વિધાનસભાની વાતઃ આ બેઠકના મતદારો નક્કી કરશે અલ્પેશ ઠાકોરનું ભાવિ? જાણો સમીકરણ અને ઈતિહાસ
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી વર્ષ 2017 કરતા ઘણી અલગ છે. કોઈ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે..તો કોઈ પોતાનું ગઢ સાચવી રાખવા માટે રાજકીય રણનીતિઓ ઘડી લીધી છે. ત્યારે આ વખતે ગાંધીનગર દક્ષિણ બેઠક પર સમીકરણ સૌને ચોંકાવનારા છે. કેમ કે આ વખતે અહીં ઠાકોર સામે પાટીદારોનો જંગ જામવાનો છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ આમ તો ગાંધીનગર દક્ષિણ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. 1967 બાદ માત્ર 3 વખત કોંગ્રેસ અહીં જીત મેળવી શકી છે. છેલ્લી 3 ટર્મથી ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે ભાજપે અંહીથી અલ્પેશ ઠાકોરને મેદાને ઉતરતા જંગ ખુબ જ રસપ્રદ બન્યો છે. તો આવો જાણીએ કોના માટે અહીં જીતનો રસ્તો કેટલો કઠીન છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગર-દક્ષિણ બેઠક પર ભાજપે અલ્પેશ ઠાકોર, કોંગ્રેસે હિમાંશુ પટેલ અને આમ આદમી પાર્ટીએ દોલત પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.
કેમ ભાજપનો ગઢ કહેવાય છે ગાંધીનગર દક્ષિણ બેઠક?
ગાંધીનગર દક્ષિણ બેઠકમાં વર્ષ 2007થી ભાજપનું એકહથ્થુ શાસન રહ્યું છે. કોંગ્રેસ અને અન્ય પક્ષ માટે આ બેઠક હંમેશા લોઢાના ચણા ચાવવા બરાબર રહી છે. વર્ષ 2017ની ચૂંટણીમાં અહીં ભાજપના ઉમેદવાર શંભુજી ઠાકોરની 1 લાખ 7 હજાર 480 મતથી પ્રચંડ વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદજી હિરાજી સોલંકીની કારમી હાર થઈ હતી.
ગાંધીનગર દક્ષિણ બેઠકના રાજકીય સમીકરણો:
ગાંધીનગર દક્ષિણ વિધાનસભા અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ કુલ 3 લાખ 67 હજાર 764 વસ્તીમાંથી 39.37 ટકા ગ્રામીણ અને 60.63 ટકા શહેરી વસ્તી ધરાવે છે.વર્ષ 2019ની મતદાર યાદી મુજબ આ મતવિસ્તારમાં 3 લાખ 24 હજાર મતદારો અને 356 મતદાન મથકો છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન 64.49 ટકા હતું અને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં મતદાન 70.77 ટકા હતું. ભાજપ અને કોંગ્રેસને વર્ષ 2017માં અનુક્રમે 49.86 ટકા અને 44.51 ટકા વોટ મળ્યા હતા.
સિંટિગ ધારાસભ્યને બદલી અલ્પેશ ઠાકોરને આપી તક:
અલ્પેશ ઠાકોરે અનેક વખત રાધનપુરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ ભાજપે અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી મેદાને ઉતાર્યો છે. વર્ષ 2017માં અહીંથી શંભુજી ઠાકોર જંગી લીડ સાથે વિજય મેળવ્યો હતો. જેથી ઠાકોર સમીકરણ અને ભાજપના ગઢને ધ્યાનમાં રાખી અહીંથી ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.
ઠાકોર VS પટેલનો જંગ બનશે રસપ્રદ:
2017ની ચૂંટણીમાં ગાંધનગર દક્ષિણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદજી હિરાજી સોલંકીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ભાજપના ગઢમાં ગાબડું પાડવા આ વખતે કોંગ્રેસ પાટીદાર કાર્ડનો ઉપયોગ કર્યો છે..ગોવિંદજી હિરાજી સોલંકીને બદલી કોંગ્રેસ ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી હિમાંશુ પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે હવે પાટીદાર સામે ઠાકોરનો જંગ રસપ્રદ બની શકે છે.
ક્યા ક્યા વિસ્તારો આવરે છે આ ગાંધીનગરની દક્ષિણ બેઠક:
અડાલજ, આલમપુર, અંબાપુર, અમીયાપુર, બાસણ, ભાત, ભોયાણ રાઠોડ, ભૂંડીયા, ચાંદખેડા, ચંદ્રાલા, ચેખલારાણી, છાલા, ચિલોડા, ડભોડા, દાંતલિયા, દશેલા, ધણપ, દોલારાણા વાસણા, ગલુદણ, ગિયોડ, ઇસાનપુર મોટા, જખોરા, જમીયતપુરા, કરાઈ, ખોરજ, કોબા, કોટેશ્વર, કુડાસણ, લવારપુર, લેકાવાડા, લિંબડીયા, માધવગઢ, મગોડી, મહુંદ્રા, મેદરા, મોટેરા, નભોઈ, પાલજ, પીરોજપુર, પોર, પ્રાંતિયા, પુંદ્રાસણ, રાયપુર, રાજપુર, રણાસણ, રાંદેસણ, રતનપુર, રાયસણ, સાદરા, સરગાસણ, શાહપુર, શેરથા, શિહોલીમોટી, સોનારડા, સુધડ, તારાપુર, ટીટોડા, ઉવારસદ, વડોદરા, વલાદ, વાંકાનેરડા, વાસણા-હડમતિયા, વીરાતલાવડી, ઝુંદાલ સહિતના વિભાગોનું પ્રતિનિધિત્વ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે