મતદાનનું મહાકવરેજ જુઓ Live, આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન
Trending Photos
- 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગર પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે
- 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે
- 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગર પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કે, 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 81 નગરપાલિકાની ચૂંટણીનું પણ મતદાન શરૂ થઈ ગયું છે. 81 નગર પાલિકાની 2720 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે. 2 માર્ચે ચૂંટણીનું પરિણામ આવશે. ઝી 24 કલાક આજે તમને મતદાનનું મહાકવરેજ બતાવી રહ્યું છે અને 2 માર્ચે પરિણામનું સૌથી ઝડપી અને સચોટ પરિણામ બતાવશે.
બપોરે 12 વાગ્યા સુધી મતદાનના આંકડા
બપોરે 12 વાગ્યા સુધી મતદાનના આંકડા સામે આવ્યા છે. મતદાનને પાંચ કલાક પૂરા થઈ ગયા છે. ત્યારે ચૂંટણી પંચના આંકડા મુજબ, બપોરે 12 વાગ્યા સુધીના ચૂંટણી પંચના આંકડા મુજબ, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અત્યાર સુધી 21 ટકા મતદાન થયું છે. તો તાલુકા પંચાયતની ચૂંટણીમાં 21.5 ટકા મતદાન થયું છે. આ ઉપરાંત નગરપાલિકાની ચૂંટણીમાં 18 ટકા મતદાન થયું છે. જેમાં ગાંધીનગરમાં સૌથી વધુ 27 ટકા મતદાન નોંધાયું છે.
જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીનું લાઈવ કવરેજ :
- વલસાડના ઉમરગામ તાલુકાના નારોગલ ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. સ્થાનિક લોકો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા ગામમાં લગ્નમાં ડીજે વગાડવા બાબતે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી. જેથી ગુસ્સે થયેલા ગામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. પોલીસ દ્વારા થતી હેરાનગતિને લઈ લોકોએ બહિષ્કારનો રસ્તો અપનાવ્યો છે. નારોગલમાં વહેલી સવારથી અત્યાર સુધી મતદાન થયું નથી. નારગોલ ખાતે માછીવાડના બુથ નંબર એક પર એક પણ મત પડ્યો નથી. ભાજપ દ્વારા લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
- રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મતદાન કરવા પરિવાર સાથે પહોંચ્યા હતા. કડી નગરપાલિકાના વોર્ડ નંબર - 4 ખાતે જન સુવિધા કેન્દ્ર પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરિવાર સાથે મતદાન કર્યું. મતદાન બાદ નીતિન પટેલે કહ્યું કે, મહેસાણા જિલ્લાના કડી નપાના મારા વોર્ડમાં પત્ની અને પરિવાર સાથે મત આપવા આવ્યો છું. કડી ભાજપનો ગઢ છે. આ વખતે પણ રાજ્યમાં ઉમેદવારી પાછી ખેંચવામાં રેકોર્ડ બન્યો. કડી નપામાં બે તૃતિયાંશ બહુમતી ભાજપને મળી છે. 36માંથી 26 બેઠક અમારી બિનહરીફ થઈ છે. હું પણ મોટા ભાગના સમયમાં નપા પ્રમુખ અને સભ્ય રહી ચૂક્યો છું. જે ઘડતર થયું એના બાદ મને નાયબ મુખ્યમંત્રી તરીકે ભાજપે સ્થાન આપ્યું છે. હાલ ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. સાંજ સુધીમાં સારી ટકાવારી નોંધાશે. 5 વર્ષનું ભવિષ્ય જેમને જનતા આપશે એ ભાજપના હશે એવો વિશ્વાસ છે. બધા સાથે મળીને યાત્રાને એક એક ઘર સુધી પહોંચાડીશું.
- સુરતના કામરેજની બે બહેનોએ પ્રભુતામાં પગલાં માંડતા પહેલા મતદાન કર્યું હતું. કામરેજની બે બહેનો દીપાલી અને રિદ્ધી નામની બંને બહેનો સજીઘજીને જાગૃત નાગરિક તરીકેને ફરજ બજાવવા પહોંચી હતી. મતાધિકાર કરવાને પોતાની પ્રાથમિકતા ગણી
- ગોંડલ તાલુકાના મોવિયા ગામે લગ્ન પહેલા બે બહેનોએ મતદાન કર્યું. મોવિયામાં લગ્ન પહેલા બંને બહેનોએ મતદાન કર્યું છે. ગોંડલના વાહાની પરિવારની બંને યુવતીઓએ લગ્ન પહેલા મતદાન કર્યું.
- ઓલપાડમાં પણ બે યુવતીઓ દ્વારા લગ્ન પહેલા મતદાન કરવામાં આવ્યું હતું. લગ્નની પીઠી ભરેલી યુવતીઓ મતદાન કરવા પહોંચી હતી. ઓલપાડની જાગૃતિ નામની યુવતીના આજે લગ્ન છે. તો આવતીકાલે નેહા નામની યુવતીના લગ્ન છે. બંને યુવતીઓ ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામની વતની છે. ત્યારે બંનેએ લોકોને મતદાન કરવા બહાર નીકળવાની અપીલ કરી હતી.
- સવારે 9 વાગ્યા સુધીમાં કેટલુ મતદાન થયું તે આંકડા સામે આવ્યા છે. મતદાનને બે કલાક પૂરા થઈ ગયા છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૩૧ જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકામાં પ્રથમ બે કલાક દરમિયાન પાંચ ટકા જેટલું મતદાન થયું છે. જિલ્લા પંચાયતમાં સરેરાશ 6 ટકા મતદાન થયું છે. તાલુકા પંચાયતમાં પણ 5 ટકા મતદાન થયું છે. નગરપાલિકામાં 4 ટકા મતદાન થયું છે.
- અમદાવાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ (gujarat congress) ને મત ના આપી શક્યા. હાર્દિક પટેલે વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ છે. અહીં કોંગ્રેસને વોર્ડ નંબર 2 માં કોઈ ઉમેદવાર ન મળ્યા
- પંચમહાલના કાલોલ તાલુકા શક્તિપુરા વસાહત 2 માં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો. મતદાન શરૂ થયાના 4 કલાકથી વધુ સમય વીત્યા બાદ પણ મતદાન મથકમાં એક પણ વોટ પડ્યો નથી. નર્મદા ડેમના વિસ્થાપીતોને આ મથકમાં વસાવવામાં આવ્યા છે. સ્થાનિકોને એક પણ સરકારી યોજનાઓનો લાભ નથી મળતો. ત્યારે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને જમીન પોતાના નામે નહિ સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ મતદાન ન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે ડીવાયએસપી પીઆઇ સહિતનો પોલીસ કાફલો સીઆરપીએફની ટુકડી અને મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 1994 થી અહીં મધ્યપ્રદેશના વિસ્થાપીતો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે અધિકારિઓ દ્વારા સમજાવટના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. છેલ્લા એક કલાકથી અધિકારીઓ સ્થાનિકોને સમજાવી રહ્યાં છે. સમજાવટના તમામ પ્રયત્નો અત્યાર સુધી નિષ્ફળ રહ્યાં છે.
- રાજપીપળા નગરપાલિકામાં 11 વાગ્યા સુધી માં 22.44 ટકા મતદાન નોંધાયું
- પોરબંદરમાં વોર્ડ નંબર 9માં મતદાન વચ્ચે છત્રીને લઇને વિવાદ થયો. પોરબંદર ભોજેશ્વર પ્લોટમાં ભાજપની છત્રીનો વિવાદ ઉભો થયો. મતદાનના દિવસે ભાજપ કાર્યકરો ભાજપના સિમ્બોલ સાથેની છત્રી લગાવતા કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના કાર્યકરોની ફરિયાદના પગલે સુરક્ષા કર્મીઓએ છત્રી હટાવી હતી.
- દાહોદમાં 6 જગ્યાએ ઈ.વી.એમ ખોટકાયા છે. દાહોદમાં હીમાલા, કુણધા, પરમારના ખાખરીયા, કુંડા, વાંદરીયા પુર્વ, નાની ઢઢેલીમા ઈ.વી.એમ ખોટકાયાની ફરિયાદો થઈ હતી. ત્યારે ચૂંટણી અધિકારીઓ દ્વારા ઈ.વી.એમને બદલવાની પ્રકિયા હાથ ધરાઈ હતી.
- શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ધોળકા ખાતે મતદાન કર્યું. તેમણે મતદાન કરીને કહ્યું, ભારે મતદાનના સમાચાર મળી રહ્યાં છે. જે રીતે મહાનગરપાલિકામાં ભાજપનો જ્વલંત વિજય થયો. બાકીની 70 ટકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે થઈ રહી છે. જે રીતે કોર્પોરેશનમાં જંગી બહુમતી મળી, તે રીતે જ આજની ચૂંટણીમાં પણ મળશે. આજે મેં ધોળકા ખાતે મતદાન કર્યું. આ વખતે જિલ્લા પંચાયતમાં પણ ભાજપ આવશે. ગુજરાતમાં જે રીતે વિકાસના કામો થયા છે, તે વિજયભાઈના વિકાસ કામોનો વિજય છે.
- અમદાવાદમાં વિરમગામ નપાની ચૂંટણીમાં ઈવીએમ ખરાબ થયું. વોર્ડ નંબર 4 ની ઉર્દૂ શાળામાં ઈવીએમ ખરાબ થયું. અહીં 9 વોર્ડની 36 બેઠકો માટે જંગ ચાલી રહી છે. અમદાવાદ વિરમગામના વસવેલીયા ગામમાં મતદાન સમયે વિવાદ થયો. ભાજપનો ચૂંટણી એજન્ટ બૂથમાં પાર્ટી સિમ્બોલ સાથે પહોંચતા વિવાદ થયો. ચૂંટણી અધિકારીની હાજરીમાં ભાજપ બૂથ એજન્ટ ચિન્હ સાથે હાજર દેખાતા વિવાદ થયો. ચૂંટણી અધિકારીઓ ભાજપના એજન્ટ સામે મૂક પ્રેક્ષક બની રહ્યાં. ત્યારે કોંગ્રેસના કાર્યકરે વાંધો ઉઠાવી કાર્યવાહી કરવાની માંગ કરી.
- મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી માટે બે કલાકમાં આંકડા સામે આવ્યા. જિલ્લા અને તાલુકા પંચાયત માટે 9.41 ટકા મતદાન, ત્રણ પાલિકામાં 6.57 ટકા મતદાન થયું.
- સાબરકાંઠા હિંમતનગર છાપરિયા પ્રાથમિક શાળામાં વરરાજા સહિત 200 જાનૈયાઓએ મતદાન કર્યુ. લગ્નની જાન લઈ જતા પહેલા મતદાન મથકો પર ભીડના દ્રશ્ય જોવા મળ્યા. એક સાથે તમામ જાનૈયાઓએ મતદાન કરી જાન લઈ રવાના થયા હતા. ત્યારે વરરાજાએ લોકોને મતદાન કરવાની અપીલ કરી. મતદાન કરીને જાન હિંમતનગરથી મોડાસા જવા રવાના થઈ હતી.
- વલસાડ જિલ્લામાં વહેલી સવારથી મતદાનની પ્રક્રિયામાં મતદારોમાં જાગૃતતા જોવા મળી. મોટી સંખ્યામાં મતદારો મત આપવા માટે મતદાન મથકો પર જોવા મળ્યા હતા. વલસાડ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની પાનેરા બેઠક ઉપર મતદારોની લાંબી ભીડ જોવા મળી હતી. વલસાડમાં જિલ્લા અને પંચાયત બેઠકો ઉપર પ્રથમ 2 કલાકમાં 6 ટકા જેટલું મતદાન નોંધાયું છે.
- સાબરકાંઠા વૃદ્ધાએ 90 વર્ષની ઉંમરે મતદાન કરી દેશ પ્રત્યેની પોતાની ફરજ બજાવી. વૃદ્ધા જેનબબીબી પઠાણે હિંમતનગરના વોર્ડ નં 7 માં પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. મતદાન બૂથ પર પઠાણ પરિવારની વહુએ પહેલા મતદાન કર્યું. બાદમાં વૃદ્ધ સાસુ જેનબબીબીને મતદાન મથકે લાવવવામાં આવ્યા હતા.
- રાજ્યસભાના સંસદ જુગલજી ઠાકોરે મહેસાણાના નાગલપુર કોલેજના સાયન્સ બિલ્ડીંગના મતદાન બૂથ પર સહ પરિવાર મતદાન કર્યું. તેમણે લોકોને મત આપી પોતાના હકનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. તો મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ મતદાન કર્યું. તેમણે કહ્યું કે, મહાનગરપાલિકાઓમાં જે રીતે ભાજપની સુનામી આવી તેવી જ રીતે મોરબી પાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપની સુનામી આવશે. સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મતદારો ભાજપને વિજય બનાવવા માટે મક્કમ છે.
- ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે લગ્નોત્સવના મંડપ વિધિ પહેલા ક્રિષ્ના કમલેશભાઈ સોનીએ મતદાન કરી પવિત્ર ફરજ નિભાવી.
- તાપીના વ્યારા નગરપાલિકા વિસ્તારમાં મોકપોલ દરમિયાન બે ઇવીએમ બંધ પડ્યા. નગરના નવી વસાહત વિસ્તારમાં આવેલ શાળામાં બે ઈવીએમ મોકપોલ દરમ્યાન બંધ પડ્યા. મોકપોલ દરમ્યાન બંધ પડતા મતદાન સમયસર શરૂ ન થઈ શક્યું. તો ગોધરા નગરપાલિકાના વોર્ડ 2 માં ઇવીએમ ખોટકાયું છે. વોર્ડ 2 ના વિભાગ નંબર 3/10 ના મતદાન મથક 3 નું ઈવીએમ ખોટકાયું છે. ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ રિપ્લેસ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો ગોંડલ તાલુકા શાળા નં.1 માં ઈવીએ બંધ હોય ઉમેદવાર અને મતદારો રોષે ભરાયા છે. ત્યાં 8 વાગ્યા હોવા છતાં પણ મતદાન શરૂ ન થયું.
- રાજકોટ જિલ્લા પંચાયતની 36 અને 11 તાલુકા પંચાયતોની 202 બેઠક માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. રાજકોટ જિલ્લાના 1146 મતદાન બૂથ પૈકી 396 સંવેદનશીલ મતદાન મથકો ઉપર ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે. હાલ, જિલ્લા, તાલુકા અને નગરપાલિકા માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી માટે 8000થી વધુનો ચૂંટણી સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. 658 બિલ્ડીંગોમાં મતદાન મથક છે, જ્યાં મતદારો મતદાન કરી રહ્યાં છે. જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 111 ઉમેદવારો, જ્યારે 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે 586 ઉમેદવારો મેદાને છે. જિલ્લાના 9 લાખ કરતા વધુ મતદારો મતાધિકારનો પ્રયોગ કરી પોતાના પ્રતિનિધિને પસંદ કરવા વોટિંગ કરી રહ્યા છે.
- અરવલ્લીમાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટરે પરિવાર સાથે વહેલી સવારમાં જ મતદાન કર્યું. મોડાસાની શાળામાં કલેક્ટર અમૃતેશ ઔરંગબાદકરએ મતદાન કર્યું. હાલ અરવલ્લીમાં વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. તો વોટિંગ બાદ કલેક્ટરે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
- પાટણ પરણવા જતાં પહેલાં વરરાજાએ મતદાન કર્યું. પાટણ તાલુકાના બાલીસણા ગામે બૂથ નંબર 8 માં વરરાજા સંજયજી પ્રધાનજી ઠાકોરે લગ્નમાં જતા પહેલા મતદાન કર્યું. મતદાનમાં સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- વડોદરાના પાદરામાં ઝેન સ્કૂલ ખાતે સંતોએ મતદાન કર્યું. પાતળિયા હનુમાન મંદિરના મહંતે મતદાન કરીને પોતાની ફરજ બજાવી. વહેલી સવારથી બૂથ પર મતદારોની ભીડ જોવા મળી રહી છે. અહીં પોલીસના બંદોબસ્ત સાથે મતદાન થઈ રહ્યું છે.
ચૂંટણી પહેલા ચેકપોસ્ટ ઉભી કરી
31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગર પાલિકાની ચૂંટણીના મતદાન માટે પોલીસે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. મતદાન અને મતગણતરી શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસ ખડેપગે ગોઠવાઈ ગઈ છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકારોને માહિતી આપતાં કહ્યું કે, ઈવીએમ સ્ટ્રૉંગ રૂમ પર એસઆરપી તૈનાત રહેશે. સંવેદન અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ સજ્જ રહેશે. 26 હજાર કોન્સ્ટેબલ અને 2800 અધિકારી ફરજ બજાવશે. 13 DySP અને 65 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. સેન્ટ્રલ પેરામિલેટ્રી ફોર્સની 12 કંપનીઓ ખડેપગે રહેશે. ગઈકાલે સંવેદનશીલ વિસ્તારની ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી છે અને નાસતા ફરતા 1980 આરોપીને પકડીને લોકઅપ ભેગા કરાયા છે. સૌથી વધુ આરોપીઓ બનાસકાંઠામાંથી પકડાયા છે. 97 આંતર રાજ્ય અને 437 આંતરિક ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. કોવિડની ગાઈડલાઈનનું પણ પોલીસ કડક પાલન કરાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે