ગુજરાતમાં આ 5 નવી ખાનગી યુનિવર્સિટી પર લાગી મંજૂરીની મહોર, જાણો ક્યાં કઈ સ્થપાશે?

ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વ સંમતિ સાથે પસાર કરાયો છે, રાજ્યમાં નવી પાંચ યુનિવર્સિટી નિર્માણ પામશે, જુઓ ક્યાં ક્યાં???

ગુજરાતમાં આ 5 નવી ખાનગી યુનિવર્સિટી પર લાગી મંજૂરીની મહોર, જાણો ક્યાં કઈ સ્થપાશે?

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકારે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાના હેતુથી રાજ્યમાં પાંચ નવી ખાનગી યુનિવર્સિટી સ્થાપવા માટે ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક 2023 વિધાનસભા ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું.

ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, 2023 આજે ગુજરાત વિધાનસભા ખાતે રજૂ કરતાં શિક્ષણ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના યુવાનોને ઘરઆંગણે ઉચ્ચ મળી રહે તે માટે વધુ નવી પાંચ ખાનગી યુનિવર્સિટી શરૂ કરવાનો રાજ્ય સરકારે આ સુધારા વિધેયક થકી નિર્ણય કર્યો છે, જેમાં (1) સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટી, ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ કેમ્પસ,અમદાવાદ (2) જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિવર્સિટી, સીદસર રોડ, ભાવનગર (3) સિગ્મા યુનિવર્સિટી, વાઘોડિયા-વડોદરા (4) રજ્જુ શ્રોફ, રોયલ યુનિવર્સિટી, વાપી અને (5) કે. એન. યુનિવર્સિટી, સાણંદ, અમદાવાદ મળી કુલ પાંચ નવી ખાનગી યુનિવર્સિટીઓ સ્થપાશે. ખાનગી યુનિવર્સિટી અધિનિયમ ૨૦૦૯ અંતર્ગત મંજૂરી બાદ રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા 108 થશે. 

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી નવી શિક્ષણ નીતિ યુવા વિકાસ તથા રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે છે, જે વિદ્યાર્થીઓનું ઘડતર કરી દુનિયા સાથે કદમ મિલાવવા સક્ષમ બનાવે છે. હાલમાં રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં માટે નામાંકન અંગેના ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER)ને વર્ષ 2023 સુધીમાં 50 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. આ દિશામાં ખાનગી યુનિવર્સિટીની ભૂમિકા મહત્વની રહેશે એમ મંત્રીએ જણાવ્યું હતું. 

મંત્રીએ કહ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં જ્ઞાન-વિજ્ઞાનનું પૂજન કરનારી શિક્ષણ પદ્ધતિ હતી, તે આજે નવી શિક્ષણ નીતિમાં વણી લેવામાં આવી છે. ભારતના ભવ્ય ઇતિહાસ, ભવ્ય સાંસ્કૃતિક વારસાના મૂલ્યોને આવરી લઈ નવી શિક્ષણ પદ્ધતિ અંતર્ગત વિદ્યાર્થીઓને ચિંતામુક્ત બનાવી ભાર વગરના ભણતર થકી વધુ સર્જનાત્મકતા વિકસાવવામાં ઉપયોગી સાબિત થશે. 

નવી શિક્ષણ નીતિમાં ભાષાવાદ, જાતિવાદ કે પ્રાંતવાદથી પર માનવીય અભિગમ સાથે રાજ્યના યુનિવર્સિટીઓ કાર્ય કરી રહી છે અને નવી યુનિવર્સિટી પણ આ તર્જ પર શિક્ષણકાર્ય કરશે. નવી શિક્ષણ પદ્ધતિથી  જીડીપીની સાથે સાથે હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સની પણ સમજ કેળવાશે. અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવી રહ્યા છે, જે રાજ્યની શિક્ષણ પ્રણાલીમાં થઈ રહેલા સુધારાઓ અને શિક્ષણક્ષેત્રે થયેલા માળખાકીય વિકાસની સાક્ષી પૂરે છે. નવી મંજૂર થયેલી યુનિવર્સિટીઓ પણ નવી શિક્ષણ પદ્ધતિ મુજબ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની વિભાવનાને સાકાર કરશે એમ મંત્રી શ્રી પાનશેરીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

ભારતના શિક્ષણ વારસાનો ઉલ્લેખ કરતાં મંત્રીએ કહ્યું હતું કે, અમેરિકાનો અસ્તિત્વ પણ ન હતું ત્યારે ભારતે તબીબી, તકનિકી, ખગોળીય, ગાણિતિક વગેરે સહિતના શિક્ષણના તમામ ક્ષેત્રોનું જ્ઞાન વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. ભારતીય સંસ્કૃતિના વારસા સમાન યોગ માટે યોગ યુનિવર્સિટી પણ રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news