આઈપીએલ હરાજીમાં ગુજરાતના 5 ક્રિકેટર્સને લોટરી લાગી, 6 વર્ષ બાદ પૂજારાની વાપસી

આઈપીએલ હરાજીમાં ગુજરાતના 5 ક્રિકેટર્સને લોટરી લાગી, 6 વર્ષ બાદ પૂજારાની વાપસી
  • ચેતન સાકરિયા, શેલ્ડન જેક્સન, ચેતેશ્વર પૂજારા, રીપલ પટેલ અને લુકમાન મેરિવાલાને અલગ અલગ ટીમે ખરીદ્યા
  • 6 વર્ષ બાદ આઈપીએલમાં ચેતેશ્વર પૂજારાની વાપસી થઈ છે. ચેન્નઈ સુપરકિંગ્સે તેમને 50 લાખમાં ખરીદ્યા

ઝી મીડિયા/બ્યૂરો :આઈપીએલની 14મી સીઝનના ઓક્શન (IPL 2021 Auction) માં ગુજરાતી ક્રિકેટર્સની લોટરી લાગી છે. અનેક ગુજરાતી પ્લેયર્સનો દબદબો જોવા મળ્યો છે. જેમાં ચેતેશ્વર પૂજારા, લુકમેન મેરીવાલા, રિપલ પટેલ અને ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે. ગુજરાતના ખેલાડીઓ માટે IPL હરાજીમાં બોલી લાગી છે. સૌરાષ્ટ્રના ચેતન સાકરિયાને 1.20 કરોડમાં ખરીદ્યો છે. સૌરાષ્ટ્રના શેલ્ડન જેક્સન 20 લાખમાં કોલકાતાને મળ્યો. ચેતેશ્વર પૂજારાને 50 લાખમાં ચેન્નઈની ટીમે ખરીદ્યા છે. નડિયાદના રીપલ પટેલ 19 લાખમાં દિલ્હીએ ખરીદ્યો છે. તો વડોદરાના લુકમાન મેરિવાલા 20 લાખમાં દિલ્હીની ટીમમાં સામેલ થયો છે. 

ગુજરાતના પાંચ પ્લેયર્સ (gujarat cricketers) ને આઈપીએલમાં લોટરી લાગી છે એમ કહી શકાય. જેમાં ચેતન સાકરિયા, શેલ્ડન જેક્સન, ચેતેશ્વર પૂજારા, રીપલ પટેલ અને લુકમાન મેરિવાલાનો સમાવેશ થાય છે. નડિયાદના રીપલ પટેલને આઈપીએલ ઓક્શન (IPL 2021) મા દિલ્હી કેપિટલ ટીમ દ્વારા 20 લાખમાં ખરીદાયૉ છે. 

આ પણ વાંચો : કૂવા પાસે તરસ્યા જેવી હાલતમાં જીવતા છોટાઉદેપુરના 14 ગામોના ખેડૂતો કરશે ચૂંટણીનો બહિષ્કાર

ચેતેશ્વર પૂજારા
6 વર્ષ બાદ આઈપીએલમાં ચેતેશ્વર પૂજારાની વાપસી થઈ છે. ચેન્નઈ સુપરકિંગ્સે તેમને 50 લાખમાં ખરીદ્યા છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ ચેતેશ્વર પૂજારાને ખરીદ્યા ન હતા. ઓક્શન બાદ ચેતેશ્વર પૂજારાએ ટ્વીટ કરીને કહ્યું કે, ભરોસો વ્યક્ત કરવા માટે આભાર. તેને લઈને હું ઉત્સુક છું. 

રીપલ પટેલ
નડિયાદ તાલુકાના પીપલગ ગામના રિપલ પટેલની પસંદગી કરાઈ છે. આઈપીએલ ઓક્શન (IPL Auction 2021) માં દિલ્હી કેપિટલ ટીમ દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યા છે. રીપલ પટેલના પિતા વિનુભાઈ પટેલ ડ્રાઇવીંગ કરે છે, જ્યારે માતા રંજનબહેન ઘરકામ કરે છે. રીપલ પટેલે પાંચેક વર્ષ પહેલા જ ખેડા ક્રિકેટ એસો. તરફથી જિલ્લાની ટીમમાં રમવાનું શરૂ કર્યું હતું. 2018માં ડી.વાય. પાટીલ ટી20માં ઓલ ઇન્ડિયા લેવલની ટૂર્નામેન્ટમાં સિલેકશન થયું હતું.

ચેતન સાકરિયા
ચેતન સાકરિયાની બેઝ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા હતી. પરંતુ તેને 1.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તે ડાબોડી ફાસ્ટ બોલર છે. તે નાના ફોર્મેટમાં દમદાર બોલિંગ કરવા માટે જાણીતો છે. હવે તે સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ સાથે રાજસ્થાનની ટીમમાં રમશે. 

આ પણ વાંચો : નવસારીમાં પતિ-પત્ની એકસાથે ચૂંટણી જંગમાં, પ્રચાર માટે કર્યું ટાઈમ મેનેજમેન્ટ 

લુકમાન મેરીવાલા
વડોદરાના ફાસ્ટ બોલર લુકમાન મેરીવાલાને પણ દિલ્હી કેપિટલ્સે તેની બેઝ પ્રાઇઝ 20 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. પહેલા સૌરાષ્ટ્ર માટે રમી ચુકેલા શેલ્ડન જેક્સનને પણ કોલકત્તાએ 20 લાખમાં ખરીદ્યો છે. 

શેલ્ડન જેક્સન
શેલ્ડન જેક્સન પણ ગુજરાતનો પ્લેયર છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે તેને 20 લાખમાં ખરીદ્યો છે. તે મૂળ ભાવનગરનો છે. ડોમેસ્ટિક T-20માં 59 મેચમાં 25.83ની એવરેજ અને 117ની સ્ટ્રાઈક રેટથી 1059 રન કર્યા છે. તેણે આ દરમિયાન 6 ફિફ્ટી અને 1 સદી ફટકારી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news