રાજ્યમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડવાની સંભાવના, મંગળવારે અનેક વિસ્તારોમાં એકથી 5 ઈંચ વરસાદ

સુરતના માંડવી તાલુકાના 4 ગામોને એલર્ટ કરાયા, દરવાજા વગરના લાખી ડેમમાં ઉપરવાસના પાણીની ભારે આવક થતાં એલર્ટ અપાયું 

રાજ્યમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડવાની સંભાવના, મંગળવારે અનેક વિસ્તારોમાં એકથી 5 ઈંચ વરસાદ

અમદાવાદ. રાજ્યમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. મંગળવારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં અડધોથી 2 ઈંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ધરતીપૂત્રો ખુશખુશાલ થઈ ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 64 ટકા વરસાદ નોંધાયો છે. 

માંડવી તાલુકા ના 4 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માંડવી તાલુકાના દરવાજા વગરના લાખી ડેમમાં ઉપરવાસના પાણીની ભારે આવક થતાં કલમ કુવા, બેડધા, ભાતખાઈ તેમજ સરકુઈ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લાખી ડેમમાં હાલ 74 મીટર પાણી ભરાઈ ચૂક્યું છે, જ્યારે ડેમ 74.10 મીટર પર ઓવરફ્લો થઈ જશે. આથી સુરતના કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં કોઈપણ જોખમ ન ખેડવા ચેતવણી અપાઈ છે. 

પશ્ચિમ બંગાળ અને ઓડિશાના સમુદ્ર કિનારે સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદની સંભાવના પ્રબળ બની છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે. 

મંગળવારે રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. વઘઈમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના વ્યાહાર, વાલોદમાં 5 તો ડોલવણ તથા બારડોલીમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સોનગઢ અને ચોર્યાસીમાં 3.5 ઈંચ, કપરાડા, પલસાણા અને ઉમરપાડામાં 3 ઈંચ, સુબીર અને નવસારીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. નેત્રંગ, પાવી જેતપુર, ગરબાડા અને નાંદોદમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

(છોટા ઉદેપુરની હેરણ નદી બે કાંઠે વહેતાં નાળામાંથી પસાર થતા સમયે એક બાઈક તણાઈ ગયું હતું.)

અમદાવાદમાં મંગળવારે સાંજે વરસાદે ધીમી-ધારે જોર પકડ્યું હતું. આજે દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં અડધોથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતાં માલપુર, મેઘરજ અને ધનસુરામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે મોડાસા, ભિલોડા અને બાયડમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. ખેતીના પાકને જીવતદાન મળ્યું હતું. 

સુરત શહેરમાં પણ મોડી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જ્યારે દિવસ દરમિયાન તાપીમાં ભારે વરસાદ નોંધાયો હતો. પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં સવારે ધીમી ધારે શરૂ થયેલા વરસાદે બપોર બાદ જોર પકડ્યું હતું. છોટા ઉદેપુર જિલ્લામાંથી વહેતી હેરણ નદી અને નસવાડીની અશ્વિની નદી ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે બે કાંઠે વહેવા લાગી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news