રણ જેવા બનેલા અમદાવાદના તળાવોને મળશે જીવનદાન, રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવોનો વિકાસ કરાશે
Trending Photos
અમદાવાદ :1 ઓગસ્ટે મુખ્યમંત્રીએ અમદાવાદના નાગરિકો માટે મહત્વની જાહેરાત કરી છે. અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપમેન્ટ – જનહિત વિકાસ કામો માટે ફાળવ્યા છે. સિટી બ્યુટીફિકેશન – લેક ડેવલપમેન્ટ અન્વયે અત્યાર સુધી રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને 21 તળાવો ફાળવ્યા છે, વધારાના આ 81 તળાવો સાથે કુલ 102 તળાવો રાજ્ય સરકાર દ્વારા ફાળવાયા છે.
પર્યાવરણ જાળવણી સાથે ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા અને નગરજનો માટે હરવા ફરવાના સ્થળો વિકસાવી ઈઝ ઓફ લિવિંગ વધારવાની રાજ્ય સરકારની નેમ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને લેક ડેવલપમેન્ટના જનહિત વિકાસ કામો માટે ફાળવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા આવા સરકાર હસ્તકના તળાવો મહાનગરપાલિકાને ફાળવીને શહેરીજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા જનહિત વિકાસ કામો વ્યાપક પ્રમાણમાં હાથ ધરાય તેવો દ્રષ્ટિવંત અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે.
મુખ્યમંત્રીએ જે 81 તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે. તેમાં મુખ્યત્વે રામોલના 11, વટવાના 10, વસ્ત્રાલના 7, નારોલના 5, રાણીપના 3, નિકોલના ૩, ભાડજ અને હાથીજણના 2-2, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના 1-1 વગેરે તળાવોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તળાવો મહાનગર પાલિકાને ફાળવતાં અમદાવાદ મહાનગર પાલિકા હવે લેક ડેવલપમેન્ટથી નાગરિકોને હરવા-ફરવાના સ્થળ તરીકે ૮૧ તળાવોનો વિકાસ કરશે. તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદના સાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પિચીંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટીંગફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગર પાલિકા હાથ ધરશે.
એટલું જ નહીં, આ તળાવો બારેય માસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રી-યુઝ કરી શકાય તે માટે મિની સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે. પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે.
અમદાવાદ મહાનગર પાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી ૧૫મા નાણાં પંચની ગ્રાન્ટ, અમૃત મિશન ગ્રાન્ટ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વગેરેમાંથી આ તળાવોનો વિકાસ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં રાજ્ય સરકાર હસ્તકના અને અમદાવાદ મહાનગર પાલિકા હદ વિસ્તારના ૨૧ તળાવો સરકારે કોર્પોરેશનને વિકાસ માટે ફાળવેલા છે.
હવે વધુ ૮૧ તળાવો જે રાજ્ય સરકાર હસ્તકના છે અને એ.એમ.સી હદ વિસ્તારમાં આવેલા છે, તેને પણ લેક ડેવલપમેન્ટ માટે મહાનગર પાલિકાને ફાળવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાને ૧૦૨ તળાવો રાજ્ય સરકાર દ્વારા લેક ડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવ્યા છે. આના પરિણામે અમદાવાદ મહાનગરમાં પર્યાવરણ જાળવણી સાથે નાગરિકોના ઇઝ ઓફ લિવીંગમાં પણ વૃદ્ધિ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે