દોઢ મહિનો રાજકારણમાંથી ગાયબ રહેલા ગુજરાત સરકારના મંત્રી અચાનક સામે આવ્યા, આપ્યું કારણ

Gujarat Fisheries Minister Parasottam Solanki : દોઢ મહિનો બીમારી સામે લડી ઘરે આવ્યા ગુજરાતના મત્સ્યોદ્યોગમંત્રી પુરુષોત્તમ સોલંકી, કહ્યું-જિંદગી દાવ પર લગાવી દઈશ, પણ કોઈને દુઃખી નહીં થવા દઉં, પુરુષોત્તમ સોલંકી વીક થયા નથી, હજુ મજબૂત છે
 

દોઢ મહિનો રાજકારણમાંથી ગાયબ રહેલા ગુજરાત સરકારના મંત્રી અચાનક સામે આવ્યા, આપ્યું કારણ

Gandhinagar News : ગજરાત સરકારમાં મત્સ્યોદ્યોગ વિભાગનો હવાલો સંભાળતા રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીનો ગઇકાલે ગાંધીનગર ખાતે જન્મદિવસ ઊજવવામાં આવ્યો હતો. કદાવર કોળી નેતાના આ 64મા જન્મદિવસની ઉજવણી ગાંધીનગર સ્થિત મંત્રી આવાસમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને યુવાનો ઊમટી પડ્યા હતા.

આપણે કોઈથી ડરવાનું શીખ્યા નથી.. કોઈથી ડર્યો નથી
દોઢ મહિનો રાજકારણમાંથી ગાયબ રહેલા રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના આગેવાન પુરુષોત્તમ સોલંકીએ જાહેરમાં આવીને હુંકાર કર્યો હતો. પરસોત્તમ સોલંકીએ 64 મા જન્મદિવસે ઉજવણી દરમિયાન નિવેદન આપતા કહ્યું કે, તમને લાગતું હશે કે હું વીક છું, પણ દોઢ મહિનો સારવાર કરીને પાછો આવી ગયો છું. આપણે કોઈને નડવુ નથી. મારા દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે. ભાવનગર નહિ, તો ગાંધીનગરના દરવાજા કાયમી ખુલ્લા છે. કોઈને તકલીફ હોય તો પરસોત્તમ સોલંકીનો દરવાજો હંમેશા ખુલ્લો છે. આપણે કોઈથી ડરવાનું શીખ્યા નથી.. કોઈથી ડર્યો નથી. 

તમારા આર્શીવાદથી પાછો આવ્યો છું - પરસોત્તમ સોલંકી
પુરુષોત્તમ સોલંકીએ કહ્યું હતું કે, બધાને લાગતું હશે કે પુરુષોત્તમભાઈ વીક થઈ ગયા. મારે હમણાં દોઢ મહિનો સ્ટર્લિંગ હોસ્પિટલ અને લીલાવતી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું, કેમ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી. ડોક્ટર્સે પણ જવાબ આપી દીધો હતો, પણ તમારા આશીર્વાદથી પાછો આવ્યો છું. હું ઘણીવાર વિચારું કે મેં એવાં કયાં કામ કર્યાં છે એ મને નથી સમજાતું, પણ સારું છે કે એ સમજાતું નથી, નહીં તો અભિમાન આવી જાય. મારી સામે જે આવે તેનો હું સામનો કરું છું, લડું છું.

કોઈને તકલીફ હોય તો પુરુષોત્તમ સોલંકીના બંગલાનો દરવાજો ખુલ્લો રહેશે
તેમણે આગળ કહ્યું હતું કે, કોઈથી ડરવાનું શીખ્યો નથી અને ડરતા આવડતું નથી. કુદરતની મહેરબાની છે કે આટલી તબિયત ખરાબ હોવા છતાં તમને આજે એટલે બોલાવ્યા છે કે પુરુષોત્તમ સોલંકી હજુ મજબૂત છે. જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તમારા બધાના આશીર્વાદ લઈશ એવી પ્રાર્થના કરું છું. આવનારા દિવસોમાં કોઈને તકલીફ હોય તો પુરુષોત્તમ સોલંકીના બંગલાનો દરવાજા ખુલ્લો રહેશે, કોઈ ચિંતા કરતા નહીં. મારું જીવન દાવ પર લગાવવું પડશે તો દાવ પર લગાવીશું, પણ કોઈને દુઃખી નહીં થવા દઉં. એનાથી બીજું મને કંઈ નથી જોઈતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news