આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી આગાહી

Gujarat Monsoon Alert : આગામી 3 કલાક ગુજરાત માટે ભારે... બનાસકાંઠા, કચ્છ અને પાટણના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી 
 

આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી આગાહી

અમદાવાદ :આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં પણ આગામી 3 કલાક ગુજરાત માટે ભારે છે. હવામાન વિભાગે લોકોને ચેતવી દીધા છે. બનાસકાંઠા, કચ્છ અને પાટણના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ત્યારે ગુજરાતીઓએ આગામી 3 કલાક સાવચેતી રાખવાની જરૂર છે. તો બીજી તરફ, વરસાદના આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 4 કલાકમાં 163 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં સાડા પાંચ ઈંચ, તો પાલનપુર-સૂઈગામમાં 3-3 વરસાદ વરસ્યો છે. 

સવારથી 4 કલાકમાં 163 તાલુકામાં વરસાદ તૂટી પડ્યો
લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં છેલ્લા 4 કલાકમાં 163 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં સાડા પાંચ ઈંચ અને પાલનપુર અને સૂઈગામમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં પણ 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુજરાતના 15 તાલુકામાં 2-2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો 20 તાલુકામાં 1-1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. 

વલસાડમાં 27 રસ્તાઓ બંધ 
વલસાડ જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે. પવન સાથે જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે. ઉપરવાસમાં વરસાદને કારણે જિલ્લાના 27 રસ્તા આજે પણ બંધ છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કપરાડા, ધરમપુર, અને વલસાડના રસ્તાઓ બંધ છે. ઓવરટોપિંગના કારણે આજે પણ રસ્તાઓ બંધ રાખવાની તંત્રને ફરજ પડી છે. વલસાડ શહેરમાં પણ વરસાદને કારણે અનેક અંડરપાસમાં પાણીનો ભરાવો થયો છે. ઔરંગા, પાર, કોલક, અને દમણગંગા નદીના ઉપરવાસ વરસાદને કારણે લો લેવલના બ્રિજ ડૂબ્યા છે.

ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા 7 જિલ્લાને અસર
બીજી બાજુ મહેસાણાના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 6695 ક્યુસેક પાણી છોડવામાં આવતા તંત્ર એલર્ટ પર મૂકાયુ છે. ધરોઈ ડેમમાં પાણીની આવકને ધ્યાનમાં રાખીને પાણી છોડવામાં આવ્યું છે. આ બાજુ પાણીનુ સ્તર વધતા 7 જિલ્લાઓને અલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાને તાકીદે જાણ કરાઈ છે. 7 જિલ્લાના કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. હાલ ડેમની જળ સપાટી 617.15 ફુટે પહોંચી છે, હાલ ડેમમાં 81.81  ટકા પાણીનો જથ્થો છે. ત્યારે હજુ પણ ડેમમાં પાણીનો જથ્થો વધવાની શક્યતાની છે. હાલ ડેમમાં પ્રતિ સેકન્ડ 1 લાખ 12 હજાર 33 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news