જ્યાં બધા કરે છે તગડી કમાણી, દિલ્લી પરેડમાં દેખાશે ગુજરાતના એ સરહદી ગામની ઝાંખી

75મા પ્રજાસત્તાક દિવસ અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરીત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બન્યું છે, તેનું ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવશે.

જ્યાં બધા કરે છે તગડી કમાણી, દિલ્લી પરેડમાં દેખાશે ગુજરાતના એ સરહદી ગામની ઝાંખી

રાજેન્દ્ર ઠકકર, કચ્છઃ 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિન નિમિતે દિલ્હીના કર્તવ્યપથ પર યોજાનારી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ તરીકે ધોરડો ગામની ઝાંખી રજૂ કરવામાં આવશે. UNWTO દ્વારા જ્યારે ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના ટેબ્લોનું આ શ્વેત રણથી વિખ્યાત ધોરડો પ્રતિનિધિત્વ કરશે. ચાલુ વર્ષે ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો આ ટેબ્લો `ધોરડો' કર્તવ્યપથ ઉપર પ્રદર્શિત કરવામાં આવશે સાથે જ કચ્છની રોગાન કળા, રણ ઉત્સવ, ટેન્ટ સિટી પણ ઝાંખીનું મુખ્ય આકર્ષણ રહેશે. 

કચ્છનું સરહદી ગામ ધોરડો તેની ખમીરાઇ અને વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે સાથે રાજ્ય અને દેશના સરહદી વિસ્તારના પ્રવાસનને ઉત્તેજન આપે છે. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન પરેડમાં 16 રાજ્ય અને  કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગની 9 ઝાંખી મળીને કુલે 25 ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવશે. પ્રાથમિક માહિતી અનુસાર આ 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે.

75મા પ્રજાસત્તાક દિવસ અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરીત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બન્યું છે, તેનું ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવશે. ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિઓને ઝાંખીના આગળના ભાગમાં ફરતા પૃથ્વીના ગ્લોબમાં દર્શાવવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને `ભૂંગા' તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા, રોગાનકલા, કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતની ઝાંખીમાં પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરી રહ્યા હોય તેવું તેમજ કલાકૃતિઓને ખરીદી કરી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. જે ધોરડો ગામની પરંપરાની સાથે સાથે તેની ડિજિટલ પ્રગતિને પણ દર્શાવી રહી છે. ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ પણ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. 

કચ્છની સરહદનું અંતિમ ગામ ધોરડો કે જે 400 વર્ષ જૂનું ગામ છે અને એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન બન્ની વિસ્તારમાં વસેલું છે અહીં 150 જેટલા ઘર છે અને 1000 જેટલા લોકો અહીં વસે છે. મોટા ભાગે અહીં લઘુમતી કોમના લોકો રહે છે. અહીં 600 ભેંસો, 50 ગાયો, 50 ઘેટાં બકરાં, 10 ઘોડા અને 40 જેટલા ઊંટ છે. મુખ્યત્વે અહીંના લોકો માલધારી છે અને પશુપાલનના વ્યવસાયમાં સંકળાયેલા છે. ફિલ્ટરેશન પ્લાન્ટ પણ આવેલું છે.તથા 30,000 લીટરની ક્ષમતાનું પાણીનો ટાંકો આવેલો છે.ઉપરાંત ગામમાં 100 ટકા સ્વચ્છ ભારત મિશનની અમલવારી પણ જોવા મળે છે તથા દરેક ઘરમાં શૌચલયની સુવિધા પણ ઉપલબ્ધ છે.

4G નેટવર્ક, ટેલિફોન એક્સચેન્જ, બ્રોડબેન્ડ ની સુવિધાઓ પણ ઉપલબ્ધ-
સરકારી શાળા પણ આવેલી છે જેમાં ડિજિટલ ક્લાસરૂમ પણ છે જ્યાં ધોરણ 10 સુધીનું અભ્યાસ કરાવવામાં આવે છે.ઉપરાંત ગામમાં સોલાર સ્ટ્રીટ લાઈટ, સીસી રોડ, ઘડુલી સાંતલપુર નેશનલ હાઈ વે પણ બની રહ્યું છે. ઉપરાંત ગામમાં 66 kv નું પાવર સબ સ્ટેશન પણ આવેલું છે. ટેલી કોમ્યુનિકેશન માટે BSNL, VODAFONE અને jioના 4G નેટવર્ક, ટેલિફોન એક્સચેન્જ, બ્રોડબેન્ડ ની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

ગામના લોકોને 100 ટકા રોજગારી-
ગામની બાજુમાં જ એક ખાનગી કંપની Agrocel આવેલી છે જે વર્ષોથી ગામના 350 જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે. અહીંના યુવાનો જે ઓછું ભણેલા છે તેમને પણ આ કંપનીમાં છેલ્લા 24 વર્ષથી ટ્રેનિંગ આપીને રોજગારી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ટુરિઝમ પણ આવકનો અન્ય સ્ત્રોત ગણી શકાય.રણોત્સવના સમયે, અહીંના લોકો તમામ મેનેજમેન્ટ કરીને, તથા હેન્ડિક્રાફ્ટની બનાવટોનું વેંચાણ કરીને, રિસોર્ટ દ્વારા, ગાઈડ બનીને, ઊંટ ગાડી ચલાવીને પણ રોજગારી મેળવી રહ્યા છે.

અહીં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ગેટવે ટુ રણ રિસોર્ટ પણ બનાવવામાં આવ્યું છે જેનું સંચાલન ધોરડો ગ્રામ પ્રવાસન વિકાસ સમિતિ કરે છે. ઉપરાંત અહીં 400 ટેન્ટનું ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે.ઉપરાંત ટ્રેડિશનલ બન્નીના 36 જેટલા ભુંગા સાથેનું તોરણ રિસોર્ટ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ ગામમાં અનેક ખાનગી રિસોર્ટ અને હોટલ પણ આવેલી છે.

કન્યા કેળવણી અંતર્ગત કન્યાઓને શિક્ષિત કરાઈ છે-
ધોરડો ગામના કલકારોને નેશનલ એવોર્ડ પણ મળ્યાં છે. અહીંની કળા પણ વિશ્વ સ્તરે પ્રસિદ્ધ છે. અહીં અનેક જાતની એબ્રોડરી વર્ક કરવામાં આવે છે ઉપરાંત પેચ વર્ક, લેધર વર્ક, મડ વર્ક વગેરે જેવી કળાનું કામ પણ અહીંના કલાકારો કરે છે.

અનેક મહાનુભાવો આ ગામની મુલાકાતે આવી ચૂક્યા છે-
આ ઉપરાંત ધોરડો ગામને સમરસ ગ્રામ યોજનાના અનેક વાર એવોર્ડ મળ્યા છે.તથા પ્રવાસન ક્ષેત્રના પણ અનેક એવોર્ડ મળ્યા છે. ધોરડો ગામને 2011માં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો પણ ખિતાબ મળ્યો છે. અહીં અનેકવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આનંદીબેન પટેલ, ઓ પી કોહલી, એ પી જે અબ્દુલ કલામ, હમીદ અન્સારી, અમિતાભ બચ્ચન, Seychelles ના Vice President, Great Britain ના High Commissioner, New Zealand ના High Commissioner તથા કચ્છ તથા ગુજરાતમાં રાજકીય તથા સામાજિક નેતાઓ અને અનેક દેશ વિદેશના પ્રવાસીઓ આ ગામની તથા રણોત્સવની મુલાકાતે આવી ચૂક્યા છે.તો હાલમાં G20 ની ત્રિદિવસીય બેઠક પણ અહીં યોજવામાં આવી હતી.

સરહદનું અંતિમ ગામ આજે પ્રથમ-
ધોરડો ગામના સરપંચ મિયાં હુસેન ભાઈએ જણાવ્યું હતું કે, ધોરડો ગામના લોકો માટે ગૌરવની વાત છે કે 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતની ઝાંખીમાં કચ્છને સ્થાન આપવામાં આવ્યું છે.સરહદનું છેવાડાનું ગામ આજે સૌથી આગળ આવ્યું છે જે એક ખુશીની વાત છે.ગામના વિકાસના કારણે UNWTO દ્વારા બેસ્ટ ટુરિઝમ એવોર્ડ આપવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ ખૂબ વિકાસના કાર્યો થશે.

કચ્છી કલાકારીગરો માટે ગૌરવની વાત-
રોગાન કારીગર આશિષ કંસારાએ જણાવ્યું હતું કે, 26મી જાન્યુઆરીના દિલ્હીના કર્તવ્યપથ પર યોજનારા કાર્યક્રમમાં ગુજરાતને સ્થાન મળ્યું છે અને તેમાં પણ કચ્છના ધોરડો અને કચ્છી હસ્ત કળાને સમાવવામાં આવ્યું છે જે ખૂબ જ ગૌરવની વાત છે.ખાસ કરીને જ્યારે કચ્છની 400 વર્ષ જૂની લુપ્ત થતી કળાને પણ આ ઝાંખીમા સમાવવામાં આવ્યું છે ત્યારે રોગાન કળાના કારીગરોમાં પણ ઉત્સાહ છે અને આના કારણે આ કળાને વધુ એક ઊંચાઈ મળશે.ઉલ્લેખનીય છે કે રોગાન કળાના કારીગરને પદ્મશ્રી એવોર્ડ મળ્યા બાદ આ કળા ફરીથી ઉજાગર થઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news