Ahmedabad : બસો બંધ થતા શહેરનો ટ્રાફિક રીક્ષામાં ડાયવર્ટ થયો, મુસાફરો પાસેથી તોતિંગ ભાડુ વસૂલાઈ રહ્યું છે
Trending Photos
- બસો બંધ થતા શહેરનો ટ્રાફિક રીક્ષામાં ડાયવર્ટ થયો
- શહેરના માર્ગો પર દોડતી 800 જેટલી બસના પૈડા થંભી ગયા
- રીક્ષામાં વધારે લોકો બેસાડતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળી રહ્યાં છે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાને એક વર્ષ પૂર્ણ થયું છે. વેક્સીન પણ આવી ગઈ, છતાં એક વર્ષ બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. લેટેસ્ટ સ્થિતિ મુજબ, દર કલાકે ગુજરાતમાં 46 લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં હાલ આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. અમદાવાદમાં એસટી બસો, એએમટીએસ બસ, બાગ-બગીચા, જીમ, સ્પોર્ટસ સેન્ટર વગેરે અનેક સુવિધાઓ બંધ કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોના વકરતાં શહેરની પરિવહનની મુખ્ય ધરી ગણાતી AMTS સેવા અને BRTS સેવાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસો બંધ થતા શહેરનો ટ્રાફિક રીક્ષામાં ડાયવર્ટ થયો છે. સરવાળે પરિસ્થિતિ ઠેરની ઠેર બની છે. તો બીજી તરફ, બસ સેવા બંધ હોવાથી રીક્ષાચાલકો ગ્રાહકો પાસેથી તોતિંગ ભાડુ વસૂલી રહ્યાં છે.
AMTS-BRTS સેવા બંધ થતા રીક્ષામાં ભીડ જામી
આજથી અમદાવાદમાં AMTS અને BRTS સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી નિર્ણય ના આવે ત્યાં સુધી સેવાઓ બંધ કરવામાં આવી છે. શહેરના માર્ગો પર દોડતી 800 જેટલી બસના પૈડા થંભી ગયા છે. મુસાફરોથી ધમધમતું લાલ દરવાજા AMTS ટર્મિનસ સૂમસામ બન્યું છે. પરંતું અમદાવાદમાં ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ થતા રીક્ષા તરફ ભીડ વધી છે. AMTS-BRTS સેવા બંધ થતા રીક્ષામાં ભીડ જામી રહી છે.
રિક્ષા ચાલકો તોતિંગ ભાડુ વસૂલી રહ્યાં છે
બસ બંધ થતા ટ્રાન્સપોર્ટેશન માટે લોકોને એકમાત્ર રીક્ષાનો વિકલ્પ બચ્યો છે. રીક્ષાચાલકો મોટી સંખ્યામાં લોકોને જીવના જોખમે રીક્ષામાં બેસાડવવામાં આવે છે. આવામાં રીક્ષામાં ભારણ વધી રહ્યું છે. રીક્ષામાં ભીડ થતા સંક્રમણ વધવાની શક્યતા રહી છે. સાથે જ રીક્ષામાં વધારે લોકો બેસાડતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળી રહ્યાં છે. ઉપરથી બસ સેવા બંધ હોવાથી રિક્ષા ચાલકો તોતિંગ ભાડુ વસૂલી રહ્યાં છે. AMTS-BRTS બંધ કરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.
તો બીજી તરફ, આજથી યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. બીએ, બીકોમ, બીએસસી સહિતના 70 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. એક તરફ પરીક્ષા બીજી તરફ એએમટીએસ અને બીઆરટીએ બંધ કરી દેવાતાં વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાના સ્થળે પહોંચવા માટે હાલાકી ભોગવવી પડી ખાનગી રિક્ષાઓમાં તોતિંગ ભાડાં ભરીને વિદ્યાર્થીઓને સ્કૂલ અને કોલેજમાં પરીક્ષા આપવા જવાની ફરજ પડી છે. જાહેર પરિવહન સેવા બંધ કરવાના નિર્ણયથી હજારો નહીં લાખો વિદ્યાર્થીઓની ચિંતા વધી ગઈ છે. ZEE 24 કલાકની ટીમે વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી. વિદ્યાર્થીઓ ઘરે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા મજબૂર થયા છે. ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ ન મળતા વિદ્યાર્થીઓ નારાજ થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે