મોઝમ્બિકમાં ગુજરાતી બિઝનેસમેનનું અપહરણ, ઓફિસમાં આવીને ઉઠાવી ગયા...
Gujarati OCI kidnapped in Mozambique : ગત 12મી ફેબ્રુઆરીનાં રોજ ભરતભાઈ તેમની ઓફિસમાં બેસીને મીટીંગ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા લોકો આવી ચઢ્યા હતા. જેઓએ તેમનું અપહરણ કર્યુ હતું. ભરતભાઈને અપહરણ કરી છેલ્લા 8 દિવસથી બંધક બનાવવામાં આવ્યા છે
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ :આફ્રિકાના મોઝામ્બિકમાં પરિવાર સાથે રહેતા અને મૂળ ગુજરાતી બિઝનેસમેનનું અપહરણ થતા મોઝમ્બિકનાં ભારતીય સંગઠન દ્વારા મોઝમ્બિક સરકારને રજુઆત કરી છે. તેમજ આણંદના તેમના મિત્રો અને ભાગીદાર દ્વારા સાંસદ મિતેષ પટેલને રજુઆત કરવામાં આવી છે.
ગુજરાતના મૂળ જામજોધપુરનાં 58 વર્ષીય ભરતભાઇ ધનજી ટપુનાં વડવાઓ ચાર પેઢી પૂર્વે મોઝમ્બિક ગયા હતા અને વેપારમાં ઝંપલાવ્યું હતું. તેમના પરિવારે સ્થાનિક સ્તરે બિઝનેસમેન તરીકે નામના મેળવી હતી. ગત 12મી ફેબ્રુઆરીનાં રોજ ભરતભાઈ તેમની ઓફિસમાં બેસીને મીટીંગ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા લોકો આવી ચઢ્યા હતા. જેઓએ તેમનું અપહરણ કર્યુ હતું અને ત્યાંથી લઈ ગયા હતા.
ભરતભાઈને અપહરણ કરી છેલ્લા 8 દિવસથી બંધક બનાવવામાં આવ્યા છે. જેને કારણે તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સાથે જ ગુજરાતમાં રહેતા તેમના સ્વજનો પણ ચિંતામાં સરી પડ્યા છે. આ અંગે ભારતીય સંગઠન દ્વારા મોઝમ્બિક સરકારને રજુઆત કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી. તેમના પરિવાર દ્વારા વહેલીતકે છોડાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
બીજી તરફ, ભરતભાઇ ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરની બીમારીથી પીડાઈ રહ્યા હોઈ દવાઓ વિના તેમના જીવન સામે જોખમ રહેલું છે. જેથી તેમના પરિવારજનોમાં વધુ ચિંતા જોવા મળી રહી છે. ભરતભાઇનાં મિત્ર અને ભાગીદાર ભરત સુતરિયા દ્વારા આ અપહરણ બાબતે સાંસદ મિતેષ પટેલને રજુઆત કરાઈ છે. સાંસદ દ્વારા આ બાબતે મોઝમ્બિક હાઈકમિશન અને વિદેશ મંત્રલાયને રજૂઆતો કરાઈ છે.
ભરતભાઇનો પરિવાર છેલ્લી ચાર પેઢીથી મોઝમ્બિકમાં વસવાટ કરે છે. તેઓ અવારનવાર ગુજરાત આવે છે. અમદાવાદ, સુરત, આણંદ સહિત અનેક શહેરોમાં તેઓએ રોકાણ કર્યું છે. બે ચાર વર્ષે તેઓ ભારતમાં અવાર જવર કરતા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે