દરિયામાં આટલી બધી માછલી છે, પણ ઘોલને જ ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરાઈ, આ છે મોટું કારણ

Gujarat State Fish Declare : બેશકિંમતી ઘોલ માછલી ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરાઈ, જાળમાં આવે તો માછીમાર બની જાય છે લખપતિ

દરિયામાં આટલી બધી માછલી છે, પણ ઘોલને જ ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરાઈ, આ છે મોટું કારણ

Big  Announcement In Global Fisheries Conference India 2023 : તાજેતરમાં ગુજરાત ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 નું ગુજરાતમાં આયોજન કરાયું હતું. કેન્દ્રના ફિશરીઝ મંત્રાલય દ્વારા આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 નું આયોજન કરાયું હતું જેમાં મહત્વની જાહેરાત કરાઈ છે. આ કોન્ફરન્સમાં ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરવામાં આવી હતી. બેશકિંમતી કેટેગરીમાં આવતી ઘોલ માછલીની ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરાઈ હતી. આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ‘ઘોલ’ નામની માછલીને સ્ટેટ ફિશ તરીકે જાહેર કરવામાં આવી હતી. પરંતુ સવાલ એ છે કે દરિયામાં આટલી બધી પ્રકારની માછલી છે તો ઘોલ માછલીની જ કેમ સ્ટેટ ફિશ તરીકે પસંદ કરાઈ. આ માછલીમાં એવુ તો શું છે જેથી તેને આ ખિતાબ મળ્યો. 

ઘોલની પસંદગી કેમ કરાઈ
ગુજરાત સરકારે ઘોલ માછલીને તેના આર્થિક મૂલ્ય અને તેની વિશિષ્ટતાને કારણે સ્ટેટ ફિશ તરીકે પસંદ કરી છે. આ માછલી સામાન્ય રીતે ઈન્ડો-પેસિફિક પ્રદેશમાં જોવા મળે છે, જે પર્સિયન ગલ્ફથી પેસિફિક મહાસાગર સુધી ફેલાયેલી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ જાહેરાત ગુજરાતને તેના સંરક્ષણ પ્રયાસોનો ભાગ બનવા માટે સક્ષમ બનાવશે.

ઘોલ સરળતાથી મળતી નથી, જેને મળે છે તેનું નસીબ ચમકી જાય છે 
ગુજરાત સરકારના ફિશરીઝ વિભાગના કમિશનર નીતિન સાંગવાને જણાવ્યું કે, દરેક રાજ્ય રાજ્ય માછલી જાહેર કરી શકે છે. ગુજરાત માટે એક નક્કી કરતી વખતે, પ્રથમ વસ્તુ જે આપણા મગજમાં આવી તે માછલીની પ્રજાતિની વિશિષ્ટતા હતી. આ માછલી સરળતાથી મળતી નથી. બીજું પરિબળ માછલીનું આર્થિક મૂલ્ય હતું અને ત્રીજું, અમારે તેનું સંરક્ષણ કરવાની અને તેના વધુ પડતા શોષણથી બચવાની જરૂર હતી.

તેમણે જણાવ્યું કે, રાજ્યની માછલીની પસંદગી એ તમામ જિલ્લાના પ્રતિનિધિઓ સાથેની સલાહ પ્રક્રિયા છે. રિબન માછલી, પોમફ્રેટ અને બોમ્બે ડક એ અન્ય પ્રજાતિઓ પણ લિસ્ટમાં સામેલ હતી. જેને રાજ્ય માછલી તરીકે હોદ્દો આપવા માટે ગણવામાં આવતી હતી. 

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઘોલ માછલી મોંઘી હોવાને કારણે આ માછલીનો સ્થાનિક વપરાશ ઓછો છે. પરંતુ ચીન અને અન્ય દેશોમાં માછલીનું વિશાળ બજાર છે.

ઘોલ લોટરી ફિશ કહેવાય છે 
માછલી એ ખરેખર માછીમારો માટે લોટરી છે. આ માછલી માત્ર સ્વાદિષ્ટ જ નથી, ઘણા દેશોમાં તેનો ઉપયોગ મોટાપાયે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ઔષધીય હેતુઓ માટે થાય છે. જ્યારે માછલીના માંસને ફ્રોઝન ફીલેટ અથવા આખી માછલી તરીકે યુરોપીયન અને મધ્ય-પૂર્વીય દેશોમાં નિકાસ કરવામાં આવે છે. તેનું મૂત્રાશય - જે પેટમાંથી ખોલીને સૂકવવામાં આવે છે. મુખ્યત્વે ચીન, હોંગકોંગ અને અન્ય એશિયન દેશોમાં નિકાસ કરવામાં આવે છે. જ્યાં તે તેના ઔષધીય મૂલ્યો માટે ખૂબ માંગ છે. 

ધોલ માછલી આટલી મોંઘી કેમ 
ધોલ પ્રકારની માછલીઓ સૌથી મોંઘી માછલી ગણાય છે. જેનો ઉપયોગ દવાઓ તેમજ કોસ્મેટિક આઈટમ્સ બનાવવામાં થતો હોય છે. આ માછલી અનેક ગુણોથી ભરપૂર છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ, આયોડિન, આયર્ન, મેગ્નેશિયમ, ફ્લોરાઈડ, DHA, EPA સહિતના અનેક પોષકતત્વો તેમાં હોય છે. ખાસ કરીને તેના અંગોનો દવા બનાવવામાં અને કોસ્મેટિક સાધનો બનાવવામાં ઉપયોગ થતો હોવાથી તેની કિંમત ખૂબ જ વધી જાય છે. આ માછલી આંખ માટે સારી હોવા ઉપરાંત ઉંમર વધવાની સાથે શરીરમાં થતા ફેરફારોની પ્રક્રિયાને ધીમી પાડે છે, અને બ્રેઈન સેલ્સને ડેવલપ કરે છે. તેની પાંખોમાંથી શરીરના આંતરીક ભાગોમાં ટાંકા લેવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટીચ બને છે. આ માછલી 1 મીટરની સરેરાશ લંબાઈ ધરાવે છે, અને આઠ વર્ષ જેટલું જીવે છે.

ઘોલ ફિશની નિકાસ
ગુજરાતમાં એક કિલો ઘોલ રૂ.5,000 થી રૂ. 15,000 વચ્ચે મળે છે. માછલીનું સૂકું મૂત્રાશય સૌથી મોંઘું હોય છે અને નિકાસ બજારમાં રૂ. 25,000 પ્રતિ કિલોગ્રામ જેટલું ઊંચું મેળવી શકે છે. આ પ્રજાતિની એક માછલીનું વજન 25 કિલો જેટલું હોઈ શકે છે.

વર્ષ 2021-22 દરમિયાન, ગુજરાતનું કુલ મત્સ્ય ઉત્પાદન 8.74 લાખ ટન અંદાજવામાં આવ્યું હતું, જેની કિંમત રૂ. 11,221 કરોડ હતી. તેમાંથી 5,233 કરોડ રૂપિયાની 2.3 લાખ ટન માછલી અને માછલી ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news