Pannu Murder Conspiracy : પન્નુંને પતાવી દો તમારો ગુજરાતનો કેસ બંધ થઈ જશે? ગુજરાતના કયા DCP સાથે થવાની હતી બેઠક
Who Is Nikhil Gupta : કેનેડામાં નિજ્જરની હત્યામાં નવા નવા વળાંક આવી રહ્યાં છે... આ કેસમાં જે ગુજરાતના DCPનો ઉલ્લેખ છે એ DCP કોણ અને ગુજરાતમાં નિખિલ ગુપ્તા સામે કયો કેસ છે એ સૌથી મોટા સવાલો છે
Trending Photos
Gurpatwant Singh Pannu Murder Conspiracy : કેનેડામાં નિજ્જરની હત્યા બાદ હવે નવો વળાંક આવ્યો છે. અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી (Khalistani pannu) ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ અમેરિકાએ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકી કોર્ટમાં રજૂ કરાયેલી ચાર્જશીટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારના અધિકારીએ નિખિલ ગુપ્તાને ગુજરાતમાં તેની સામે ચાલી રહેલા ફોજદારી કેસમાં રાહતની ઑફર આપી હતી. જેના બદલામાં તેને પન્નુની હત્યાની જવાબદારી સોંપવામાં આવી હતી. ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે ગુપ્તાએ હત્યા માટે જે હીટમેનને એડવાન્સ પેમેન્ટ કર્યું હતું તે એફબીઆઇ માટે કામ કરતો હતો તથા તેની મદદથી હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. ચાર્જશીટમાં જો કે પન્નુના નામનો તથા ભારતીય અધિકારીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ કેસમાં જે ગુજરાતના DCPનો ઉલ્લેખ છે એ DCP કોણ અને ગુજરાતમાં નિખિલ ગુપ્તા સામે કયો કેસ છે એ સૌથી મોટા સવાલો છે. જોકે, ગુજરાત પોલીસ આ મામલે સોય ઝાટકીને કહી રહી છે કે નિખિલ ગુપ્તા સામે હાલમાં પ્રાથમિક તપામાં કોઈ કેસ પેન્ડિંગ નથી.
આ કેસમાં રોજ રોજ નવા વળાંક આવી રહ્યાં છે. કેનેડામાં નિજ્જરને પતાવી દેવાના કેસમાં પણ કેનેડાએ ભારત સામે આરોપો મૂકતાં ભારતે કડક પ્રતિક્રિયા આપી હતી. પન્નું તો એવો દાવો કરી રહ્યો છે કે અમેરિકાની કાર્યવાહી નિખિલ ગુપ્તા સામે નહીં પણ પીએમ મોદી સામે છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આતંકવાદી પન્નુએ કહ્યું છે કે તે ન તો નિખિલ ગુપ્તાને ઓળખે છે અને ન તો ભારતીય અધિકારીને જાણે છે કે જેના પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. દસ્તાવેજ અનુસાર એ હિટમૅન કે જેનો નિખિલ ગુપ્તાએ સંપર્ક કર્યો હતો તે અમેરિકન ગુપ્તચર વિભાગનો અંડરકવર એજન્ટ હતો. આ એજન્ટે નિખિલ ગુપ્તાની તમામ ગતિવિધિઓ અને વાતચીત રેકૉર્ડ કરી હતી. તેના આધારે આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં સૌથી પહેલી વ્યક્તિને સીસી-વન નામ આપવામાં આવ્યું છે.
વાત તો એવી છે કે, સીસી-વન ભારતનો સિનિયર ફિલ્ડ ઓફિસર છે. સીસી-વન સિક્યોરિટી મેનેજમેન્ટ અને ઇન્ટેલિજન્સનું કામ સંભાળે છે. અમેરિકાએ આ વ્યક્તિની સાચી ઓળખ જાહેર કરી નથી. સીસી-વને ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કામ નિખિલ ગુપ્તા નામની ભારતીય મૂળની વ્યક્તિને સોંપ્યું હતું. નિખિલ ગુપ્તા કીલરને શોધતો હતો. નિખિલે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. જે વ્યક્તિને હત્યાનું કામ સોંપવાનું હતું એ માણસ અમેરિકાની જાસૂસી સંસ્થાનો ખબરી હતો. નિખિલે તેને પન્નુની હત્યા માટે એક લાખ અમેરિકન ડોલર એટલે કે અંદાજે રૂપિયા 83 લાખ ઓફર કર્યા હતા. આ હિટમેન અમેરિકાનો અંડર કવર એજન્ટ હતો અને તેણે જ ભાંડો ફોડી નાખ્યો હોવાનું માનવામાં આવે છે.
નિખિલ ગુપ્તા વિશે પણ એવું કહેવાય છે કે, તારીખ 30મી જૂન, 2023ના રોજ ચેક રિપબ્લિક ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકા અને ચેક રિપબ્લિક વચ્ચે પ્રત્યાર્પણ સંધી છે. અમેરિકાના કહેવાથી જ ચેક રિપબ્લિક સિક્યોરિટી એજન્સીએ નિખિલ ગુપ્તાની ધરપકડ કરી હતી.
આરોપમાં દાવો કરવામાં આવ્યો છે કે 12 મેના રોજ ગુપ્તાને ભારતીય અધિકારી દ્વારા જાણ કરવામાં આવી હતી કે 'તેમની સામેના ફોજદારી કેસને 'સંભાળી લેવામાં' આવ્યો છે.' તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેમને હવે ગુજરાત પોલીસમાંથી કોઈ કૉલ નહીં કરે. 23 મેના રોજ, ભારતીય અધિકારીએ ફરીથી ગુપ્તાને ખાતરી આપી હતી કે 'તેમણે તેના બોસ સાથે વાત કરી છે અને ગુજરાતમાં જે મામલો છે તે અંગે તેમને ફરીથી કોઈ બોલાવશે નહીં.' આરોપમાં દાવો કરાઈ રહ્યો છે કે ભારતીય અધિકારીએ ગુપ્તાને ડીસીપીને મળવાની પણ વ્યવસ્થા કરી હતી. અધિકારી પાસેથી વિશ્વાસ મળ્યા બાદ ગુપ્તાએ ન્યૂયોર્કમાં હત્યા કરવાની યોજના આગળ વધારી હતી. આ કેસમાં જો નિખિલ ગુપ્તા દોષી પુરવાર થશે તો તેને 20 વર્ષની જેલની સજા થઈ શકે છે. હવે ગુજરાતનો એવો તો કયો કેસ છે જેમાં સમાધાનના ભાગરૂપે નિખિલ ગુપ્તા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાની સોપારીમાં સામેલ થયો એ સૌથી મોટો સવાલ છે. આ મામલે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, "અમે નિખિલ ગુપ્તા નામના વ્યક્તિ વિશે પ્રાથમિક રેકોર્ડ તપાસ્યા છે અને મેં ગુજરાતના ચારેય કમિશનરેટ સાથે પુષ્ટિ કર્યા પછી પ્રથમદર્શી તપાસમાં તેમની સામે કોઈ કેસ મળ્યો નથી. શહેરના તમામ ડીસીપીએ પુષ્ટિ કરી કે તેઓ જાણતા નથી કે નિખિલ ગુપ્તા કોણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે