Gujarat Rains : ગુજરાતના આ શહેરોમાં ગાજવીજ સાથે ધોધમાર તૂટી પડ્યો વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદ

Gujarat Weather Update : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ.... અમદાવાદ, ગાંધીનગર સહિત દ્વારકામાં પડ્યો છૂટોછવાયો વરસાદ... માવઠાના કારણે જગતના તાતની વધી ચિંતા... 
 

Gujarat Rains : ગુજરાતના આ શહેરોમાં ગાજવીજ સાથે ધોધમાર તૂટી પડ્યો વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદ

Gujarat Weather Forecast: હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, હાલ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદની માહોલ છવાયો છે. મોડી રાતે ભાવનગર તો વહેલી સવારે દ્વારકામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. તો બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમા પણ પલટો આવ્યો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં સામાન્ય છાંટા અનુભવાયા છે. તો ગાંધીનગરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, અને કમોસમી વરસાદના છાંટા પડ્યા છે. હાલ આ કમોસમી વરસાદને પગલે જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. વરસાદી સંકટથી પાકનું રક્ષણ કેવી રીતે કરવું તે સમજાતું નથી.  

દ્વારકામાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે જિલ્લાના દ્વારકા વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્વારકામાં વહેલી સવારે ગાજવીજ સાથે માવઠું પડયું છે. શહેરમાં આજે વહેલી સવારથી મેધરાજા મનમૂકીને વરસ્યા છે. ત્યારે શહેરના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ શરૂ થતાં રસ્તાઓ પાણી પાણી થયા છે. દ્વારકામાં એક સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. માવઠાને પગલે દ્વારકા જિલ્લાના ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિએ ફરી ચિંતાનો માહોલ છવાયો છે. અચાનક વરસાદ વરસી પડતા અનેક પ્રકારના ખેત પાકોને વ્યાપક નુકસાન થઈ શકે છે. 

કયા કયા શહેરોમાં વરસાદની છે આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે ઉંચકાયો તાપમાનનો પારો છે. રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. મહત્તમ તાપમાન 35.2 જ્યારે લઘુત્તમ તાપમાન 22.8 ડિગ્રી નોંધાયું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલીમાં 37 ડિગ્રી નોંધાયું છે. તાપમાનનો પારો ઊંચકતા રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ છે. જોકે, આગામી 24 કલાક દરમ્યાન હજુ પણ તાપમાનનો પારો ઊંચકાશે. આ વચ્ચે રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી છે. કેટલાક શહેરોમાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં આગાહી છે. 

બનાસકાંઠામાં માવઠું
હવામાન વિભાગની અગાહીને પગલે બનાસકાંઠાના સરહદી પંથકમાં કમોસમી માવઠું આવ્યું છે. સુઇગામના બેણપ સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. થરાદ અને વાવ પંથકમાં ઝરમર વરસાદ વરસ્યો છે. તો ધાનેરા પંથકમાં ઘનઘોર વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના રાયડો અને જીરાના પાકને નુકસાનની ભીતિ છે. 

કચ્છમાં પણ વરસાદી માહોલ

કચ્છના ગાંધીધામમા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. માહ મહિનામા અષાઢી માહોલ સર્જાયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાંધીધામમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારે ગાજવીજ સાથે માવઠુ વરસ્યું. જેથી ખેડુતોને મોટુ નુકસાન થવાની ભીતિ છે. 

ભાવનગરમાં વરસાદ તૂટી પડ્યો
ભાવનગર જિલ્લાને ફરી એકવાર માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે, હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ગત મોડી રાત્રે પડેલા ભારે પવન સાથેના ધોધમાર કમોસમી વરસાદે ખેડૂતોના ખેતરમાં તૈયાર ઉભો પાક ઢાળી દીધો છે. હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે જિલ્લાના ઘોઘા પંથકમાં મોડી રાત્રીના સમયે અચાનક જ જોરદાર પવન સાથે વરસાદ વરસી પડ્યો હતો. ઘોઘા તાલુકાના બાડી, પડવા ,મોરચંદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મોસમી વરસાદ વરસતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ વિસ્તારમાં માવઠાના કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે, એટલે કે ખેડૂતોને આખા વર્ષની મહેનત ઉપર માવઠાનું પાણી ફરી વળ્યું છે. તેમજ ખેતરમાં ઉભા ઘઉંના પાક અને જુવારના પાકનો તો સોથ વાળી દીધો છે, જેને લઈને ખેડૂતોને હવે માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. 

હાલ ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘઉં, ચણા, જુવાર સહિતના પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ વિસ્તારમાં બાગાયતી ખેતીમાં આંબાના પાકને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આંબામાં હાલ મોર આવવાની સિઝન છે એવા સંજોગોમાં કમોસમી વરસાદ પડતા મોર ખરી પડ્યો છે. એક બાજુ જગતના તાતને માનવસર્જિત આફતોનો સામનો તો કરવો પડી રહ્યો છે, ત્યારે બીજી બાજુ હવે કુદરત પણ નારાજ હોય તેમ કુદરતી આફત આવી રહી છે, ત્યારે ખેડૂત બેચારો થઈ માથે હાથ પર હાથ ધરી માત્ર કુદરતને મનાવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news