GuruPurnima : નિવૃત્તિ બાદ પણ ગુરુનો ધર્મ નિભાવે છે સુરતના આ આચાર્ય
Trending Photos
ચેતન પટેલ/સુરત :અજ્ઞાનતાના અંધારાથી પ્રકાશ તરફ લઈ જનારા ગુરુ (guru purnima) નું સ્થાન ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ મહત્વનું છે. તેમના જ્ઞાન અને માર્ગદર્શનથી જીવનની દિશા બદલાઈ છે. સુરતમાં પણ સરકારી શાળાના આચાર્યએ ખરા અર્થમાં ગુરુ બનીને શાળામાંથી ડ્રોપઆઉટ લેનાર 250 જેટલી વિદ્યાર્થીનીઓ શિક્ષણ આપીને નવી દિશા ચીંધી છે. આ વર્ષે પણ તેઓ 45 દીકરીઓને નિઃશુકલ ભણાવી રહ્યા છે.
પ્રાચીનકાળથી ગુરુનું વિશેષ મહત્વ બતાવવામાં આવે છે અને એટલે જ લોકો ભગવાન પહેલા ગુરુ (GuruPurnima) ને વંદન કરે છે. ત્યારે સુરતની સરકારી શાળા નં 114 સંત ડોંગરેજી મહારાજના આચાર્ય નરેશ મહેતાને કારણે આર્થિક કારણોસર શાળા ડ્રોપઆઉટ કરનાર 250 દીકરીઓએ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપી શકી છે. છેલ્લા ૬ વર્ષથી આ ભગીરથ કાર્ય નિ:સ્વાર્થ ભાવે કરી રહ્યા છે. તેઓ છેલ્લા 18 વર્ષથી શિક્ષણ સમિતિની શાળામાં કાર્યરત છે.
તેઓ ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ભણાવે છે. પરંતુ તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ કે જે આર્થિક અને સામાજિક કારણોસર શાળા છોડી પરિવારને મદદરૂપ થવા માટે સિલાઈકામ, ભરતકામ તેમજ સાડીમાં લેસ લગાવવાનું કામ કરે છે તેવી વિદ્યાર્થીનીઓને તેઓના ઘરે જઈને ધોરણ 10 અને 12 ની તૈયારી પણ કરાવે છે. તેમણે ભણાવેલી દીકરીઓમાંથી એક દિકરી તલાટી પણ બની છે.
આ વિશે આચાર્ય નરેશ મહેતા જણાવે છે કે, આ વર્ષે હું 45 દીકરીઓને ભણાવી રહ્યો છું. જેમાંથી 7 વિદ્યાર્થી ધોરણ 10 ની રિપીટર છે, 14 રેગ્યુલર છે અને 24 ડ્રોપઆઉટ થયેલી વિદ્યાર્થીનીઓ છે. કેટલાક અંશે આજે પણ એવું જોવા મળે છે કે લોકો દીકરાઓને ડ્રોપ આઉટ કરાવતા નથી, તેના બદલે દીકરીઓને કરાવે છે. આવી દીકરીઓનો આત્મવિશ્વાસ વધારવા અને નવો માર્ગ બતાવવા માટે હું તેમને ભણાવું છું.
વિદ્યાર્થીની દેવિકાએ કહ્યું કે, પરિવારની આર્થિક સ્થિતિને કારણે મે ભણતર છોડયુ હતું અને સાડીમાં લેસ લગાવી અને સિવણકામ કરીને પરિવારને સપોર્ટ કરું છું. પરંતુ નરેશ સરને કારણે સાથે સાથે ભણી પણ રહી છું અને એક્સ્ટર્નલ રીતે ધોરણ 10 ની તૈયારી પણ કરી રહી છું. સરને વિશ્વાસ છે કે એક દિવસ હું ડોક્ટર જરૂર બનીશ અને તેમનું સપનું પૂર્ણ કરીશ.
વિદ્યાર્થીની પારુલે કહ્યું કે, ધોરણ 10 માં 70 ટકા સાથે મેં ધોરણ 12 સાયન્સમાં એડમિશન લીધું હતું. તેમાં 73 ટકા પણ મેળવ્યા હતા. પરંતુ પરિસ્થિતિને કારણે ભણવાનું છોડી દીધું હતું. જોકે નરેશ સરને કારણે ફરીથી ભણવાની પ્રેરણા મળી અને ધોરણ 12 આર્ટસની પરીક્ષાની તૈયારી કરી રહી છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે