કોંગ્રેસ તૂટવાનો રોગ ગુજરાતમાં AAPને? ભૂપત ભાયાણી બાદ હવે કોણ આપી શકે છે AAPને ઝટકો?

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી ફરી એક વખત તૂટી છે. વિસાવદરથી ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું, સાથે જ આમ આદમી પાર્ટી સાથે પણ છેડો ફાડી નાંખ્યો. 

કોંગ્રેસ તૂટવાનો રોગ ગુજરાતમાં AAPને? ભૂપત ભાયાણી બાદ હવે કોણ આપી શકે છે AAPને ઝટકો?

Aap Mla Resign: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ફરી એક વખત ઝટકો લાગ્યો છે. પાર્ટીના વધુ એક ચૂંટાયેલા પ્રતિનિધિએ રાજીનામું આપ્યું છે. આ વખતે વાત છેક ધારાસભ્ય સુધી પહોંચી ગઈ છે. કેમ કે રાજીનામું આપનાર નેતા વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી ફરી એક વખત તૂટી છે. વિસાવદરથી ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું, સાથે જ આમ આદમી પાર્ટી સાથે પણ છેડો ફાડી નાંખ્યો.

ભાયાણી હવે ભાજપમાં કરશે ઘરવાપસી
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે રાજીનામું સોંપ્યું હતું, જે અધ્યક્ષે સ્વીકારી પણ લીધું. આપમાંથી રાજીનામું આપવા પાછળનું કારણ પૂછતા ભાયાણીએ એટલું જ કહ્યું કે તેઓ રાષ્ટ્રવાદી વ્યક્તિ છે, અને જનતાના કામ કરવાના છે. આ સાથે જ એ પણ નક્કી છે કે ભાયાણી હવે ભાજપમાં ઘરવાપસી કરશે.

રાજીનામું આપ્યા બાદ આ વાતને નકારી દીધી
ભૂપત ભાયાણીના ભાજપમાં જોડાવાની ઘણા સમયથી અટકળો હતી. જો કે આપ અને ભાયાણીએ આ અટકળોને નકારી દીધી હતી. પણ હવે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે..આપમાં જોડાતા પહેલાં તઓ ભાજપમાં જ હતા અને જૂનાગઢના ભેંસાણ સરપંચ હતા. આપમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે એ વાતને નકારી કાઢી હતી કે ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા.

રાજીનામાથી આપને સૌરાષ્ટ્રમાં નુકસાન
2022માં જૂનાગઢની વીસાવદર બેઠક પરથી ચૂંટાઈને ભૂપત ભાયાણીએ ભાજપને સીધો પડકાર ફેંક્યો હતો. તેમણે ભાજપના જાણીતા ચહેરા હર્ષદ રીબડિયાને હરાવ્યા હતા. વિસાવદર પંથકમાં જાણીતા ભાયાણી લેઉવા પાટીદાર સમાજનો મોટો ચહેરો છે. તેમના રાજીનામાથી આપને સૌરાષ્ટ્રમાં નુકસાન થયું છે. એ પણ એવા સમયે જ્યારે લોકસભાની ચૂંટણી દૂર નથી.

કોંગ્રેસે આપને ભાજપની બી ટીમ ગણાવી
AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ભૂપત ભાયાણીના રાજીનામા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે ભાજપ પર આપને પતાવી દેવા ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીએ જ્યાં ભાજપ પર પક્ષને તોડવાનો આક્ષેપ કર્યો છે, ત્યાં કોંગ્રેસે આ મામલે આપ અને ભાજપ બંને પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે આપને ભાજપની બી ટીમ ગણાવી છે.

હવે કોણ આપી શકે છે AAPને ઝટકો?
આમ આદમી પાર્ટીનું નુકસાન અહીંથી જ અટકે તેમ નથી. આપ સામે પડકારોનો પહાડ છે. એવી અટકળો છે કે ભૂપત ભાયાણી બાદ વધુ 2 ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે. ગારિયાધારથી આપના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ ગમે ત્યારે રાજીનામું આપી શકે છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફોજદારી કેસમાં ધરપકડથી બચવા માટે ફરાર છે. લોકસભાની ચૂંટણી સુધી આપ પાસે ચાર ધારાસભ્યો રહેશે કે કેમ, તે મોટો સવાલ છે. જો કે સુધીર વાઘાણીએ પોતાનાના રાજીનામાની અટકળોને ફગાવી હતી. હવે જોવું એ રહેશ કે ભૂપત ભાયાણી ભાજપમાં એકલા જોડાય છે કે પછી તેમની સાથે બીજું પણ કોઈ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news