હું ગુરૂવારથી પાણીનો પણ ત્યાગ કરીશઃ હાર્દિક પટેલ

પાંચમા દિવસે હાર્દિકની તબિયન નરમ પડી, રાત્રે 9 કલાકે ફેસબુક લાઈવ કરીને હાર્દિકે સમર્થકોને સંબોધન કર્યું

 હું ગુરૂવારથી પાણીનો પણ ત્યાગ કરીશઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ હાર્દિક પટેલે રાત્રે 9 કલાકે ફેસબુક પર લાઈવ સંબોધન કરતાં આવતીકાલથી પાણીનો પણ ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. આજે બપોરે હાર્દિક તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા તેને નજરકેદ કરાયો હોય તેવો પહેરો ગોઠવવામાં આવ્યો છે. તેને મળવા આવતા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. સોલા સિવિલના ડોક્ટર્સ દ્વારા હાર્દિકના ચેક-અપનો રિપોર્ટ ન અપાતાં તેના સમર્થકો નારાજ થયા હતા અને ખાનગી ડોક્ટર બોલાવીને હાર્દિકનું ચેક-અપ કરાવ્યું હતું.  

શું કહ્યું હાર્દિકે ફેસબુક લાઈમાં, વાંચો તેના જ શબ્દોમાં.
"જય સરદાર, દોસતો. આજે ઉપવાસ આંદોલનનો પાંચમો દિવસ છે. ડોક્ટરો ચેક-અપ કરે છે. શરીરમાં થોડી વિકનેસ છે. ચિંતા કરવાની જરૂર નથી. થોડો ઘણો સમાજ માટે અને ખેડૂતો માટે બને એટલું કામ કરવાનો હું પ્રયાસ કરીશ. અહીં ગુજરાતમાંથી 60,000થી વધુ લોકોએ આવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને આવવા દીધા નથી. માત્ર 1100ની આસપાસ લોકો આવ્યા છે. તમે ગામ, તાલુકા કે શહેર જ્યાં હોવ ત્યાં ઉપવાસ ચાલુ કરી દો. મારો એક જ ઉદ્દેશ્ય છે. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે અને અલ્પેશની જેલમુક્તી ન થાય ત્યાં સુધી હું ઉપવાસ ચાલુ રાખવાનો છું. હું સાચો-ખોટો છું એ જાણતો નથી. ખેડૂતોનાં દેવા માફ થાય એ જરૂરી છે. પાટીદારોને અનામત મળે એ જરૂરી છે. 2017માં ચુકી ગયા છો, 2019માં યાદ રાખજો. જ્યારે ખેડૂતોનું દેવું માફ થશે તો મારા પિતાને જ ફાયદો થવાનો નથી. અનામત મળશે તો મારી એકલાની પેઢીને જ નથી મળવાની. રિબાઈને મરવા કરતાં સમાજને કંઈ અપાવીને મરવાને હું ધન્ય ગણીશ. ગુજરાતમાં 1000થી વધુ લોકો ઉપવાસ પર બેઠા છે. આવતીકાલથી હું પાણીનો પણ ત્યાગ કરવાનો છું. ગુજરાતના વિકાસના બણગા ફૂંકાય છે, તે ખોટા ઠર્યા છે. ગઈકાલે જે એક રિપોર્ટ આવ્યો છે, તેમાં ગુજરાતનો વિકાસદર સૌથી નીચો બતાવાયો છે. "

જૂઓ હાર્દીકે ફેસબુક પર પોસ્ટ કરેલો વીડિયો. 

હાર્દિક પટેલને મેડિકલ અપટેડની કોપી ન અપાતાં તેના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી. હાર્દિકનો હાલ સોલા સિવિલનાં ડોક્ટર્સની ટીમ દ્વારા દરરોજ નિયમિત ચેકઅપ કરવામાં આવે છે. જોકે, સોલા ડોક્ટર્સની ટીમે બ્લડ રિપોર્ટ ન આપતાં હાર્દિકના સમર્થકોએ ખાનગી ડોક્ટર બોલાવીને હાર્દિકનો મેડકલ ચેક-અપ કરાવ્યો હતો. 

સંજીવ ભટ્ટ મળ્યા હાર્દિકને
આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ બુધવારે હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે, હાર્દિક જે મુદ્દા ઉપડ્યા છે તે સીધા પ્રજા સ્પર્શે છે. એમાં સરકાર એ કોઈ બાધા ઉભી ના કરવી જોઈએ. હું અત્યારે અહીં માત્ર હાર્દિક ને મળવા અવ્યો છું. પ્રજા હાર્દિક સુધી અને હાર્દિક પ્રજા સુધી ન પહોંચી શકે એ માટે અહીં 144 લગાવી હોય એવું લાગે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગઈકાલે રજનીશ રાયે રાજીનામુ આપ્યું છે. સરકાર ઈચ્છતી નથી કે સારા અને મજબૂત અધિકારીઓ તેમની સાથે રહો. 
સરકારને હાલ સાચું ખોટું જે હોય એની સામે વિરોધ કર્યા વગર હુકમનું પાલન કરતા પોલીસ અધિકરિઓની જરૂર છે. 

હાર્દિકના સમર્થનમાં પાટીદારોના ઉપવાસ
હાર્દિકના સમર્થનમાં રાજ્યમાં અનેક સ્થળે લોકોએ ઉપવાસ પર બેસવાની શરૂઆત કરી છે. ગાંધીનગરના ચંદ્રાલા ખાતે પાટીદારો હાર્દીકના સમર્થનમાં ઉપવાસ પર બેઠા હતા. જૂનાગઢના પાદરીયા ગામે પણ પાટીદારોએ ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસ પર બેસેલા 21 પાટીદારોને મહીલા અને ગ્રામજનોનું પણ સમર્થન મળી રહ્યું છે. આંદોલનને સમર્થન આપવા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા પણ ઈવનગર પહોંચ્યા હતા. બાયડના અરજણવાવની મહિલાઓ અને પુરૂષો પણ ઉપવાસ પર ઉતર્યા છે. ૨૫૦થી વધુ મહિલાઓ અને પુરૂષો ઉપવાસમાં જોડાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news