ગુજરાતનો સૌથી સુંદર બીચ ખતરામાં, ગમે ત્યારે ડૂબી જશે તેવો રિપોર્ટમાં ખુલાસો

Shivrajpur Beach Sinking : દેશમાં ગુજરાતના દરિયાઈ કાંઠો પર  સૌથી મોટું જોખમ... ગુજરાતનો સૌથી સુંદર શિવરાજપુર બીચ ગાયબ થશે!... દરિયાકાંઠા વિસ્તારમાં 32,692 સ્ક્વેર મીટરનું ધોવાણ... 2,396 સ્ક્વેર મીટરમાં કાદવ-કીચડ ભરાયો છે
 

ગુજરાતનો સૌથી સુંદર બીચ ખતરામાં, ગમે ત્યારે ડૂબી જશે તેવો રિપોર્ટમાં ખુલાસો

Gujarat Sinking : રાજ્યસભામાં સરકારના જવાબ પર કોંગ્રેસ ગંભીર આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસે કહ્યું કે ગુજરાતના સુંદર દરિયાકિનારાના સુંદર બીચ ખતરામાં છે. ગુજરાતનો સુંદર શિવરાજપુર બીચ આવનારી પેઢી માટે નામશેષ કે ગાયબ થઈ જશે. કારણ કે 32 હજાર 692 સ્ક્વેર મીટરનું ધોવાણ થઈ ચૂક્યું છે. જ્યારે 2 હજાર 396 સ્ક્વેર મીટરમાં કાદવ-કીચડ ભરાયેલો છે. દેશમાં સૌથી વધારે ગુજરાતમાં 537.5 કિલોમીટરના દરિયાકાંઠાનું ધોવાણ થયાનું ખુદ સરકારે પણ સ્વીકાર્યું. રાજ્યસભાના એક સવાલના જવાબમાં ગાયબ થતાં બીચમાં ગુજરાતનો બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત માંડવી, તિથલ, દાંડી, ઉભરાટ, સુવલી, ડાભરી જેવા બીચ ગાયબ થવાના આરે હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. 

કેન્દ્ર સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય મુજબ સમગ્ર દેશમાં સૌથી વધુ દરિયાઈ કાંઠો ધરાવતો ગુજરાત રાજ્યનો કાંઠો ખતરામાં છે. ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે કેન્દ્ર સરકાર દ્વારા ધોવાણ અને કાંપ, કીચડ તથા કચરાના ભરાવાના નિવારણ માટેની ત્રણ સાઈટ કેરળ, પોંડીચેરી અને તમિલનાડુમાં નક્કી કરવામાં આવી છે. જો કે દેશનો સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતો અને સૌથી વધુ ધોવાણ ધરાવતા ગુજરાતમાં એક પણ સાઈટ સેન્ટ્રલ સેક્ટર પ્લાન સ્કીમ હેઠળ પસંદ કરવામાં આવી નથી. 

કેન્દ્ર સરકારનો સમગ્ર રિપોર્ટ દર્શાવે છે કે ગુજરાત અને કેન્દ્ર સરકાર દરિયાઈ કાંઠાના પર્યાવરણને બચાવવામાં નિષ્ફળ જઈ રહી છે. સમગ્ર દેશના 6 હજાર 632 કિલો મીટરના દરિયાઈ કાંઠામાંથી 60 ટકાથી વધુ દરિયાઈ કિનારો પર્યાવરણની દૃષ્ટિએ ખતરામાં છે. સમગ્ર દેશમાં 33.6% દરિયાઈ કાંઠો ધોવાણ હેઠળ છે અને 26.9 ટકા દરિયાઈ કાંઠામાં કાંપ, કીચડ અને કચરાનાના લીધે નુકસાન થઈ રહ્યું છે.

દેશમાં ગુજરાતના દરિયાઈ કાંઠા પર સૌથી મોટું જોખમ, ગુજરાતનો સૌથી સુંદર શિવરાજપુર બીચ થશે ગાયબ! #Gujarat #shivrajpurbeach #costalarea #ZEE24kalak pic.twitter.com/uJc3sjQKDx

— Zee 24 Kalak (@Zee24Kalak) April 11, 2023

કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યસભાના 6 એપ્રિલ 2023ના એક જવાબમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાત રાજ્યના જાણીતા બીચ આવનારા સમયમાં ગાયબ અથવા નામશેષ થવાની દિશામાં છે. બ્લુ ફ્લેગ બીચના નામે અલગ-અલગ માધ્યમોથી શિવરાજપુર બીચની જાહેરાતો થાય છે. ગુજરાત સરકાર તેનું બ્રાન્ડિંગ કરી રહ્યુ છે, પરંતું આ બીચનો દરિયાઈ કાંઠો ખતરામાં છે. શિવરાજપુર બીચનો 32692.74 સ્ક્વેર મીટર વિસ્તાર ધોવાણ હેઠળ છે અને 2396.77 સ્ક્વેર મીટરના વિસ્તારમાં કાંપ-કીચડ અને કચરાનો ભરાવો થઈ રહ્યો છે.

તો બીજી તરફ, ગુજરાતના અન્ય બીચ પણ સંકટમાં છે. સુરતનો ઉભરાટ, તીથલ અને સુવાલી બીચ તથા દાભરી અને દાંડી બીચની ખરાબ સ્થિતિનો પણ ઉલ્લેખ કરાયો છે. ન્દ્ર સરકારનો સમગ્ર રિપોર્ટ દર્શાવે છે કે, ગુજરાત અને કેન્દ્ર સરકાર દરિયાઈ કાંઠાના પર્યાવરણને બચાવવામાં નિષ્ફળ જઈ રહી છે. 

જો આવું થશે તો દરિયા કાંઠે રહેતા લોકોના જીવન પર મોટી અસર પડશે. માછીમારી કરતા લોકો મુશ્કેલીમાં મુકાશે. સમુદ્રનું સ્તર વધશે તો ખતરો વધશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news