ગુજરાતમાં ફરવા માટે ઢગલો જગ્યા છે! આ 48 ઈકો ટુરિઝમ સાઈટના લિસ્ટ પર પહેલા નજર દોડાવો
Gujarat's Eco Tourism Tires : ગુજરાતની ઇકો ટુરિઝમ સાઇટ- અભયારણ્ય પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર... દેશભરના પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે ગુજરાતમાં ૪૮ ઇકો ટુરિઝમ સાઇટ... આ પૈકી ૨૫ સાઇટ ખાતે રહેવા- જમવાની સુવિધા પણ ઉપલબ્ધ
Trending Photos
Gujarat Tourism : છેલ્લા કેટલાક દાયકાથી ગુજરાત વન્યપ્રાણીઓ અને પક્ષીઓના રહેઠાણ માટે સુરક્ષિત સ્થળ સાબિત થયું છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનની સાથે- સાથે પ્રવાસન ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવાના ઉમદા હેતુથી અભયારણ્યનો ૩૬૦ ડિગ્રી વિકાસ થયો છે.
પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણો:
- જાંબુઘોડા ૧૩૦ ચો.કિ.મી. અને રતન મહાલ રીંછ અભયારણ્ય ૫૫ ચો. કિ.મી.માં છે વિસ્તરેલું છે.
- પ્રવાસીઓ માટે ભાટ ઇકો ટુરિઝમ સેન્ટરમાં ૧૬ કિ.મી. તેમજ રતન મહાલ રીંછ અભયારણ્યમાં ૦૮ કિ.મી.ની જંગલ ટ્રેઇલ રાઇડની વિવિધ સ્લોટમાં ઉપલબ્ધ સુવિધા
- અભયારણ્યમાં રીંછ, દીપડો તેમજ સ્થાનિક - વિદેશી પક્ષીઓ જોવાનો પણ અદભૂત લ્હાવો
- આ સાઇટનું સંચાલન સ્થાનિકો દ્વારા બનેલી ઇકો ડેવલપમેન્ટ સોસાયટી મારફતે કરવામાં આવે છે
ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને વન રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં પર્યાવરણ અને વન્ય જીવનના સમૃદ્ધ વારસા રૂપે કુલ ૪૮ ઇકો ટુરિઝમ સાઇટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પૈકી ૨૫ સાઇટ ખાતે પ્રવાસીઓ માટે રહેવા- જમવાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે. આ સાઇટનું સંચાલન સ્થાનિક નાગરિકો દ્વારા બનેલી ઇકો ડેવલપમેન્ટ સોસાયટી મારફતે કરવામાં આવે છે. ઇકો ટુરીઝમ સાઇટ દ્વારા જંગલ વિસ્તારનું જવાબદારી પૂર્વક પરિભ્રમણ કરાવવામાં આવે છે. જેના પરિણામે સ્થાનિક લોકોની આવકમાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. આ પ્રકારના ઇકો ટુરીઝમ સાઈટ દ્વારા ફક્ત પ્રકૃતિ જ નહીં, પરંતુ સ્થાનિક નાગરિકોની સમૃદ્ધિમાં પણ સુધારો જોવા મળે છે.
ગુજરાતમાં રહેવા – જમવાની સુવિધા સાથેની ઇકો-ટુરીઝમ સાઇટની માહિતી
વન વિભાગ | રેંજ | ઇકો-ટુરીઝમ સાઇટનુ નામ | સંપર્ક |
ડાંગ ઉત્તર | કાલીબેલ | મહાલકેમ્પ સાઇટ | ૯૪૨૬૩૨૨૨૩૨ |
ડાંગ દક્ષિણ | આહવા પૂર્વ | દેવીનામાળ | ૭૮૭૪૬૯૩૧૩૯ |
વાંસદા ને.પા., | નવતાડ | કિલાદ | ૭૦૪૬૨૫૬૧૦૩ |
સુરત | માંડવી દક્ષિણ | જેતપુર-કેવડીડેમ સાઇટ | ૯૯૨૫૧૭૯૮૨૭ |
વડપાડા | દેવઘાટ | ૯૭૨૬૫૭૬૯૯૫ | |
વ્યારા | ઉનાઇ | પદમડુંગરી | ૮૨૦૦૭૯૩૬૮૮ |
વ્યારા | આમણીયા (આંબાપાણી) | ૯૫૭૪૪૫૯૭૦૨ | |
વ.પ્રા.વિભાગ | વડોદરા | જાંબુઘોડા ધનપુરી | ૯૭૨૬૪૦૭૯૪૬ |
શિવરાજપુર | ભાટ | ૯૯૭૯૪૧૭૦૭૨ | |
તરગોળ | ૯૯૭૯૪૧૭૦૭૨ | ||
વઢવાણા | ૯૯૭૯૪૧૭૦૭૨ | ||
કંજેટા | નલધા | ||
ઉધલમહુડા | ૮૧૬૦૭૮૯૬૫૩ | ||
નર્મદા વન વિભાગ | સોરાપાડા | કુનબાર | |
રૂખલ | |||
સાગબારા | દેવમોગરા | ||
સગાઈ | સગાઈ-સામોટ | ૯૬૮૭૪૭૩૭૫૯ | |
રાજપીપલા | વિશાલખાડી | ૭૦૧૬૮૬૧૫૬૭ | |
છોટાઉદેપુર | છોટાઉદેપુર | ઇકોટુરીઝમ સેન્ટર-કેવડી | ૭૫૭૨૯૪૮૨૮૩ |
ગોધરા | ગોધરા પશ્ચિમ | સામલી | |
મહીસાગર | ખાનપુર | કલેશ્વરી-લવાણા | ૭૩૫૯૨૫૮૧૫૨ |
બનાસકાંઠા | વન વિભાગ પાલનપુર | બાલારામ ઉજાણીગૃહ કેમ્પ સાઇટ | |
વન્યજીવ ઇકબાલગઢ | વેરાકેમ્પ સાઇટ | ૯૭૨૬૪૯૨૯૬૭ | |
સાબરકાંઠા | ધોલવાણી | પોળોકેમ્પ સાઇટ અભાપુર | ૯૯૦૪૧૨૦૫૫૧ |
ભાવનગર | ભાવનગર | હાથબ | ૭૩૫૯૭૫૭૬૭૭ |
જ્યારે વલસાડ જિલ્લાની વાંસદા, અજમલગઢ, દાંડી, ઉભરાટ અને સહ્યાદ્રી સૃષ્ટિ, ડાંગની મહાલ કેમ્પ સાઇટ, માયાદેવી કાકરદા, પંપા સરોવર જારસોળ, ડોન હિલ સ્ટેશન, અંજનકુંડ, ગ્રીન સાપુતારા, પાંડવા, માલેગામ અને બોરખલ, સુરતની બણભા ડુંગર, ભરૂચની કબીરવડ, ધ્રાંગધ્રાની બજાણા અને નરાળી, સાણંદની નળસરોવર પક્ષી અભયારણ્ય અને થોળ પક્ષી અભયારણ્ય. ઉપરાંત ભાવનગર જિલ્લાની વેળાવદર, જામનગરની નરારા, ખીજડીયા પક્ષી અભયારણ્ય, ભાડુ કેમ્પ સાઇટ અને પોશીત્રા તેમજ પાટણની કોડધા ઇકો ટુરિઝમ સાઈટ ઉપર ફકત વન્ય પ્રાણીઓને નિહાળી શકાય તથા પ્રાકૃતિક શિક્ષણ મેળવી શકાય તેવા ઉમદા હેતુથી બનાવવામાં આવી છે. આ સાઇટના માધ્યમથી પ્રવાસીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને સંવેદનશીલતામાં વધારો થયો છે અને સ્થાનિક નાગરિકોની આવકમાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાયો છે.
આ ઉપરાંત ‘જાંબુઘોડા અને રતન મહાલ રીંછ અભયારણ્ય’ તેમજ ‘ભાટ ઇકો ટુરીઝમ સેન્ટર’ દેશભરના પ્રવાસીઓ માટે નવીન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અભયારણ્યની વાત કરીએ તો, જાંબુઘોડા અભયારણ્ય પંચમહાલ- છોટા ઉદેપુર જિલ્લા, ભાટ ઇકો ટુરિઝમ સેન્ટર પંચમહાલ જિલ્લા તેમજ રતન મહાલ રીંછ અભયારણ્ય દાહોદ જિલ્લામાં આવેલું છે. આ અભયારણ્યો મુખ્યત્વે પ્રાકૃતિ સૌંદર્ય, જૈવવિવિધતાથી મદદગાર થવા તેમજ પ્રકૃતિના સંવર્ધન સાથે વધારે સારી રીતે જોડાઈ શકે, તે માટે પ્રખ્યાત છે.
જાંબુઘોડા અભયારણ્ય પંચમહાલ તથા છોટા ઉદેપુર એમ બે જિલ્લાઓમાં આવેલું છે, જે કુલ ૧૩૦.૩૮ ચો.કિ.મી.માં ફેલાયેલું છે. જાંબુઘોડા અભયારણ્યના શિવરાજપુર રેન્જ અંતર્ગત આવેલું ભાટ ઇકો ટુરિઝમ સેન્ટરથી ઘાઘલમાત વ્યુ પોઈન્ટ સુધી ૧૬ કિ.મી.ના વિસ્તારમાં નેચર ટ્રેઈલ રૂટ બનાવવામાં આવ્યો છે. જેમાં પ્રવાસીઓને ખુલ્લી જિપ્સી ગાડીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ જંગલ ટ્રેઈલ પ્રવાસીઓ ખુલ્લી ગાડીમાં બેસીને પ્રાકૃતિક સૌંદર્યને નિહાળે છે. ઉપરાંત આ માર્ગમાં જોવા મળતી વિવિધ વનસ્પતિઓ- વૃક્ષો જેવા કે સાગ, સાદડ, બોંડારો, મહુડા, સીમળા, કેસુડાં, કડાયો, ગૂગળ, ચારોલી, જાંબૂ, ધાવડા,સેવન, આમળા વગેરે જંગલમાં જોવા મળતા વૃક્ષોનો આનંદ અને માહિતી જાણવા મળે છે. સાથેસાથે આ રૂટ ઘાઢ જંગલ વચ્ચેથી પસાર થતો હોવાથી હોર્નબીલ, બારબેટ, પેરાડાઈઝ, ફ્લાયકેચર, કલકલલિયો, ડ્રોંગો તેમજ તૃણાહારી પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. જે પ્રવાસીઓને પક્ષી અને પર્યાવરણનું જતન કરવા તરફ ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે.
જ્યારે રતન મહાલ રીંછ અભયારણ્ય કુલ ૫૫.૫૬ ચો.કિ.મી.ના વિસ્તારમાં ફેલાયેલું પાનખર જંગલ છે જે ઓરસંગ અને પાનમ નદીના વચ્ચે આવેલું છે. સાથોસાથ પ્રવાસીઓ માટે એક જંગલ ટ્રેઇલ રૂટ પણ વિકસાવવામાં આવ્યો છે જેમા સ્થાનિકો દ્વારા સંચાલિત આકર્ષક ખુલ્લી જિપ્સીમાં પ્રવાસીઓ અભયારણ્યના મુખ્ય પ્રવેશ દ્વારથી ૦૮ કી.મી.નો રૂટ ઉપર રોમાંચક સફર કરાવવામાં આવે છે. જેમાં અહીયા જોવા મળતી વન્ય પ્રાણી- પક્ષીઓ, વનસ્પતિની વિવિધતા તથા તેનું પ્રાકૃતિક સૌંદર્ય સારી રીતે નિહાળી- અનુભવી શકાય છે.
રતન મહાલ, જાંબુઘોડા અભયારણ્ય તેમજ નેચર સફારીની ખાસ વિશેષતા
આ અભયારણ્યમાં સસ્તન અને સરીસૃપ પ્રાણીઓ તેમજ વિવિધ પ્રકારના પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે. આ જંગલમાં અથવા અભ્યારણ્યમાં રીંછ, દીપડો, જંગલી બિલાડી, ઝરખ, શિયાળ, માકડાં, સસલાં, નોળિયો, શાહુડી જેવાં સસ્તન પ્રાણીઓ ઉપરાંત સરીસૃપ વર્ગમાં આવતાં સાપ, અજગર, ધામણ, ઘો, નાગ, કાચીંડા પણ જોવા મળે છે. આ સિવાય અહીંયા વિવિધ પ્રકારના રંગબેરંગી સ્થાનિક અને યાયાવર પક્ષીઓ પણ વિચરતા જોઈ શકાય છે. જેમાં લક્કડખોદ, ભીમરાજ, તેતર, ઘુવડ, હરિયાલ, બાજ, સમડી વગેરે પક્ષીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાટ ઇકો ટુરીઝમ સેન્ટરથી જાંબુઘોડા અભયારણ્યની મુલાકાત માટે સવારે ૦૬ થી ૧૧ કલાક અને બપોરે ૦૩:૩૦થી સાંજે ૦૫:૩૦ કલાક સુધી પ્રવાસીઓને ખુલ્લી જિપ્સીમાં જંગલ ટ્રેઇલ કરાવવામાં આવે છે. પ્રવાસીઓ આ અંગે વધુ વિગતો માટે વડોદરા વન્યજીવ વિભાગ, પરિક્ષેત્ર વન અધિકારી શિવરાજપુરના મો. નં. ૯૯૭૯૪ ૧૭૦૭૨/ ૯૫૮૬૧ ૮૨૯૧૨/ ૬૩૫૨૦ ૮૩૧૧૭/ ૯૬૮૭૪ ૦૮૭૭૭ પર સંપર્ક કરી શકે છે.
આ ઉપરાંત રતન મહાલ અભયારણ્યમાં સવારે ૦૬ થી ૧૦ કલાકે અને સાંજે ૦૪ થી ૦૬ કલાક સુધી જંગલ ટ્રેઇલ રાઈડ કરાવવામાં આવે છે જેમાં વધુ વિગતો માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર કંજેટા, દાહોદનો સંપર્ક કરી શકાય છે. પ્રવાસીઓએ આ વિવિધતા સભર અભયારણ્યની મુલાકાત લેવા વન વિભાગની યાદીમાં અનુરોધ કરાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે