અમને સરકાર અને તેમની સિસ્ટમ પર ભરોસો નથી, અઢી વર્ષથી અધિકારીઓ ઉંઘતા હતાઃ HC

Rajkot Fire Incident: રાજકોટમાં આવેલા ટીઆરપી મોલમાં આવેલા ગેમઝોનમાં શનિવારે ભયાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 28 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાની સુનાવણી હાઈકોર્ટમાં થઈ હતી. કોર્ટે સરકારને આકરા સવાલો પૂછ્યા હતા. 

અમને સરકાર અને તેમની સિસ્ટમ પર ભરોસો નથી, અઢી વર્ષથી અધિકારીઓ ઉંઘતા હતાઃ HC

અમદાવાદઃ Gujarat High Court on Rajkot Fire Incident: ગુજરાતમાં રાજકોટ આગની ઘટના પર હાઈકોર્ટે કડક ટિપ્પણીઓ કરી છે. કોર્ટે આ ઘટના પર કહ્યું છે કે અમને સરકાર અને સિસ્ટમમાં વિશ્વાસ નથી. ગુજરાત હાઈકોર્ટે પૂછ્યું કે આ અકસ્માત માટે જવાબદાર કોણ? હાઈકોર્ટમાં સાડા 4 કલાક સુનાવણી ચાલી હતી. હાઈકોર્ટે કહ્યું કે તમામ આદેશો પસાર કર્યા પછી પણ અકસ્માતો થઈ રહ્યા છે.

ગુજરાત હાઈકોર્ટે રાજકોટ ગેમ ઝોનની ઘટનાને લઈને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો લીધા બાદ સુનાવણી દરમિયાન જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચે કહ્યું કે 28 લોકોના મોત હત્યાથી ઓછા નથી. હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે અમને સરકાર અને તેમની સાથે સંકળાયેલા તંત્ર પર બિલકુલ વિશ્વાસ નથી. ગુજરાત હાઈકોર્ટે 26મી મેના રોજ રાજકોટમાં લાગેલી આગની ઘટનાની સુઓ મોટો લીધી છે અને કહ્યું હતું કે આ માનવસર્જિત દુર્ઘટના છે. હાઈકોર્ટમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલો હાજર રહ્યાં હતા.

મશીનરીના ટ્રીગરથી લોકો મરી રહ્યા છે. હવે અમને સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર પર વિશ્વાસ નથી, તમે આંધળા થઈ ગયા હતા. આ બધું અઢી વર્ષથી ચાલતું હતું તો શું અધિકારીઓ ઉંઘતા હતા.

બધા આદેશો પછી અકસ્માતો શા માટે?
સુનાવણી દરમિયાન જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે પૂછ્યું હતું કે આ અકસ્માત માટે કોણ જવાબદાર છે. કોર્ટે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં અમે કેટલા ઓર્ડર પાસ કર્યા છે. જવાબદાર અધિકારીઓ શું સૂઈ ગયા હતા. રાજકોટના ઉચ્ચ અધિકારીઓ ટીઆરપી ગેમ ઝોનમાં જતા હોવાનો મુદ્દો પણ કોર્ટે ઉઠાવ્યો છે. હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું કે ઘટના સ્થળની સફાઈ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આરોપીઓ સામે પુરાવા કેવી રીતે એકત્રિત કરીશું? જેસીબીથી કાટમાળની સફાઈ મામલે પણ તંત્રની આકરી ઝાટકણી કઢાઈ હતી. 

7 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે રાજકોટ ગેમ ઝોન અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને વ્યક્તિગત નિરીક્ષણ કર્યું હતું. જે બાદ મુખ્યમંત્રીએ આ ગંભીર ઘટના માટે જવાબદારો સામે કડક શિક્ષાત્મક પગલાં લેવા સૂચના આપી હતી. આ પછી રાજ્ય સરકારે 7 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. પોલીસ વિભાગના અધિકારીઓ પણ તેમાં છે. આ ઘટનાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે. SIT 72 કલાકમાં પોતાનો પહેલો રિપોર્ટ આપશે. રાજકોટ પોલીસે અકસ્માત માટે જવાબદાર છ લોકો સામે ગુનો નોંધ્યો છે અને પોલીસે માત્ર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news