વરસાદનો વનવાસ પૂરો થયો, હવે કરશે ધમાકેદાર બેટિંગ! અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની ભવિષ્યવાણી
Paresh Goswami Monsoon Prediction : આજથી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી... દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી... અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા... 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતા...
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં આખરે મેઘો જમાવટ કરી રહ્યો છે. ગુરુવારે સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં સવા 3 ઈંચ તો છોટાઉદેપુરના સંખેડામાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો. ગુજરાતમાં હવે ચોમાસાનો ખરો રાઉન્ડ જોવા મળશે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 22થી 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ પાણીથી તરબોળ થશે.
અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. ત્યારે આગામી 24થી 27 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરતું 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ વરસશે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો તારીખ 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદ થશે. લાંબા સમયના વિરામ પછી હવે ગુજરાત ભરમાં ફરીથી વરસાદી માહોલ જામવાનું શરૂ થયું છે.
હવામાન વિભાગની આગાહી
આગાહીકારો સાથે હવામાન વિભાગે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવશે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી
આજે હવામાન વિભાગ દ્વારા નર્મદા, ભરૂચ અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. તો દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. શનિવારે ખેડા, પંચમહાલ અને વડોદરામાં વરસાદ પડશે. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદ આવશે. તદુપરાંત સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં પણ વરસાદ આવશે. દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદ પડશે. 26 અને 27 ઓગસ્ટે પણ વરસાદી માહોલ રહેશે.
અમદાવાદમાં લાંબા વિરામ પછી વરસાદ
લાંબા સમયના વિરામ પછી અમદાવાદ શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. ગુરુવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ગરમી અને બફારાથી રાહત મળી. અમદાવાદના પ્રહલાદનગર, થલતેજ, સેટેલાઈટ, એસજી હાઈવે અને પાલડી સહિતના વિસ્તારમં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદથી વાહનચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ચોમાસા પહેલા જે અમદાવાદ મહાનગરપાલિકા પ્રી- મોન્સૂન કામગીરીની મોટી મોટી વાતો કરતી હતી તેની કામગીરી ફરી છતી થઈ છે. અમદાવાદ પાલિકા બહાના બનાવતી રહે છે અને લોકો પરેશાન થતા રહે છે. અમદાવાદ પાલિકાનું તંત્ર ક્યારે સુધરશે તે સૌથી મોટો સવાલ છે.
ગીર સોમનાથમાં વરસાદ
ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પર શહેરીઓમાંથી નદીની જેમ પાણી વહેવા લાગ્યા. ધોકડવા, ખિલાવડ, નગડીયા સહિત આજુબાજુ ગામોમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ ગીરમાં વરસાદ વરસતા ભારે ગરમીનાં ઉકળાટ બાદ લોકોમાં ઠંડકથી રાહત મળી હતી. ત્યારે આજે પણ ઉના ગીરગઢડા પંથકના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પર અને શહેરીઓમાં નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા. વરસાદથી ખેડૂતો ખુશ ખુશાલ થયાં હતાં. ગીરગઢડાના ધોકડવા, નગડીયા, ખિલાવડ સહિત ગીર નજીક આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં સમી સાંજના સમયે અચાનક વાદળો ઘેરાવા લાગ્યા હતા. અને વરસાદ વરસતા ગામડાંઓનાં રસ્તા પરથી પાણી ફળી વળ્યા હતા. અને ખેડૂતોના ખેતરોમાંથી પાણી બહાર કાઢી નાખ્યાં હોવાનું જાણવા મળી રહ્યુ છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે