Gujarat Congress: પાટીલનું સપનું તોડવા ગોહિલે બનાવ્યો ગેમપ્લાન, આગામી 30 દિવસમાં એવું કરશે કે ભાજપને ટેન્શન આવશે
Loksabha Election : શક્તિસિંહ ગોહિલ સામે મોટો પડકાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને શૂન્યથી આગળ લઈ જવાનો છે. આ માટે કોંગ્રેસના નવા પ્રમુખ ગોહિલે 2024ના ગેમ પ્લાન પર કામ શરૂ કરી દીધું છે
Trending Photos
Shaktisinh Gohil: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને ગુજરાતમાં ઝટકો લાગે એવા સમાચાર આવ્યા છે. ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ હવે શક્તિસિંહ ગોહિલ કોઈ પણ પ્રકારની ભૂલ વિના વ્યૂહરચના સાથે આગળ વધી રહ્યા છે. શક્તિસિંહ રાજ્યમાં પાર્ટી માટે સૌથી મોટો પડકાર બનેલા જૂથવાદને દૂર કરવા સાથે સંગઠનની તાકાત અને સક્રિયતા વધારવામાં વ્યસ્ત છે. તેમની પહેલ પર નેતાઓ પણ સક્રિય થયા છે.
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ મિશન 2024માં જોડાયા છે. ગોહિલ સામે મોટો પડકાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને શૂન્યથી આગળ લઈ જવાનો છે. આ માટે કોંગ્રેસના નવા પ્રમુખ ગોહિલે 2024ના ગેમ પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. તેમણે પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓને સાથે લેવાનું શરૂ કરી દીધું છે. મોટા નેતાઓ બિપરજોયથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, જ્યારે શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ સંગઠનની કરોડરજ્જુ સમાન સેવાદળ પર ફોકસ વધાર્યું છે. જૂનમાં કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક થયા બાદ હાઈકમાન્ડ જુલાઈ મહિનામાં પ્રભારીની જાહેરાત કરે તેવી શક્યતા છે. અગાઉ શક્તિસિંહ ગોહિલે સંગઠનને મજબૂત કરવાનો નિર્ણય લીધો હતો.
જુલાઈમાં કામ પૂર્ણ થશે
કોંગ્રેસના નવા પ્રમુખ પ્રયાસ કરી રહ્યા છે કે રાજ્યના તમામ 33 જિલ્લા અને 11 શહેરમાં જ્યાં-જ્યાં સંગઠનના જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ અને અન્ય જગ્યાઓ ખાલી છે અથવા તો ફેરફારની જરૂર છે ત્યાં આ કામ જુલાઈ સુધીમાં પૂર્ણ કરી દેશે. આ માટે ગોહિલ ફુલ એક્ટિવ મોડમાં આવી ગયા છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં પુરી તાકાત સાથે ઉતરશે. 2004 અને 2009માં પાર્ટીએ જે બેઠકો જીતી હતી. તે બેઠકો માટે પ્રથમ તબક્કાની રણનીતિ નક્કી કરવામાં આવશે. આ માટે સંગઠનને સુવ્યવસ્થિત કરવાનું કામ જુલાઈમાં જ પૂર્ણ થઈ જશે અને ઓગસ્ટની શરૂઆતથી જ પાર્ટી સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં જોવા મળશે.
પ્રભારીની જાહેરાત બાકી
હાલ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્મા રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી છે. જેઓએ રાજીનામુ આપી દીધું છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે આગામી પાંચથી 10 દિવસમાં ગુજરાતમાં પ્રભારીની નિમણૂંક કરવામાં આવશે. આ પછી, પાર્ટી લોકસભાની દરેક સીટ માટે ગઠબંધન કરશે. આ માટે પાર્ટીએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવી શકે છે. પાર્ટી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની 15 બેઠકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
શક્તિસિંહ માટે સારી શરૂઆત
કોંગ્રેસના નવા પ્રમુખ શક્તિસિંહે સકારાત્મક એજન્ડા સાથે સૌને સાથે લેવાની જાહેરાત કરી હતી. તેમણે પાર્ટીને સારો સંદેશ આપ્યો છે. પાર્ટીના નેતાઓની સક્રિયતા વધી છે ત્યારે અન્ય નેતાઓને આશા છે કે હાઈકમાન્ડના સીધા સંપર્કમાં રહેલા શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાં પાર્ટીને નવી તાકાત આપશે. શક્તિ સિંહે અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાની નારાજગી તાત્કાલિક દૂર કરી છે. આ પછી નારાજગી વ્યક્ત કરી રહેલા શેખે કહ્યું કે મામલો ખતમ થઈ ગયો છે. ચાર દાયકાથી રાજકારણમાં સક્રિય રહેલા શક્તિસિંહ ગોહિલની 2024માં સૌથી મોટી કસોટી થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે