાત જો હોય શ્રદ્ધાની તો તેમાં પુરાવાની કોઈ જરૂર રહેતી નથી’ તે ઉક્તીને સાર્થક કરતા મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલા વાડી વિસ્તારોમાં ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક હોળી ધુળેટીના તહેવારમાં હોલીકાના લગ્ન કરાવવામાં આવે છે. જો કે, આ લગ્ન માટે વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા માટીમાંથી બે પુતળા બનાવવામાં આવે છે અને હોલિકા રાક્ષસ કુળની હતી માટે તેનું પુતળું તેવું વિકરાળ બનાવવામાં આવે છે. રાક્ષસની સાથે લગ્ન કરવા માટે આવે તે વરરાજા પર તેના જેવા જ હોય તેમ માનીને તેનું પુતળું પણ વિકરાળ બનાવવામાં આવે છે.

હોલિકા ભગત પ્રહલાદને ખોળામાં લઈને જયારે હોળીમાં બેઠા હતા. ત્યારે તે કુવારા હતા અને કુવારા મૃત્યુ થયું હોવાથી વર્તમાન સમયમાં જે રીતે કોઈ કુવારા મૃત્યુ પામે તો તેની પાછળ જે રીતે લીલ પરણાવવા સહિતની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. તેવી જ રીતે હોલીકાનો આત્મા લગ્નમાં રહી ગયો હોવાથી વર્ષો પહેલા ઘણા લોકોના લગ્નમાં યેનકેન પ્રકારે વિઘ્ન આવતા હતા. જેથી તે સમયથી હોલિકા એટલે કે, વેણી માં અને શામ બાપના લગ્ન મોરબીની આસપાસના વિસ્તારોમાં આવેલ વાડી વિસ્તારોમાં કરાવવામાં આવે છે. શામ બાપા તેમજ વેણી માંની જાન વાડીએ વાડીએ ફરતી હોય છે.

આજે સવારથી જ મોરબીની ખેરની વાડી, ભાન્ડીયાની વાડી, વજેપર વાડી, વૈષ્ણવની વાડી, બવ્રાની વાડી, ઘુચારની વાડી, જેપુરિયાની વાડી, માન્ગ્રાની વાડી, ભોલની વાડી, હદાનીની વાડી, રંગાણીની વાડી સહિતની કુલ મળીને 14 જેટલી વાડીમાં આ લગ્ન પ્રસંગ રગેચંગે અને ધામધુમથી ઉજવાઈ છે. હિંદુ સંસ્કૃતિમાં જેટલા પણ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે તેના પાછળ કોઈને કોઈ ઉદેશ ચોક્કસ હોય છે. તેવી જ રીતે દેશભરમાં આજે લોકો રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે મોરબીના વાડી વિસ્તારમાં વેણી માં અને શામજી બાપના લગ્ન કરાવવામાં આવે છે.

દરેક વાડીમાં ઘરે ઘરે જઈને જે રાસ ગરબા સહિતની રમઝટ બોલાવવામાં આવતી હોય છે તેના થાકી જે પણ રકમ એકત્રિત થઇ છે. તેમાંથી વાડી વિસ્તારના લોકો દ્વારા શેરી ગલ્લીઓમાં રખડતા કુતરા, અબોલ પક્ષી સહીના માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પરંપરા આજકાલથી નહિ પરંતુ હાલમાં વાડી વિસ્તારમાં રહેતા પરિવારની પાંચથી સાત પેઢીઓ કરતા પણ પહેલાથી આ અનોખા લગ્ન કરવામાં આવે છે અને તેમાં તમામ લોકો કાયદેસરના લગ્નની જેમ જ જોડતા હોય છે.

રંગોત્સવની ઉજવણી બધા જ કરે છે પરંતુ શા માટે રંગોત્સવ ઉજવાઈ છે તે આજકાલના યુવાનોને ખબર પણ નહિ હોય તે હક્કિત છે. એવું કહેવાય છે કે, હોલિકાનું હોળીમાં દહન થઇ ગયું અને ભગત પ્રહલાદનો બચાવ થયો હતો તેની ખુશીમાં રંગોત્સવ ઉજવાઈ છે. જો કે, હોલીકાનું મુર્ત્યું થયું ત્યારે તેના લગ્ન થયા ન હતા જેથી હોલિકાના લગ્ન કરાવવામાં આવતા હોય તેવું કદાચ સમગ્ર ગુજરાતમાં એક માત્ર મોરબી શહેરમાં જ બનતું હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news