આફતના માવઠા સામે ગુજરાત સરકારે કરી ખેડૂતોને વળતરની જાહેરાત
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં ત્રણ દિવસ થયેલા વાતાવરણના પલટની સૌથી મોટી અસર ગુજરાતના ખેડૂતો પર પડી છે. કમોસમી વરસાદે તેમની કામણી છીનવી લીધી છે. ગુજરાતભરમાં ખેતરનો ઉભો પાક પલળી ગયો છે, જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આવામાં રાજ્ય સરકારે ખેડૂતો માટે વળતરની જાહેરાત કરી છે. ભરૂચમાં યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નુકસાની અંગે નિવેદન આપતા કહ્યું કે, રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાનીનો સરવે કરાશે. રાજ્યમાં 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સરવે કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.
ગુજરાતમાં આજે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનો ત્રીજો દિવસ છે. ત્રણ દિવસના વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો ડાંગના વઘઈમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો નોંધાયો છે. તો બીજી તરફ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 142 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. વામાનના પલટાની સીધી અસર ખેડૂતો પર પડી છે. ખેતરોમાં ઉભો પાક અને યાર્ડમાં પડેલો માલ પલળતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. આવામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને માવઠાથી ભોગવવી પડતી પાક નુકસાનીના મામલે સહાય આપવામાં આવે તેવી ગુજરાતભરના ખેડૂતો દ્વારા માંગ ઉઠી હતી. તો બીજી તરફ, વિપક્ષ દ્વારા પણ ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવે તેવુ કહેવાયુ હતું. વાતાવરણમાં આવેલા મોટા ફેરફારથી ધઉં, કપાસ, જીરુ, ઘાણા, ફળ તથા શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
જામનગરના ગ્રામ્ય પંથકમાં પણ ગઈકાલે પડેલા કમોસમી વરસાદ અને માવઠાથી હાલ શિયાળાના સમયમાં મગફળી કપાસ જીરું અને અજમો સહિતના પાકમાં નુકસાન વેઠવાનો વારો ખેડૂતોનો આવ્યો છે. ત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે અને જામનગરમાં ચાલુ વર્ષે પણ અતિ ભારે વરસાદથી ખેડૂતોએ પાક નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. આવામાં હવે કમોસમી વરસાદ અને માવઠાથી શિયાળુ પાકમાં પણ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે.
છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે અને સાથે ધુમ્મસ નીકળતાં ધરતીપુત્રો ચિંતામાં મૂકાયા છે. હાલ ખેતરોમાં ઘઉ, ધાણા, જીરૂ, કપાસ, ચણા અને તુવેર જેવા પાકોનું વાવેતર થયું છે. હાલ આ ખેતી પાકોમાં કોઈ નુકશાન જોવા નથી મળી, પરંતુ વાતાવરણ જો આમને આમ રહ્યું અને માવઠું થશે તો ખેતી પાકોમાં રોગ કે જીવાત આવે અને પાકને કોઈ નુકશાન થવાની સંભાવના રહેલી છે.
આફતનું માવઠું
દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં શાકભાજી, ડાંગર, ફળો, શેરડીના પાકોને નુકશાન થઈ શકે છે. આ સ્થિતિ વચ્ચે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ કહ્યું કે, ક્રિકેટના ગ્રાઉન્ડ ઢંકાયેલા છે અને મંડળીના ગોડાઉન ખુલ્લા છે, આવામાં નુકશાન તો ખેડૂતોએ વેઠવું જ પડે. કુદરત સામે ખેડૂત અને સરકાર લાચાર છે. છેલ્લા ત્રણ ચાર વરસથી ખેડૂતોની હાલત દયનીય બની છે અને ફરી એકવાર આફતનું માવઠું આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે