દીપડાનો હાહાકારઃ રેવેન્યુ વિસ્તારમાં પકડાયેલા દીપડાઓને રેડીયો કોલર લગાવવાનો નિર્ણય
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી 'સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડ'ની 18મી બેઠકમાં વન્ય જીવોને સંબંધિત ચાર મહત્વનાં નિર્ણયો લેવાયા
Trending Photos
હીતલ પારેખ/ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે ગુરૂવારે 'સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડ'ની 18મી બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં વન્ય જીવ અને પર્યાવરણ સંબંધિત ચાર મહત્વનાં નિર્ણયો લેવાયા હતા. જેમાં દીપડાને રેડિયો કોલર લગાવવા, દીપડાઓનું ખસીકરણ કરવા, ઘોરાડ-ખડમોર પ્રજાતિના પક્ષીના સંવર્ધન માટે બ્રિડીંગ સેન્ટર બનાવવા અને યાયાવર પક્ષીઓને ઈજાગ્રસ્ત થતા અટકાવા સંબંધિત નિર્ણય લેવાયા હતા. આ ઉપરાંત, સિંહની વસતી ગણતરીની સાથે-સાથે રીંછની વસતી ગણતરી કરવાનો નિર્ણય પણ લેવાયો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રીએ વાઈલ્ડ લાઈફ ટૂરિઝમમાં સિંહની સાથે રિંછ અભયારણ્યનો વિકાસ કરવાનું પણ સુચન કર્યું હતું.
દીપડાઓને રેડિયો કોલર અને ખસીકરણ
છેલ્લા કેટલાક સમયથી અમરેલીના બગસરા પંથકમાં દીપડાની રંજાડ વધી ગઈ છે. છેલ્લા એક વર્ષમાં દીપડાએ 17 માનવોનો ભોગ લીધો છે અને અન્ય પ્રાણીઓને ઈજાગ્રસ્ત કર્યા છે. તેવામાં આજે મળેલી વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં દીપડા અંગે કેટલાક મહત્વનાં નિર્ણય લેવાયા હતા. જેમાં રાજ્યમાં રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દિપડાઓને જ્યારે છોડવામાં આવે ત્યારે તેમને રેડિયો કોલર કરીને છોડવાનો નિર્ણય લેવાયો હતો. જેથી, માનવવસ્તીને રંજાડતા દીપડાઓનું રેડિયો કોલર દ્વારા લોકેશન ટ્રેસ કરીને તેમને પકડવાની કાર્યવાહીમાં વન વિભાગને સુગમતા રહે. આ સાથે જ, ગુજરાતમાં દીપડાની વધતી વસ્તીના નિયંત્રણ માટે સ્ટરીલાઇઝેશન પ્રક્રિયા પણ કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગની જરૂરી પરવાનગી મળ્યેથી હાથ ધરવા મુખ્યમંત્રીએ સુચન કર્યું હતું.
ઘોરાડ-ખડમોરના સંવર્ધન માટે બ્રિડીંગ સેન્ટર
સીએમ રૂપાણીએ રાજ્યમાં જોવા મળતી અલભ્ય પક્ષી પ્રજાતિ ઘોરાડ અને ખડમૌરના સંવર્ધન માટે સ્ટેટ ઓફ ધી આર્ટ બ્રિડીંગ સેન્ટર PPP ધોરણે પર શરૂ કરવા અંગેના DPR, સ્થળ નિર્ધારણ અને સર્વેની કામગીરી વહેલી તકે હાથ ધરવા વન વિભાગને સૂચન કર્યુ હતું. ખાસ કરીને કચ્છ પ્રદેશમાં ધોરાડ પક્ષીઓને હાઇટેન્શન વીજ વાયરથી થતા અકસ્માત અને ઇજાના કિસ્સાઓ નિવારવાના હેતુસર અંડર ગ્રાઉન્ડ વાયરીંગની સંભાવનાઓ ચકાસવા પણ સૂચન કર્યુ હતું.
યાયાવર પક્ષીઓ માટે બર્ડ ડાયવર્ટર
વન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ બેઠકમાં જણાવ્યું કે, ગુજરાત સેન્ટ્રલ એશિયાઇ ફલાય વેમાં આવતું રાજ્ય છે અને તેથી યાયાવર પક્ષીઓ અહિં મોટી સંખ્યામાં આવે છે. આ યાયાવર પક્ષીઓને હાઇટેન્શન વીજવાયર તથા પવનચક્કીથી અકસ્માતે ઇજા ન થાય તે માટે સ્ટ્રેટજિક જગ્યાએ બર્ડ ડાર્યવર્ટર લગાવવાની પ્રક્રિયા વન વિભાગ આગામી દિવસોમાં હાથ ધરવાનું છે.
સિંહોની ડિજિટલ વસતી ગણતરી
ર૦ર૦માં જ્યારે રાજ્યમાં સિંહોની વસ્તી ગણતરી હાથ ધરાય ત્યારે વાઘની વસ્તી ગણતરીના જે નેશનલ પ્રોટોકોલ છે તે અંતર્ગત ડિજીટલ ફોટો એનાલીસીસ તથા આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સના યુવા સ્ટાર્ટઅ૫સની સેવાઓ લેવા મુખ્યમંત્રીએ વન વિભાગને સૂચન કર્યુ હતું.
#news #BreakingNews ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક પંથકમાં કમોસમી વરસાદ, નિર્ભયાકાંડના આરોપીઓને મળશે જલ્દી ફાંસી? રેપ કેસ માટે અલાયદી વ્યવસ્થા... જાણો સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ. LIVE TV જોવા ક્લિક કરો https://t.co/urReSPFvEZ pic.twitter.com/tGmcGSHpcu
— Zee 24 Kalak (@Zee24Kalak) December 12, 2019
રિંછ અભયારણ્ય અને પ્રવાસન
ગુજરાત એશિયાટિક લાયન માટે પ્રખ્યાત છે, તેની સાથે-સાથે બનાસકાંઠા, પંચમહાલ જેવા વિસ્તારોમાં રિંછની વસ્તી પણ વધુ છે. તેથી વાઇલ્ડ લાઇફ ટુરિઝમમાં રિંછની બહુધા સંખ્યા ધરાવતા સ્થાનો પણ આવરી લેવાય તે માટે પ્રવાસન અને વન વિભાગને સંકલન સાધવા સીએમ રૂપાણીએ હિમાયત કરી હતી.
સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની આ બેઠકમાં આ ઉપરાંત જેસોર અભ્યારણ્યમાં ઓપ્ટીકલ ફાયબર કેબલ નાંખવા જમીનના ઉપયોગ, ગિરનાર અભ્યારણ્યની જમીનનો પાણીની પાઇપલાઇન માટે ઉપયોગ સહિતના વિવિધ પ્રશ્નો પણ સભ્યો દ્વારા ચર્ચા વિચારણામાં લેવામાં આવ્યા હતા.
સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની આ બેઠકમાં વન મંત્રી ગણપતસિંહ વસાવા, મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ પોલીસ મહાનિદેશક શ્રી શિવાનંદ જ્હા અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગીર સોમનાથમાં દીપડો ફરી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો, વન વિભાગે પાંજરે પૂર્યો.... જુઓ વીડિયો.....
વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં લેવાયેલા મહત્વનાં નિર્ણયો
- રેવન્યુ વિસ્તારમાં રંજાડમાં પકડાયેલા દીપડાઓને રેડીયો કોલર કરીને છોડવામાં આવશે.
- રેડીયો કોલરથી દીપડાઓનું લોકેશન ટ્રેસ કરવામાં વન વિભાગને સુગમતા રહેશે.
- કેન્દ્ર સરકારની અનૂમિત મળ્યે દીપડા વસ્તી નિયંત્રણ માટે સ્ટરીલાઇઝેશન કરાશે.
- ઘોરાડ-ખડમૌર પ્રજાતિના પક્ષીના સંવર્ધન માટે સ્ટેટ ઓફ ધી આર્ટ બ્રિડીંગ સેન્ટર PPP ધોરણે ઊભું કરાશે.
- યાયાવર પક્ષીઓને હાઇટેન્શન વીજવાયર-પવનચક્કીથી થતી ઇજા અટકાવવા વીજવાયરો પર સ્ટ્રેટેજિક જગ્યાએ બર્ડ ડાયર્વટર લગાવાશે.
- કચ્છમાં ઘોરાડ પક્ષીઓને વીજવાયરથી થતી ઇજાથી બચાવવા અંડર ગ્રાઉન્ડ કેબલીંગની સંભાવનાઓ વન વિભાગ ચકાસશે.
- ર૦ર૦માં હાથ ધરનારી સિંહ વસ્તી ગણતરીમાં આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક વસ્તી ગણતરી વન વિભાગ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે