Thank you Rupalaji : કેમ ક્ષત્રિય નેતાઓએ રૂપાલાના વિરોધને બદલે આભાર માન્યો, આ છે કારણો
Rupala Vs Rajput Samaj : રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે આરપારની લડાઈમાં ગઈકાલે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાઈ ગયું. જેમાં રૂપાલાનો વિરોધ કરવાને બદલે મંચસ્થ તમામ નેતાઓએ રૂપાલાનો આભાર માન્યો હતો. કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા અને રાષ્ટ્રીય અધ્યક્ષ મકરાણાએ કહ્યું કે, ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા છે.
Trending Photos
Parsottam Rupala : રવિવારે રાજકોટમાં ઈતિહાસ સર્જાયો. દેશના 75 વર્ષના ઈતિહાસમાં ન થયું એ પહેલીવાર થયું. વિવાદ ભરે રૂપાલાનો હોય, પરંતું રાજપૂતોને એક કરવામાં રૂપાલા નિમિત્ત બન્યા છે. એક હાંકલ પર ક્ષત્રિય સમાજના એટલા બધા લોકો એક થયા હતા, કે 13 એકર જમીન પણ નાની પડી હતી. આઝાદીના 75 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર દેશના રાજપૂતોને એક કરવા માટે ક્ષત્રિય સમાજનો લોકોએ પરસોત્તમ રૂપાલાનો આભાર માન્યો હતો. રાજકોટમાં રતનપરમાં યોજાયેલા રાજપૂતોના મહા સંમેલનમાં ક્ષત્રિયોની ઐતિહાસિક એકતા અને સ્વંયભૂ શિસ્ત ઝળકી હતી. આ દ્રષ્યો જોઈને કદાચ સરકારના પેટમાં પણ ફાળ પડી હશે.
ત્રણ લાખ લોકો મેદાનમાં, એક લાખ બહાર
રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી ટિપ્પણી બાદ તેમની ટિકિટ રદ કરવાના મુદ્દે રવિવારે રતનપરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન મળ્યું હતું. અહીં ન માત્ર ગુજરાત, પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો આવ્યા હતા. ગુજરાતભરમાંથી અંદાજે 4 લાખ જેટલા ક્ષત્રિયો ઊમટી પડ્યા હતા. આટલા ક્ષત્રિયોને સમાવવા માટે રતનપરનું મેદાન પણ ટૂંકું પડ્યું હતું. ત્રણ લાખ લોકો જ પ્રવેશી શક્યા હતા. જ્યારે એક લાખથી વધુ લોકો ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા.
સભા પૂર્ણ થઈ ત્યાં સુધી પાંચ પાંચ કિલોમીટરની લાંબી કતારો લાગી હતી. જે ક્ષત્રિયો સંમેલન સ્થળે પહોંચી ન શક્યા તેમની આયોજકોએ માફી પણ માગી હતી. ત્યારે આઝાદી બાદ પહેલીવાર દેશમાં ક્ષત્રિયોની એકતા જોવા મળી છે. જે માટે ક્ષત્રિય નેતાઓએ પણ રૂપાલાનો આભાર માન્યો છે. રાજપૂતોએ પણ સંમેલનમાં પૂરતુ શિસ્ત દાખવ્યુ હતું. શાંતિપૂર્વક આ સંમેલન પૂર્ણ કરાયુ હતું.
આ નેતાએ માન્યો આભાર
કરણી સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું, ‘આજે ઈતિહાસ રચાયો છે, આઝાદીના 75 વર્ષ બાદ રાજપૂતો પ્રથમ વખત આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થયા છે. રૂપાલાની ટિકિટ રદ નહિ થાય તો ક્ષત્રિયો શું છે તેનો ભાજપને ખ્યાલ આવી જશે. બહેન દીકરીઓની આબરૂ અને અસ્મિતાની વાત આવશે ત્યારે ક્ષત્રિયો કોઇની શેહશરમ રાખશે નહિ અને તેની ઓકાત બતાવશે.’
સરકાર માટે ચેતાવણી
આ સંમેલન સરકાર માટે પણ એક સબક સમાન છે. જો કોઈ સમાજ આક્રોશ પર એક થઈને ઉતરી આવે તો કેવી પરિસ્થિતિ થઈ શકે તેનું આ જીવંત ઉદાહરણ બની રહ્યું. સરકાર અને સરકારી તંત્રને એવી ધારણા હતી કે અંદાજે 50થી 60 હજાર લોકો એકઠા થશે પરંતુ સરકાર અને સરકારી તંત્ર બંનેની ધારણા ખોટી પડી હતી. અને અકલ્પનીય કહી શકાય તેટલી જનમેદની ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ઊમટી પડી હતી.
અમદાવાદમા આંદોલન થશે તો શું થશે
ક્ષત્રિય મહા સંમેલનમાં રાજપૂતોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. તમામ સંસ્થાઓના આગેવાનોએ પણ સભા ગજવી હતી અને સૌનો એક જ મત રહ્યો હતો કે, જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હવે 19 એપ્રિલ પછી પાર્ટ-2 શરૂ કરવામાં આવશે. જેમાં માત્ર રૂપાલા જ નહીં પરંતુ ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે અને તેમના વિરુદ્ધ મતદાન પણ કરવામાં આવશે. જો રતનપરમાં 4 લાખ રાજપૂતો ભેગા થઈ શકે છે, તો જો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર આંદોલન થાય તો કેટલા રાજપૂતો ભેગા થશે તેનો અંદાજ આ સંમેલન પરથી લગાવી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે