ફરીથી મેઘરાજા ગુજરાતમાં ધોધમાર વરસશે, આગામી પાંચ દિવસ જાણો કયા કેવી રહેશે સ્થિતિ
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 21 અને 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે, ભારે વરસાદની આગાહી નથી.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. જોકે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. અમુક જગ્યાઓ પર હળવો વરસાદ પણ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ બને તેવી આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. આ દરમિયાન ગુજરાતના અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 21 અને 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરી વધશે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે, ભારે વરસાદની આગાહી નથી. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 21 અને 22 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરાતા ધરતીપુત્રોમાં ફફડાટ ફેલાયો છે. હજુ માંડ માંડ વરસાદ બંધ થયો છે, એવામાં ફરીથી ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. મેઘરાજા ફરીથી દક્ષિણ ગુજરાતને વરસાદથી તરબોડ કરશે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 23 અને 24 તારીખે અતિભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં 23 જુલાઈના રોજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં પણ 23 તારીખે અતિભારે વરસાદની આગાહી છે.
પરંતુ હવામાન વિભાગે 23 અને 24 જુલાઈના રોજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. 22 જુલાઇએ સુરત, વલસાડ, ડાંગમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 23 અને 24 તારીખે હવામાન વિભાગે રાજ્યના દરિયાકાંઠાઓને સતર્ક કર્યા છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, રાજ્યમાં હાલ 459 mm વરસાદ નોંધાયો છે. એટલે કે એવું કહી શકાય કે સીઝનનો અડધો અડદ વરસાદ પડી ગયો છે. હકીકતમાં જુલાઈમાં અત્યાર સુધીમાં 275 mm જ વરસાદ નોંધાવો જોઈએ. પરંતુ હા... દાહોદ અને ગાંધીનગરમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી છે, ત્યાં હજી જોઈએ એવો વરસાદ પડ્યો નથી.
કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો?
રાજ્યના કચ્છ ઝોનમાં સીઝનનો 104 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 57.77 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 74.17 ટકા વરસાદ પડ્યો છે. બીજી તરફ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 74.17 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 32.65 ટકા વરસાદ અત્યારસુધીમાં પડ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો 58 ટકા વરસાદ વરસ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે