હાર્દિકની હઠઃ એસ.પી. સ્વામી એ કરેલા પાણી પીવાના આગ્રહને ઠુકરાવી દીધો

હાર્દિક પટેલે પાણી લેવા અંગે એક દિવસ વિચારવાનો સમય માગ્યો છે, એસ.પી સ્વામીના આગ્રહ પર હાર્દિક ભાવૂક થયો, આંખોમાં પાણી આવી ગયું, ઉપવાસ સાતમા દિવસમાં પ્રવેશ્યા 

હાર્દિકની હઠઃ એસ.પી. સ્વામી એ કરેલા પાણી પીવાના આગ્રહને ઠુકરાવી દીધો

અમદાવાદઃ હાર્દિક પટેલના ઉપવાસનો સાતમો દિવસ છે. આજે દિવસ દરમિયાન કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, કનુ કલસરિયા સહિતના નેતાઓ હાર્દિકને મળવા પહોંચ્યા હતા. સાંજે સંત એસ.પી. સ્વામી જ્યારે હાર્દિકને મળવા આવ્યા અને તેમણે હાર્દિકને પાણી પીવા માટે આગ્રહ કર્યો ત્યારે હાર્દિકે ના પાડી દીધી હતી. એસ.પી. સ્વામીના આગ્રહ સામે હાર્દિક ભાવુક થઈ ગયો હતો અને તે રડી પડ્યો હતો. આ બાજુ ભાજપના જ એક નેતા એવા રામદાસ અઠવાલેએ સમગ્ર મામલામાં મધ્યસ્થી બનવા માટે તૈયારી દર્શાવી છે.

પોલીસ પહેરા અંગેની સુનાવણી 4 સપ્ટમ્બરે હાથ ધરાશે
હાર્દિક પટેલના ઘર બહાર લગાવવામાં આવેલા પોલીસ પહેરા અને લોકોને પ્રવેશ ન અપાતો હોવા અંગેની એક અરજી હાર્દિક દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી છે. આ અંગે શુક્રવારે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે સમગ્ર ઘટના અંગે સરકારને એફિડેવિટ કરવા જણાવ્યું છે. હાર્દિકના વકીલે કહ્યું હતું કે, હાર્દિકના સમર્થકોને પ્રવેશવા ન દેવાતા હોવા અંગેના ફોટોગ્રાફ્સ તેમની પાસે છે. તેની સામે સરકાર તરફથી એટોર્ની જનરલે હાઈકોર્ટને જણાવ્યું કે, અમારી પાસે પણ હાર્દિકને મળવા માટે લોકોને પ્રવેશ અપાતો હોવાના ફોટોગ્રાફ્સ છે. હાઈકોર્ટે અરજી પર વધુ સનાવણી 4 સપ્ટેમ્બરે રાખી છે. 

એસ.પી. સ્વામીએ કહ્યું, હાર્દિકે પાણી પી લેવું જોઈએ
હાર્દિકને મળવા માટે આવેલા એસ.પી. સ્વામીએ જણાવ્યું કે, સૌ સાધુ-સંતો તરફથી મેં હાર્દિકને પાણી પીવા માટે વિનંતી કરી છે. તેને જણાવ્યું કે, ગુજરાતના પ્રબુદ્ધ સાધુ-સંતો તમારી ખુબ ચિંતા કરે છે. સાધુ-સંતો બેઠા હોય ત્યારે ગુજરાતના યુવાન સાથે કોઈ ઘટના બની જાય તો ખરાબ કહેવાય. હાર્દિકે હા નથી પાડી, પરંતુ આવતીકાલ સુધીનો સમય માગ્યો છે. તેમણે જણાવ્યું કે, અમે પણ હાર્દિકને કહ્યું છે કે, જ્યાં સુધી તમે પાણી નહીં પીવો ત્યાં સુધી અમે અહીંથી જઈશું નહીં. 

એસ.પી. સ્વામીએ જણાવ્યું કે, બધાની ભાવના છે કે હાર્દિક પાણી સ્વીકારી લે. શરીર હોય તો જ કોઈ લડાઈ લડી શકાય. સાધુ સંતોની વાત હાર્દિક સ્વીકારશે એવી આશા છે. સરકારે પણ સમજીને હાર્દિકની માગણી પર વિચાર કરવો જોઈએ. હાર્દિકના સંકલ્પમાં વાટાઘાટો કરીને પ્રશ્નનું નિરાકરણ કાઢવું જોઈએ. 

લલિત વસોયા પણ થયા ભાવુક 
પાસ આંદોલનના નેતા અને ધારાસભ્ય એવા લલિત વસોયા પણ હાર્દિક ઉપવાસ પર બેઠો ત્યારથી ત્યાં હાજર છે. તેમણે જણાવ્યું કે, હાર્દિકને પાસની ટીમ સહિત હાજર સમર્થકો દિવસભરથી પાણી પીવાનો આગ્રહ કરી રહ્યા છે. હાર્દિકની સાથે જ અહીં બીજા કેટલાક યુવાનોએ પણ હાર્દિક સાથે પાણીનો ત્યાગ કર્યો છે. અમે હાર્દિકને સમજાવ્યો છે કે, આ સરકાર નિષ્ઠુર છે, તેમાં તાત્કાલિક કોઈ નિવેડો આવવાનો નથી. ઉપવાસ ભલે ચાલુ રહે, પરંતુ પાણી પીવાની શરૂઆત કરવી જોઈએ એવો સૌનો આગ્રહ છે. આટલું કહેતાની સાથે જ લલિત વસોયાની આંખમાં પણ પાણી આવી ગયું હતું.

રામદાસ અઠવાલેની મધ્યસ્થી બનવા તૈયારી
ભાજપના જ એક નેતા એવા રામદાસ રામદાસ અઠવાલેએ મધ્યસ્થી બનવા તૈયારી દર્શાવી છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની સાથે રહેવાથી પાટિદાર અનામત નહીં મળે. જો હાર્દિક ઈચ્છે તો તેઓ સમગ્ર મામલામાં મધ્યસ્થી બનવા તૈયાર છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news