બોલો નેતાજી : રૂપાણી બોલ્યા, 2017 અને 2022 ના વાતાવરણમાં ઉત્તર-દક્ષિણ જેટલો ફરક છે

Gujarat Elections 2022 : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણીમાં ઉતર્યા નથી, પરંતું ભાજપના ઉમેદવારોને ચૂંટણી જીતાડવા માટે મેદાને ઉતાર્યા છે, ત્યારે ઝી 24 કલાકના બોલો નેતાજી કાર્યક્રમમા તેમણે શું કહ્યું જાણો 

બોલો નેતાજી : રૂપાણી બોલ્યા, 2017 અને 2022 ના વાતાવરણમાં ઉત્તર-દક્ષિણ જેટલો ફરક છે

Gujarat Elections 2022 બ્રિજેશ દોશી/ગાંધીનગર : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપમાં પ્રચારની ધુરા સંભાળી છે. તેઓ ઉમેદવારોને જીતાડવામાં કામે લાગી ગયા છે. તો સાથે જ તેમના કાર્યાલયોના ઉદઘાટનમાં જઈને જનસભા સંબોધી રહ્યાં છે. ત્યારે ઝી 24 કલાકના બોલો નેતાજી કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ ખોલીને વાત કરી. 

તેમણે કહ્યું કે, હું સંપૂર્ણપણે ચૂંટણીમાં ઉતર્યો છું. હું પ્રચાર મેદાનમાં જ છું, પક્ષ જે પણ જવાબદારી આપશે તે પ્રમાણે કામ કરીશું. 2017 અને 2022 ના વાતાવરણમાં ઉત્તર-દક્ષિણ જેટલો ફરક છે. તે સમયે કોંગ્રેસ આક્રમક હતી, આંદોલન થયા હતા. અત્યારે એવું કંઈ જ નથી. બીજી તરફ, કોંગ્રેસના ધુરંધરો કોંગ્રેસ છોડીને ગયા છે, કોંગ્રેસનો કાર્યકર્તા હાલ હતાશ છે. તેથી હાલ ભાજપ માટે સારુ વાતાવરણ છે. તેથી ભાજપ આ વખતે ઐતિહાસિક બેઠકો મેળવશે એમાં કોઈ શંકા નથી. 

ભાજપમાં ટિકિટ અંગેના મતભેદ અંગે તેમણે કહ્યું કે, પક્ષ જે પણ નિર્ણય કરે તે કાર્યકરોએ માનવાનો હોય છે. સરકાર બદલવાનો કે ટિકિટ અંગેનો નિર્ણય જે તે સમયે પક્ષે કર્યો હોય છે. જે પણ સિનિયર લોકોએ ચૂંટણી લડવાની ના પાડી તે પક્ષની સૂચના બાદ કરી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન પક્ષે કોઈ નિર્ણય નહોતો લીધો, એટલે બધા ધારાસભ્યોએ દાવેદારી કરી હતી. ધારાસભ્યો દાવેદારી કરે એમાં કઈ ખોટું નથી. આ વખતે બહુ લોકોએ દાવેદારી કરી હતી, ટિકિટ કોઈ એકને જ મળે છે. જેના કારણે થોડો ઘણો ઉકળાટ હોય છે પણ તે બે-ત્રણ દિવસમાં શાંત થઈ જશે. 

નવી પેઢીન તૈયાર કરવા જૂની પેઢીને વિદાય આપવામાં આવ્યુ છે તે સવાલના જવાબમાં રૂપાણીએ કહ્યું કે, ન મેં દાવેદારી કરી નથી. હું નિરીક્ષક પાસે ગયો ન હતો, પાર્લામેન્ટરી બોર્ડને પણ ક્લિયર કહી દીધું હતું કે મારે લડવુ નથી. તેમજ એકવાર મુખ્યમંત્રી લડ્યા બાદ ધારાસભા લડવી એ યોગ્ય ન કહેવાય. અમે કેટલાક લોકોએ મળીને નવા લોકોને તક આપવાનું પાર્ટીને કહ્યું. પાર્ટીના નિર્ણયો પાછળ મોવડીમંડળની દીર્ઘદ્રષ્ટિ હોય છે. જૂની પેઢીની વિદાય નથી, જૂના નેતાઓની બીજુ કામ સોંપશે. તેમની શક્તિઓનો ઉપયોગ કરશે. તેમને ટિકિટ આપી નથી, એનો મતલબ એ નથી કે તેઓ કપાયા છે. ન તો તેમને હાંસિયામાં ધકેલ્યા છે, ન તો તેમને મુક્ત કર્યાં છે. પાર્ટી તેમનો ઉપયોગ કરશે જ. પાર્ટીએ સિનિયર નેતાઓને પક્ષે નિવૃત્ત નથી કર્યા, એમને જવાબદારી આપવામાં આવશે. પક્ષે દરેક કાર્યકરોને જવાબદારી આપી છે, મને પણ જવાબદારી આપી છે. બધા જ નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. 

પૂર્વ નાયબ મુખ્યમંત્રી અંગે તેમણે કહ્યું કે, નિતીનભાઈની ઇચ્છા અધૂરી નથી રહી, પક્ષે તેમને ઘણું આપ્યું છે. આ વખતે જીત એક માત્ર ક્રાઇટેરિયા છે, એટલે કદાચ કોંગ્રેસી મૂળના કેટલાક નેતાઓને ટિકિટ મળી છે. 

પૂર્વ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પીએમ મોદીના વિકાસ કાર્યો અને કામગીરીના નામે મત મળશે. ત્રીજા પક્ષની વાત કોઈ સાંભળવાનું નથી, ગુજરાતની જનતા ભાજપ સાથે જ રહેશે. ગુજરાતમાં વિકાસ ના થયો હોત તો જનતા ભાજપની સરકાર ના બનાવત. તમામ લોકો ભાજપ સાથે છે અને ભાજપને જીતાડશે. ભૂપેન્દ્ર પટેલ સરકારે પણ સારું કામ કર્યું છે અને લોકો સુધી યોજનાઓ પહોંચાડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news