હાર્દિક પટેલ ઉપવાસઃ 24 કલાકમાં સરકાર વાટાઘાટો ન શરૂ કરે તો પાણીનો ત્યાગ કરવાની હાર્દિકની ચીમકી

સરકારે અમારો કોઈ પણ પ્રકારનો સીધો સંપર્ક સાધ્યો નથી, જે લોકો વાટાઘાટો કરવા ગયા હતા તેમણે પણ અમારી સાથે કોઈ ચર્ચા કરી નથી- મનોજ પનારા, પાસ સમિતી

હાર્દિક પટેલ ઉપવાસઃ 24 કલાકમાં સરકાર વાટાઘાટો ન શરૂ કરે તો પાણીનો ત્યાગ કરવાની હાર્દિકની ચીમકી

અમદાવાદઃ જો સરકાર 24 કલાકમાં સીધી વાટાઘાટો શરૂ નહીં કરે તો પાણીનો ત્યાગ કરવાની હાર્દિક પટેલે ફરીથી ધમકી આપી છે. હાર્દિક વતી પત્રકાર પરિષદને સંબોધન કરતાં પાસના પ્રતિનિધી મનોજ પનારાએ જણાવ્યું કે, સરકારે હજુ સુધી અમારો કોઈ સીધો સંપર્ક કર્યો નથી. જેમની સાથે સરકારે વાટાઘાટો કરી છે તે પાટીદાર સમાજની સંસ્થાઓના અગ્રણીઓએ પણ અમારો કોઈ સંપર્ક હજુ સુધી કર્યો નથી. 

હાર્દિક પટેલની માત્ર ત્રણ માગણી છે. અલ્પેશ કથિરિયાની જેલમુક્તી, બંધારણિય રીતે પાટીદારોને અનામત અને ખેડૂતોનાં દેવા માફી. આ ત્રણ માગણી પર અમે સીધી રીતે સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છીએ. હાર્દિકના ઉપવાસને 12 દિવસ થઈ ગયા છે તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. 

મનોજ પનારાએ વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી અનેક મહાનુભાવોએ હાર્દિકની મુલાકાત લીધી છે. ગઈ કાલે સૌરભ પટેલે  રાજકીય રીતે આ આંદોલન સમાપ્ત કરવાની હાર્દિકને ગર્ભિત ધમકી આપી હતી. જેનો હાર્દિકે સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ પણ આપ્યો હતો. 

હાર્દિક પટેલે પારણા કરી લેવાં જોઈએ અને સરકાર તરફતી સમાધાનની વાતો ચાલી રહી છે જે તમામ બાબતો ખોટી છે. અમારા તરફથી સરકાર સાથે આવી કોઈ જ વાટાઘાટો કરાઈ નથી. હજુ સુધી હાર્દિક પટેલને મળવા માટે એક પણ પ્રતિનિધી આવ્યો નથી. પાટિદારો તરફથી જે લોકો સરકાર સાથે વાટાઘાટો કરવા ગયા હતા તેમના તરફથી પણ કોઈ પણ વ્યક્તિ હાર્દિકને મળવા આવ્યો નથી.  

પનારાએ વધુમાં જણાવ્યું કે, "હાર્દિક પટેલના શબ્દોમાં કહું તો, હાર્દિક પટેલ સરકારને અત્યારે સ્પષ્ટપણે જણાવે છે કે જો સરકાર સીધી રીતે હાર્દિક સાથે વાટાઘાટો નહીં કરે તો હાર્દિક પાણીનો ત્યાગ કરશે. કારણ કે, આ ખેડૂતોના હિતની લડાઈ છે.આ બેરોજગાર યુવાનોની લડાઈ છે. ગુજરાતના 4 કરોડ લોકોની લડાઈ જ્યારે હાર્દિક લડતો હોય, લોકોએ ચૂંટેલી સરકાર સામે જ્યારે હાર્દિક ઉપવાસ કરતો હોય અને રાજ્યના અનેક ગામડાઓમાંથી હાર્દિક માટે પ્રાર્થના કરવામાં આવતી હોય તેમ છતાં સરકારને કોઈ જ ચિંતા નથી. ગુજરાતના તમામ લોકો જ્યારે હાર્દિકની ચિતા કરતા હોય ત્યારે આ સરકાર એક પણ પ્રકારની વાટાઘાટો કરવા તૈયાર થતી નથી." 

જે લોકો સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર થયા છે તેમણે હાર્દિક સાથે કે તેના કન્વીનરો સાથે કોઈ પ્રયાસ કર્યો નથી. હું હાર્દિક પટેલ તરફથી કહેવા માગું છું કે, અમે ખુલ્લા મને આ સમસ્યાનું સમાધાન કરવા તૈયાર છીએ. જો તમારા મનમાં સાચા મનથી ગુજરાતની જનતા માટે, ખેડૂતો માટે પ્રેમ હોય તો સીધી રીતા વાટાઘાટો ચલાવો. 

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એવું કહી રહ્યા છે કે, ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ છે. તેનો અર્થ એવો થાય કે ગુજરાતના ખેડૂતોના માથે કોઈ પણ પ્રકારનું દેવું નથી. જો તેઓ એવું સાબિત કરી દે કે એક પણ ખેડૂતના માથે દેવું નથી તો અમે આ આંદોલન સમેટી લેવા તૈયાર છીએ. જે રીતે સરકાર સ્ટેન્ડ લઈ રહી છે એ સ્ટેન્ડ ક્યાંક ને ક્યાંક યુવાનોના અહિતમાં છે, ખેડૂતોના અહિતમાં છે. આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારો જો બીજા રાજ્યોમાં ખેડૂતોનાં દેવા માફી કરી શકતી હોય તો ગુજરાતમાં કેમ ન કરી શકે. 

જો 24 કલાકની અંદર આ સરકાર હાર્દિક પટેલ સાથે વાટાઘાટો નહીં કરે તો પાણીનો ત્યાગ કરશે. આથી ખેડૂત સમાજને, પાટીદાર સમાજને અપીલ છે કે આપણે સૌ શાંતિ જાળવી રાખીશું. ગાંધીનો માર્ગ હાથમાં લીધો છે ત્યારે ગાંધી ચીંધ્યા માર્ગે જ આગળ વધી જઈશું. 

પનારાએ જણાવ્યું કે, 6 તારીખના રોજ રાજ્યના 182 ધારાસભ્ય, 26 સાંસદોને ફોન કરીને ખેડૂતો પુછશે કે, શું તેઓ ખેડૂતોના દેવામાફી માટે સહમત છે કે નહીં. 7 તારીખે એક પત્ર લઈને ખેડૂતો ધારાસભ્યો, સાંસદોના ઘરે જઈને તેમનો અભિપ્રાય માગશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news