પોળોના જંગલમાં હવે મુસાફરો પોતાના વાહનો નહિ ચલાવી શકે, દોડશે માત્ર ઈ-રીક્ષા
Polo Forest New Rules : હવે પોળોના જંગલમાં ફરવા જવાનુ પ્લાનિંગ કરતા હોવ તો ખાસ ધ્યાન રાખજો. બે પ્રતિબંધોનું જંગલમાં પાલન કરવુ પડશે, નહિ તો દંડ થશે
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :અમદાવાદ માટે સૌથી નજીકનુ હોટ ફેવરિટ ફરવાનુ સ્થળ એટલે પોળોનુ જંગલ. રવિવાર પડ્યે અમદાવાદની અડધી પ્રજા અહી આવી જાય છે. તેમાં પણ ચોમાસામાં પોળાનો જંગલનો નજારો કાશ્મીર જેવો બની જાય છે. ત્યારે મિની કાશ્મીર ગણાતા આ પિકનિક સ્પોટ પર તંત્ર દ્વારા વધુ એક નિર્ણય લેવાયો છે. મિની કાશ્મીરને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે હવે પોળો ફોરેસ્ટમાં ઈ-રીક્ષા દોડાવવાનું નક્કી કરાયુ છે.
ગઈકાલે પોળોના જંગલમાં એક સાથે 15 ઈ-રીક્ષાઓને લીલી ઝંડી અપાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લા પંચાયત પ્રમુખ આ પ્રસંગે હાજર રહ્યા હતા. મિની કાશ્મીરમાં પ્રદૂષણ મુક્ત બનાવવાના વિશેષ પ્રયાસ હેઠળ હવે જંગલમાં ઈ-રીક્ષા દોડાવવાનું નક્કી કરાયુ છે. આનાથી જંગલના વાતાવરણમાં પ્રદૂષણ નહિ આવે. સાથે જ સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે. આ સુવિધાથી હવે પોળોના જંગલમાં આવતા સહેલાણીઓને વધુ સુવિધા મળશે.
ઉત્તર ગુજરાતનું પ્રી-વેડિંગ ફોટોશૂટ માટેનુ ફેવરિટ સ્થળ એટલે પોળોનું જંગલ. આ સ્થળ કુદરતના ખજાના જેવુ છે. તેથી અહીંના કુદરતી સૌંદર્યથી લઈને ઐતિહાસિક સ્મારકોની જાળવણી પણ થવી જરૂરી છે. તેથી જ સ્થાનિક તંત્ર દ્વારા પ્રદૂષણ રોકવા માટે ઈ-રીક્ષા દોડાવાનુ નક્કી કરાયુ છે.
વાહનો અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ
વિજયનગરના પોળોના જંગલમાં ટુ વ્હીલર સિવાય ભારે વાહનો અને પ્લાસ્ટિક પર પણ પ્રતિબંધ મૂકાયો છે. પોળો જંગલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકાયો છે. 7 ઓગસ્ટ સુધી જંગલમાં પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ રહેશે. જિલ્લા કલેક્ટર હિતેશ કોયાએ ભારે વાહનો પર પ્રતિબંધ લગાવ્યો છે. 16 ઓગસ્ટ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે. જાહેરનામાનો કલમ 188 મુજબ ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે. તેથી જો પોળોના જંગલમાં જવાનુ પ્લાન કરતા હોય તો ધ્યાન રાખજો કે, પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે