મત્સ્ય ઉદ્યોગમાં ડીઝલ સબસીડી અને પુરતા ભાવ ન મળતાં હજારો માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર

મત્સ્ય ઉદ્યોગમાં ડીઝલ સબસીડી અને પુરતા ભાવ ન મળતાં હજારો માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર

ધવલ પારેખ, નવસારીઃ યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધ અને ચાઇનાની કોરોનાની સ્થિતિની અસર મત્સ્યોદ્યોગ ઉપર જોવા મળી રહી છે, ખાસ કરીને દરિયાઈ મેવાનાં ભાવ 50 થી 60 ટકા ઘટવા સાથે ત્રણ વર્ષોથી મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવેલા ટ્રોલર બોટમાં માછીમારોને હજી ડીઝલ સબસીડી નથી મળતી, જેને કારણે જીવના જોખમે દરિયો ખેડતા માછીમારોને આર્થિક સંકટના વાવાઝોડાને વેઠવું પડી રહ્યુ છે. જેથી નવસારી અને વલસાડના 1 હજાર બોટના માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી સરકાર પાસે રાહતની આશ રાખી બેઠક છે. 

નવસારી જિલ્લાને 52 કિમીનો દરિયા કિનારો છે અને કાંઠે રહેતા માછીમારો દરિયો ખેડવા મુંબઈના ભાઉચા ધક્કા અથવા પોરબંદર, ઓખા તરફ ટ્રોલર બોટ લઇને માછીમારી કરવા જતા હોય છે. પરંતુ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બનેલ ધોલાઈ બંદરેથી મચ્છીમારી કરવા માટે સ્થાનિક તંત્ર તેમજ સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતા કોરોના કાળથી 300 બોટના માછીમારોએ મહારાષ્ટ્રનું રજીસ્ટ્રેશન કેન્સલ કરાવી, ગુજરાતમાં વલસાડથી રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ માછીમારોને ડીઝલ સબસીડી મળતી નથી, વારંવારની સરકારમાં રજૂઆતો બાદ પણ સબસીડી ન મળતા ડીઝલનો ખર્ચો માછીમારોને અસહ્ય થઈ રહ્યો છે.

કારણ 15 થી 17 દિવસ સુધી દરિયામાં માછીમારી કરતી એક બોટને 2200 થી 2500 લીટર ડીઝલની ખપત થાય છે, જે 2 થી અઢી લાખ રૂપિયાનું પડે છે. જેની સાથે ખલાસીઓ અને કેપ્ટનના પગાર, રાશન, બરફ વગેરે મળીને 4 લાખ રૂપિયાની એક ફિશીંગ ટ્રીપ પડે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી દરિયાઈ મેવો પકડીને બંદર પર આવતા જ માછીમારોને નિરાશા મળે છે. કારણ માછલીઓના ભાવ 50 થી 60 ટકા ઓછા બોલાય છે અને આવકની સામે ખર્ચો વધી જાય છે. જેથી કંટાળીને નવસારી અને વલસાડના માછીમારોએ એક સંપ થઈ 1 હજાર ટ્રોલર બોટ બંદરે લાંગરી દીધી છે, જેમાં 300 બોટ ધોલાઈ બંદરે અને 700 બોટ મુંબઈ સ્થિત ભાઉચા ધક્કા ખાતે અચોક્કસ મુદ્દત માટે બાંધી હડતાળ પર ઉતર્યા છે. 

 

જીવના જોખમે દરિયાની કોઈપણ પરિસ્થિતમાં પાણી વચ્ચે 15 થી 17 દિવસ રહીને બંદરે આવતા માછીમારોને માછલીઓના યોગ્ય ભાવ મળતા નથી. જેને કારણે આર્થિક સંકટ સહન કરી રહેલા માછીમારોના મતે માછલીના ઓછા ભાવ મુદ્દે વેપારીઓ, સપ્લાયર્સ કે એક્સપોર્ટર્સની મોનોપોલી જવાબદાર હોવાનું અનુમાન છે. વેપારીઓ વિશ્વમાં રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધ તેમજ ચાઈનામાં કોટોનાની સ્થિતિને લઈ લદાયેલા પ્રતિબંધોને કારણે માછલી ભરેલા કન્ટેનર જતા ન હોવાથી માછલીનો ભરાવો કોલ્ડ સ્ટોરેજમાં વધ્યો છે. જેથી ભાવ 50 ટકા કે તેથી વધુ નીચે ઉતર્યા છે. જેથી 4 લાખના ખર્ચ સામે 2 થી અઢી લાખ આવક મળે છે. જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર માછીમારોની સમસ્યા સમજે અને ડીઝલ પર યોગ્ય પ્રમાણમાં સબસીડી જાહેર કરે અને માછલીના પોષણક્ષમ ભાવ અપાવે એવી આશા માછીમારો સેવી રહ્યા છે. સમગ્ર મુદ્દે માછીમારોની સમસ્યા સરકારના સંબંધિતો સુધી પહોંચવા માછી આગેવાનો ગાંધીનગરની મુલાકાત લેશે. 

ભારતમાં બીજા નંબરે મચ્છીમારીનો વ્યવસાય આવે છે. ખેડૂતોની જેમ જ દરિયાને ચીરીને માછલી કાઢી લાવતા માછીમારોની સ્થિતિ ડીઝલ સબસિડીમાં અભાવમાં દયનીય બની છે. કારણ 3600 થી વધુ પરિવારોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ થતા ટ્રોલર બોટના માછીમારો ધંધો ટકાવી રાખવા સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news