હાર્દિક પટેલ પહોંચ્યો સુરતમાં એસટીના કર્મચારીઓ વચ્ચે, આપ્યું મોટું નિવેદન
હાર્દિકે સુરતમાં જણાવ્યું કે, ગુજરાત સરકાર એસટી નિગમનું ખાનગીકરણ કરવાનું કાવતરૂં રચી રહી છે, તમારી સાથે વાટાઘાટો નહીં કરીને સરકાર ઈચ્છે છે કે તમે નોકરી છોડીને જતા રહો
Trending Photos
સુરતઃ ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓ ગુરુવારથી સાતમા પગારપંચની માગણી સાથે હડતાળ પર ઉતરેલા છે. આજે શુક્રવારે પાટિદાર નેતા હાર્દિક પટેલ સુરત ખાતે હડતાળ પર ઉતરેલા એસટીના કર્મચારીઓને મળવા પહોંચ્યો હતો અને તેમની સાથે તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. હાર્દિકે જણાવ્યું કે, સરકાર એસટીનું ખાનગીકરણ કરવા માગે છે અને તેના કારણે જ તેના બહેરાકાને એસટીના કર્મચારીઓનો અવાજ પહોંચતો નથી.
હાર્દિકે સુરતમાં જણાવ્યું કે, શુક્રવારે ગાંધીનગરમાં શિક્ષકો જ્યારે વિધાનસભામાં ઘેરાવ કરવા ગયા, રજૂઆત કરવા ગયા ત્યારે તેમને માર્ગમાં જ અટકાવી દેવાયા હતા. પોતાના હકની માગણી કરતા શિક્ષકો પર સરકાર દ્વારા લાઠીચાર્જ કરાયો હતો.
હાર્દિકે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, "આ સરકાર માત્ર મજૂરો, ખેડૂતો અને જે પીડિત વર્ગ છે તેના વિરુદ્ધમાં કામ કરતી સરકાર છે. છેલ્લા અનેક વર્ષથી એસટીની ડ્રાઈવર-કન્ડક્ટરની ભરતીમાં ગોટાળા થયા છે. કર્મચારીઓ રજૂઆત કરવા ગયા તો તેમણે સાંભળી ન હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એસટી નિગમનું ખાનગીકરણ કરી દેવાયું છે. એ જ રીતે ગુજરાત સરકાર પણ એસટી નિગમનું ખાનગીકરણ કરવાના કાવતરા કરી રહી છે."
હાર્દિકે વધુમાં જણાવ્યું કે, આજે જે રીતે લોકો પાસે ખાનગી માલિકીના વાહનોમાં વધારો થયો છે તેના કારણે આ સરકાર ઈચ્છી રહી છે કે, એસટી નિગમ સંપૂર્ણપણે બંધ થઈ જાય. સરકારને ખાનગીકરણ કરવાની ફરજ પડે અને પછી તેમના જ મળતિયાઓના વાહનો દોડાવીને કમાણી કરી શકે.
છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પરંતુ એસટી નિગમ માટે કે તેના કર્મચારીઓ માટે કોઈ યોજના બનાવી હોય તો તે બતાવો. એસટીના ડ્રાઈવરોને ખખડધજ્જ બસો ચલાવા માટે અપાય છે અને એવા રૂટ પસંદ કરાય છે જ્યાં ઓછા મુસાફરો મળે અને તેનો આરોપ ડ્રાઈવર-કન્ડક્ટર પર લગાવવામાં આવે. સરકાર ઈચ્છે છે કે, એસટીના કર્મચારીઓ હેરાન-પરેશાન થઈને જાતે જ તેમની નોકરી છોડીને જતા રહે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે