ગુજરાતની 31 નગરપાલિકાઓને મુખ્યમંત્રીની મોટી ભેટ : હવે નહિ અટકે નાગરિકોના કામ
Gujarat Government Big Decision : રૂ. ૪૪.૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૩૧ સિટી સિવિક સેન્ટર્સના મહિસાગરના બાલાસિનોર ખાતેથી રાજ્યવ્યાપી ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી, નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તેવો ઇઝ ઓફ લિવિંગ વૃદ્ધિનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ, મુખ્યમંત્રીએ સિવિક સેન્ટરનું નિરીક્ષણ કરી લાભાર્થીઓને દાખલા, પ્રમાણપત્રનું વિતરણ કર્યું, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 22 નગરપાલિકાઓમાં કાર્યરત થયેલા સિટી સિવિક સેન્ટર્સની સફળતાને પગલે વધુ 31 સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા
Trending Photos
Gujarat CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં રહેતા શહેરીજનોને ૩૨ સિટી સિવિક સેન્ટર્સની મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપી હતી. નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાએ મળી રહે તેવો સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી ઈઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે.
નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે ઓછામાં ઓછો સમય ગાળો રહે એટલુ જ નહિ. નગરપાલિકા વિષયક ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે “વન સ્ટોપ શોપ” તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૨૦૨૨-૨૩માં નવી બાબત તરીકે આ સિટી સિવિક સેન્ટર્સનો વિચાર અમલી કરવામાં આવેલો છે. 22 નગરપાલિકાઓમાં પ્રથમ તબક્કે આવા સિટી સિવિક સેન્ટર કાર્યરત થયેલા છે. અને ૨૦૨૩-૨૪ના વર્ષમાં બીજા તબક્કામાં વધુ 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટરની મંજૂરી આપવામાં આવી છે. સમગ્રતયા ૯૩.૭૬ કરોડના અંદાજીત ખર્ચે ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા આ સેન્ટર્સ કાર્યરત થવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ શૃંખલામાં બાલાસીનોર ખાતેથી 31 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર્સનો કાર્યારંભ કરાવ્યો હતો. આ સિટી સિવિક સેન્ટર્સ રૂ. 44.05 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવનિર્મિત સિટી સિવિક સેન્ટર્સનું લોકાર્પણ કર્યું તે વખતે રાજ્યમાં ૩૧ સ્થળે આયોજિત કાર્યક્રમમાં રાજ્ય મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ જોડાયા હતા.
મુખ્યમંત્રીએ સિટી સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરીને નવનિર્મિત સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી તથા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને સિવિક સેન્ટરના અરજદારોને દાખલાઓ, પ્રમાણપત્રોનું વિતરણ પણ તેમણે કર્યું હતું.
નગરોમાં વસતા શહેરીજનોની સુખ સુવિધામાં વૃદ્ધિ કરવાના રાજ્ય સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરતા આવા સિટી સિવિક સેન્ટર્સમાં મિલ્કત વેરા, હોલ બૂકિંગ, વેરા આકારણી અરજી, લગ્ન નોંધણી, વ્યવસાય વેરા અને વ્યવસાય વેરાનું રજિસ્ટ્રેશન, જન્મ મરણના દાખલા, ગુમાસ્તાધારા પરવાના અને અન્ય ફરિયાદોની અરજીને લગતી કામગીરી કરવામાં આવે છે.
આ ૩૧ સિટી સિવિક સેન્ટર્સના લોકાર્પણના આ દ્વિતીય તબક્કામાં બાલાસિનોર ઉપરાંત પાટડી, કપડવંજ, બોટાદ, ઠાસરા, જેતપુર, ગોંડલ, સિક્કા, ઓખા, પાટણ, સિદ્ધપુર, ઊંજા, ધાનેરા, માણસા, શહેરા, હાલોલ, આણંદ, પેટલાદ, સંતરામપૂર, ઝાલોદ, ધરમપૂર, જંબુસર, બારડોલી, બિલિમોરા, સોનગઢ, મહુવા, કોડીનાર, વિસાવદર, બાબરા, પાલિતાણા અને માંગરોળ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદ રાજપાલ સિંહ જાદવ, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, અગ્રણી પપ્પુભાઇ પાઠક, મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દશરથભાઇ બારીયા, બાલાસિનોર તાલુકા પંચાયત પ્રમુખ સવિતા ચૌહાણ, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ, પ્રાદેશિક નગરપાલિકા નિયામક એસ. પી ભગોરા, જિલ્લા કલેક્ટર નેહાકુમારી, જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે