આટલા પાણીમાં આબુ કેવી રીતે જઈશું, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વાવાઝોડા સાથે ધોધમાર સાથે વરસાદથી બધે પાણી ભરાયા

Gujarat Weather Forecast : આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની હવામાનની આગાહી... અરબી સમુદ્રમાં ઉદભવ્યું હવાનું હળવું દબાણ... આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા....
 

આટલા પાણીમાં આબુ કેવી રીતે જઈશું, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વાવાઝોડા સાથે ધોધમાર સાથે વરસાદથી બધે પાણી ભરાયા

Ambalal Patel Prediction અલકેશ રાવ/બનાસકાંઠા : હાલ ગુજરાતમાં કમોસમી વરસાદના વાદળો બંધાયા છે. જેને કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરાવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેવુ વાતાવરણ રહેશે તે જણાવ્યું છે. ત્યારે આ રહી ગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદની આગાહી અને ચેતવણીની માહિતી આપી છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડવાની હવામાનની આગાહી છે. અરબી સમુદ્રમાં ઉદભવ્યું હવાનું હળવું દબાણ ઉભુ થયું છે. જે આગામી 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ વચ્ચે ગઈકાલે સાંજ બાદ ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો. બનાસકાંઠા અને સાંબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણી થયું છે. 

સાબરકાંઠામાં વાવાઝોડા સાથે વરસાદ આવ્યો 
ગઈકાલે મોડી રાતે સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડું ફુંકાયું હતું. રાત્રિ દરમિયાન વાવઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વાવઝોડું અને વરસાદ આવ્યો હતો. જેને કારણે હિમતનગરમાં મહિલા પોલીસ સ્ટેશન અને બી ડિવીઝનના બોર્ડ પડ્યા હતા. વાવઝોડાએ જીલ્લામાં  ઠેર ઠેર રોડ હોર્ડિંગ પાડી દીધા. સાબરકાઠાના ચાર તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઇડરમાં પોણો ઇંચ વરસાદ નોધાયો છે. તો ખેડબ્રહ્મામાં 05 મિમી, વડાલીમાં 08 મિમી, ઇડરમાં 18 મિમી અને હિંમતનગરમાં 07 મિમી વરસાદ નોંધાયો છે. 

અમદાવાદ-આબુ હાઈવે પર પાણી ભરાયા 
બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ પાલનપુર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારો સહિત અમદાવાદ -આબુ હાઇવે ઉપર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે જેને લઈને હાઇવે ઉપર ત્રણથી ચાર કિલોમીટર વાહનોની કતારો લાગી છે. 

હવામાન વિભાગની અગાહીને લઈને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં મોડી રાત્રે પલટો આવ્યા બાદ અચાનક ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું જોકે તે બાદ પાલનપુર પંથકમાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસતા પાલનપુરના કમાલપુરા વિસ્તાર નદી ચાલતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તો અમદાવાદ-આબુ હાઇવે ઉપર ગઠમણ પાટિયા અને બિહારી બાગ તેમજ મલાણા પાટિયા પાસે ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે હાઇવે ઉપર પાણી ભરાઈ જતા હાઇવે મોટા વાહનો મહામુસીબતે પાણી માંથી પસાર થઈ રહ્યા છે તો નાના વાહનો અને બાઇક ચાલકો હાઇવે ઉપરથી ચાલવાનું ટાળી રહ્યા છે અમદાવાદ થી દિલ્હી જતા મુખ્ય હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહનો ધીરેધીરે ચાલતા હોવાથી વાહનોની ત્રણ થી ચાર કિલોમીટર લાંબી કતારો પણ લાગી છે તો હાઇવે ઉપરથી પાણી માંથી નીકળતાં રિક્ષાઓ તેમજ બાઇક અને એક્ટિવા ખોટવાઈને ફસાઈ જતા વાહન ચાલકો ધક્કા મારીને પોતાના વાહનો પાણી માંથી બહાર નીકાળી રહ્યા છે તો સ્કૂલે જતા અનેક વાહનો તેમજ રિક્ષાઓ અટવાતા બાળકો સ્કૂલે સમયસર પહોંચી શક્યા નથી તો નોકરી ઉપર જતા અનેક લોકોના વાહનો ખોટવાઈ જતા તેવો અટવાયા છે. કમોસમી વરસાદ થી ધરતીપુત્રોમાં ચિંતા પ્રસરી છે તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે જેથી ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ સેવાઇ છે.

એક વાહન ચાલક પ્રવીણભાઈ પટેલે જણાવ્યું કે, મારુ બાઇક બંધ પડી ગયું છે હું નોકરી ઉપર જતો હતો હવે લેટ થઈ ગયો છો. તો અન્ય એક કારચાલક વિનુભાઈ સાધુની કાર બંધ પડી છે. તેમણે કહ્યું કે, મારી કાર પાણીમાં બંધ પડી ગઈ હતી મેં ધક્કા મારીને બહાર કાઢી છે ગાડી ખરાબ થઈ ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news