કોને મળશે ગુજરાત વિદ્યાપીઠની કમાન? ઈલા ભટ્ટના રાજીનામાં બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નામની ચર્ચા
નાદુરસ્ત તબિયતને કારણે વિદ્યાપીઠનાં કુલાધિપતિ પદેથી ઈલા ભટ્ટનું રાજીનામું, આચાર્ય દેવવ્રત બની શકે છે નવા કુલાધિપતિ. 8 વર્ષ 7 માસ સુધી કુલાધિપતિ રહ્યાં બાદ આપ્યું રાજીનામું. વિદ્યાપીઠના કુલાધિપતિ પદેથી રાજીનામું સ્વીકારવા અંગે આજે બેઠક
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ એ શિક્ષણ ક્ષેત્રે રાજ્યની ખુબ જ પ્રતિષ્ઠિત સંસ્થા છે. માત્ર ગુજરાત જ નહીં તેની ખ્યાતિ દેશ અને દુનિયાભરમાં પ્રસરેલી છે. એટલું જ નહીં આ સંસ્થાનો શૈક્ષણિક વારસો પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. હવે આટલી વિશાળ અને નામાંકિત સંસ્થાનું સંચાલન કરવાનું કામ પણ કંઈ સહેલું નથી. ત્યારે ખુબ જ કુશળતા પૂર્વક સંસ્થાનું સંચાલન કરનાર ઈલા ભટ્ટે તબિયત ઠીક ન હોવાને કારણે વિદ્યાપીઠનાં કુલાધિપતિ પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાત વિદ્યાપીઠનાં કુલાધિપતિ તરીકે ઈલાબેન ભટ્ટે રાજીનામું આપી દેતા ગાંધીવાદીઓમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. તેઓ 8 વર્ષ અને 7 મહિનાથી ગુજરત વિદ્યાપીઠના કુલાધિપતિ પદ પર રહ્યાં.
ઈલા ભટ્ટનું રાજીનામું સ્વીકારવા અંગે આજે મહત્ત્વની બેઠક મળશે. તેમનું રાજીનામું લેવું કે નહીં એ બાબતે ટ્રસ્ટી મંડળની આજે મળનારી બેઠક બાદ ફાઈનલ નિર્ણય લેવામાં આવશે. મહત્ત્વનું છેકે, ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ પદની જવાબદારી કોને સોંપવી તે અંગેનો નિર્ણય કમિટી દ્વારા લેવાય છે. ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળ દ્વારા કુલાધિપતિની નિમણૂક કરવામાં આવે છે. બીજી તરફ આગામી કુલાધિપતિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને જવાબદારી સોંપાઈ શકે છે. આચાર્ય દેવવ્રતના નામને લઈને આ મુદ્દે ચર્ચાએ જોર પકડ્યું છે.
મહત્ત્વનું છેકે, છેલ્લાં કેટલાક સમયથી ઈલાબેન ભટ્ટની તબિયત નાદુરસ્ત છે. તબિયત ઠીક ના હોવાથી તેમણે ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ પદેથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળ્યું છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે 7 માર્ચ, 2015થી ઇલાબેન ભટ્ટ નિયુક્ત હતાં. ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળે તેઓ ગાંધીવાદી હોવાથી તેમની પસંદગી કરી હતી, પરંતુ તેમની તબિયત લથડતાં તેઓ તેમની જવાબદારી નિભાવી શકે તેમ ન હોવાની લાગણી વ્યક્ત કરી તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાથી વિદ્યાપીઠ અને ગાંધીવાદી વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બની શકે છે નવા કુલાધિપતિ-
ઇલાબેન ભટ્ટે રાજીનામું આપી દેતા તેમના સ્થાને કોને કુલાધિપતિ તરીકે નીમવા તે બાબતે ગાંધીવાદીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટ્રસ્ટીઓએ પણ નવા નામની શોધ હાથ ધરી દીધી છે. સૂત્રોનું માનીએ તો નવા કુલાધિપતિ તરીકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ પણ ચર્ચાયું હતું. આગામી કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નામની ચર્ચા થઈ રહી છે. તેઓ આર્ય સમાજના ગુરુકુળ સાથે સંકળાયેલા હોવાથી વિદ્યાપીઠનો કાર્યભાર સારી રીતે નિભાવી શકે તેવું જણાતા તેમની પસંદગી થઈ શકે તેવી વાતો વહેતી થઈ છે. જોકે, આ દરમિયાન ગાંધીવાદીઓએ તેમના નામની ચર્ચાનો વિરોધ વ્યક્ત કરી પોતાની નારાજગી દર્શાવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે