રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં મેઘો મંડાણો

અરબી સમુદ્રમાં(Arabian Sea) સર્જાયેલું હળવું દબાણ આગામી 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં(Deep Depration) તબદીલ થવાના પગલે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ(Heavy to very Heavy Rain) પડવાની હવામાન ખાતાએ(IMD) આગાહી કરી છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. શુક્રવારે બપોરે પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ શરૂ થતાં ગરમીથી કંટાળેલા લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં મેઘો મંડાણો

અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે વાયુ વાવાઝોડાના કારણે ચોમાસાનું આગમન નિર્ધારિત સમય કરતાં મોડું થયું હતું. હવામાન વિભાગનું માનવું છે કે, આ કારણે ચોમાસાનું સમાપન પણ મોડું જ થશે. આ સાથે જ હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. શુક્રવારે બપોરે પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ શરૂ થતાં ગરમીથી કંટાળેલા લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો. ફરીથી શરૂ થયેલા વરસાદથી સૌરાષ્ટ્રમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 120 ટકા વરસાદ પડી ગયો છે અને મોટાભાગના ડેમ ભરાઈ ગયાં છે.

હવામાન ખાતાના ડિરેક્ટર જયંતા સરકારે જણાવ્યું કે, "અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાયુ છે, જે અગામી ચોવીસ કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. જેના પગલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અગામી ત્રણ દિવસ ભારેથી અતી ભારે વરસાદ પડશે. આ સિવાય 22 અને 23 તારીખના રોજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. દરિયામાં સર્જાયેલા હવાના હળવા દબાણને પગલે અગામી ત્રણ દિવસ માછીમારોને દરિયે ન ખેડવાની સુચના આપવામાં આવી છે." 

છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તોફાની પવન સાથે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે અને ક્યાંક હળવાથી ભારે વરસાદ પણ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે અને ભારે ઉકળાટના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે આજે શુક્રવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું ફરીથી આગમન થયું છે.

સૌરાષ્ટ્રમાં મેઘો મંડાણો 
કોડીનારમાં છેલ્લા 1 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ વેરાવળ, સુત્રાપાડા અને તાલાલામાં પણ વરસાદ શરૂ થયો છે. ઉપલેટા-ધોરાજી-જેતપુરમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બપોર પછી વરસાદે જોર પકડ્યું છે. સરસીયા તેમજ ઉપરવાસમા ધોધમાર વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. બગસરા, વડીયા અને દામનગરમાં વરસાદ પડી રહ્યો છે. વડીયામાં વીજળીના કડાકા સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે બજારોમાં પણ પાણી વહેતાં થયા છે. 

જૂનાગઢમાં પણ છેલ્લા એક કલાકમાં 2 ઈંચ કરતાં વધુ વરસાદ પડી જતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ગિરનાર પર્વત અને ગીરના જંગલમાં પણ ભારે વરસાદ શરૂ થઈ જવાના કારણે ગિરનાર પર્વત ઉપર ભારે વરસાદના કારણે ઝરણાઓ વહેવા લાગ્યા છે. જુનાગઢનો વિલિંગ્ડન ડેમ ફરીથી ઓવરફ્લો થતાં શહેરીજનો વરસાદી માહોલનો આનંદ લેવા માટે ઉમટી પડ્યા છે. ગોંડલ પંથકમાં પણ આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર પછી વરસાદ પડવાનો શરૂ થયો છે. 

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર શરૂ 
દક્ષિણ ગુજરાતમાં પણ બપોર બાદ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સુરતના માંગરોળ અને આજુબાજુના વિસ્તારોમાં વિજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે વરસાદનું આગમન થયું છે. સોનગઢ, ઉચ્છલ, નિઝર અને વ્યારામાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે.

પાકને નુકસાનની ભીતિ
રાજ્યમાં છેલ્લા 5 દિવસથી વરસાદે વિરામ લીધો હતો, જેના કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આજે બપોર બાદ સૌરાષ્ટ્રમાં જે રીતે ધોધમાર વરસાદે ફરીથી એન્ટ્રી મારી છે તેના કારણે ખેડૂતોના તૈયાર થયેલા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને મગફળી, સોયાબીન અને કપાસના પાકને આ વરસાદથી નુકસાન થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે, તાપિ જિલ્લામાં ડાંગરના પાકને આ નવો વરસાદ ફાયદાકારક રહેશે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news