વિધાનસભા ચોમાસુ સત્રના અંતિમ દિવસે રજુ થશે 6 વિધેયક, એક કલાકનો પ્રશ્નોત્તરી કાળ

બપોરે બીજી બેઠકનો પ્રારંભ ત્રણ વાગે થશે, એક કલાકનો પ્રશ્નોત્તરી કાળ હશે, બેઠકના અંતિમ એક કલાકમાં છેલ્લા દિવસના પ્રસ્તાવ પર ચર્ચા થશે

વિધાનસભા ચોમાસુ સત્રના અંતિમ દિવસે રજુ થશે 6 વિધેયક, એક કલાકનો પ્રશ્નોત્તરી કાળ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ચોમાસુ સત્ર મંગળવારે શરૂ થયું હતું. મંગળવારે વિધાનસભાના સત્ર દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ ગૃહનું કામકાજ મોકૂફ રખાયું હતું. બુધવારે સત્રના બીજા અને અંતિમ દિવસે સવારે 9.30 કલાકથી ગૃહની બેઠક મળશે અને દિવસ દરમિયાન 6 સરકારી વિધેયક રજૂ કરવામાં આવશે. 

વિધાનસભામાં રજૂ થનારા વિધેયક
- માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક
- બાયો ટેક્નોલોજી યુનિવર્સિટીની સ્થાપનાને લગતું વિધેયક
- ચેન સ્નેચિંગના ગુનામાં સજાની જોગવાઈ વધારતું સુધારા વિધેયક
- રિ-ડેવલપમેન્ટ માટેની પોલિસીમાં કરાયેલા સુધારા વિધેયક
- GSTમાં પડતી મુશ્કેલી દુર કરી પ્રક્રિયા સરળ કરવા માટેનું વિધેયક
- ન.પા.ઓમાં નિયામકની જગ્યાએ કમિશનરમાં અપગ્રેડ કરતું સુધારા વિધેયક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયકમાં બોર્ડની પરિક્ષામાં પેપર લીકની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ત્રણથી પાંચ વર્ષની સજા અને બે લાખનો દંડ સુચવવામાં આવ્યો છે. એ જ રીતે સરકારી માન્યતા વગર શાળા ચલાવતા અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતા સંચાલકો સામે પણ દંડની જોગવાઈ વધુ કડક કરવામાં આવી છે. 

તાજેતરમાં જ નગરપાલિકાઓના વહીવટને વધુ સુદૃઢ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો, જેમાં નગરપાલિકાઓમાં નિયમકની જગ્યાને કમિશનરમાં અપગ્રેડ કરવામાં આવી હતી. આથી, હવે તેના સંબંધિત વિધેયક ગૃહમાં પસાર કરવા માટે રજૂ કરાશે. 

ગૃહની બીજી બેઠક બપોરે ત્રણ કલાકે શરૂ થશે. ત્યાર બાદ એક કલાકનો પ્રશ્નોત્તરીકાળ હશે અને બેઠકના અંતિમ એક કલાકમાં છેલ્લા દિવસે રજૂ થયેલા પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news