મગફળી કૌભાંડ : સરકાર માછલીઓ પકડે છે, મગરમચ્છ ખુલ્લા ફરતા હોવાનો પરેશ ધાનાણીનો આરોપ

બહુચર્ચિત મગફળી કૌભાંડમાં સરકાર પગલાં ભરવાને બદલે છાવરવા પ્રયાસ કરી રહી હોવાનો ગંભીર આરોપ મુકતાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સોમવારે સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. પપેટ પોલીસ દ્વારા તપાસને આડે પાટે ચડાવી માત્ર માછલીઓને પકડવામાં આવે છે જ્યારે મોટા મગરમચ્છ ખુલ્લા ફરતા હોવાનો પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. 

મગફળી કૌભાંડ : સરકાર માછલીઓ પકડે છે, મગરમચ્છ ખુલ્લા ફરતા હોવાનો પરેશ ધાનાણીનો આરોપ

રાજકોટ : બહુચર્ચિત મગફળી કૌભાંડમાં સરકાર પગલાં ભરવાને બદલે છાવરવા પ્રયાસ કરી રહી હોવાનો ગંભીર આરોપ મુકતાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સોમવારે સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. પપેટ પોલીસ દ્વારા તપાસને આડે પાટે ચડાવી માત્ર માછલીઓને પકડવામાં આવે છે જ્યારે મોટા મગરમચ્છ ખુલ્લા ફરતા હોવાનો પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. 

રાજ્યમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં સામે આવેલા કૌભાંડથી ખળભળાટ મચી જવા પામ્યો છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા આ મામલે ધરણા કરવામાં આવી રહ્યા છે. રાજકોટ ખાતે ધરણાં પ્રદર્શન કરી રહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, અમે ગોંડલની અંદર ધરણા કર્યા તો જાણવા મળ્યું કે અઠવાડિયા પહેલા ફોતરી ભરેલી ગાડીઓ ગોડાઉનમાં ઠલવાતી હતી અમે મગફળી ભરેલા કોથળા ખાનગી બહાર મીલોમાં લઇ જવાતા હતા. મગફળી ક્યાં પીલાઇ ગઇ એ સવાલ પણ લોકોના મનમાં ઉઠી રહ્યો છે. નેશનલ ગોડાઉન સાપર ખાતે અમે ગઇકાલે ધરણા કર્યા હતા. એ સાપરની ઘટનાને આજે ત્રણ મહિના પૂરા થવા આવ્યા છે. છતાં એની તપાસ ક્યાં પહોંચી, એફએસએલનો રિપોર્ટ ક્યાં ગયો? કૃષિ તજજ્ઞોનો રિપોર્ટ હજુ સુધી કેમ ન આવ્યો? સીઆઇડી ક્રાઇમે એમાં શું પગલાં ભર્યા? આજ સુધી કેમ કોઇ આરોપીઓને ન્યાયના કઠેરામાં ઉભા રાખવામાં ન આવ્યા, કેમ જેલના સળીયા પાછળ ધકેલવામાં ન આવ્યા, એ સવાલ પણ ઉઠવા પામ્યો છે.

વધુમાં તેમણે કહ્યું કે, મોંઘા ભાવે ખરીદાયેલા અંદાજે 1700 કરોડના મગફળીના કોથળા કોણે સળગાવ્યા? એ સવાલ મૂંઝવી રહ્યો છે. પગલાં ભરવામાં અને જવાબ આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. પાંચ પાંચ ગોડાઉનમાં કરોડોની મગફળી સળગી ઉઠી પરંતુ યોગ્ય પગલાં ભરવામાં સરકાર ઉણી ઉતરી છે. આરોપીઓને જેલને સળીયા પાછળ ધકેલવાને બદલે સરકાર જાણે એમને છાવરી રહી હોય એવી સ્થિતિ છે. સરકાર પોતાની પપેટ પોલીસ પાસે તપાસને આડે રસ્તો દોરી જવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે વિરોધ પક્ષ દ્વારા આ મામલે ન્યાય માટે ધરણાં શરૂ કરાયા છે ત્યારે સરકારે એક રાતમાં એક મંડળીના 22 વ્યક્તિઓને જેલમાં પૂર્યા છે. આ તો માત્ર મજૂરોને માછલાં ગણીને સમગ્ર ષડયંત્ર ઉપર પડદો પાડવાનો પ્રયાસ છે.

સરકાર સામે નિશાન સાધતાં કહ્યું કે, રાજ્યમાં કઇ આઠ સંસ્થાઓને ખરીદીના કેન્દ્રો સોંપ્યા હતા. ક્યાંથી કેટલો માલ ખરીદાયો, કોને અપાયો કયા ગોડાઉનમાં મગફળીનો કેટલે જથ્થો છે? મારે સરકારને સવાલ પુછવો છે કે ચાર હજાર કરોડના આ કૌભાંડને ચૂંટણી પહેલા માત્ર રાજકીય રોટલા શેકવા, ખેડૂતોને ભરમાવવા શરૂ કર્યો હતો. આજે પાંચ લાખ ટન મગફળી ખેડૂતોના ઘરમાં નડી છે. લેનાર કોઇ નથી અને પાણીના ભાવે ખેડૂત લુંટાય છે. મારે સરકારને પુછવું છે કે આજે ઉપવાસનો ચોથો દિવસ છે. જો સરકાર દૂધે ધોયેલી હોય તો ન્યાયિક તપાસ આપતાં કેમ અચકાય છે. મને લાગે છે કે, ચાર હજાર કરોડના આ કૌભાંડમા મજૂરોને ગુનેગાર બનાવી, ફરિયાદીને આરોપી બનાવી અને જેલમાં પુરી આ ચાર હજાર કરોડના કૌભાંડ પર સરકાર પડદો પાડવા ઇચ્છે છે. માછલીઓ પકડવામાં આવી છે અને મગરમચ્છો ખુલ્લા ફરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news